પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩૮


“સાધુજન, બે બ્હેનોએ, પરમ સ્વતંત્રતાથી, પરમ કલ્યાણબુદ્ધિથી, અને પરમ વ્યવહારનિપુણતાથી, એવો નિર્ણય કર્યો છે કે મ્હારી મધુરીમૈયા – તે સંસારની કુમુદસુન્દરી – પરિવ્રાજિકાજીવન ગાળશે ને કુસુમબ્હેનની પ્રીતિનો આપે પરમ દયાથી સ્વીકાર કરવો યોગ્ય છે. આપ જેવા મહાસાગરનો કુસુમબ્હેન ગંગામૈયા પેઠે સમાગમ પામશે અને કુમુદબહેન તેમની પાછળ યમુનામૈયા પેઠે પ્રવાહિત ર્‌હેશે. સર્વનું કલ્યાણ આમાં છે. મ્હેં પણ સૂક્ષ્મ ચિકિત્સાથી બે બ્હેનોનાં હૃદયમર્મ સમજી લીધેલાં છે ને તેમનું માગેલું ઔષધ તે જ સર્વના કલ્યાણનું અને સર્વના ધર્મનું સાધક થશે એવો સિદ્ધાન્ત કરેલ છે. ક્‌હો જી, આપની શી આજ્ઞા છે ?”

ચન્દ્રકાન્ત આનંદમાં આવી બોલ્યો; “ મિત્ર, કન્થા તમારે રાખવી હોય તો કુસુમસુન્દરી પણ રાખશે, અને સર્વનાં મનોરાજ્યના મનોરથ પૂર્ણ થાય એવી તમે પૂર્ણાહુતિ પણ કરી શકશો. લક્ષ્મીનંદનશેઠ કાલ પ્રાતઃકાળે આવી પ્હોચશે અને બે સદ્ગુણી વિદુષી પરમ સંસ્કૃત આર્યા બ્હેનોની વિજ્ઞપ્તિ સ્વીકારશો તો તમારા હૃદય વિના સર્વનાં હૃદય પ્રફુલ્લ થશે અને તમારા મહામહાયજ્ઞની અદ્વૈતવેદિ ઉપર મહાજવાલાઓ પ્રકટ થશે. તમારા હૃદયની વૃત્તિ આ વિજ્ઞપ્તિ સ્વીકારવાની ના પાડે તો આ યજ્ઞમાં એ વૃત્તિનું પણ બલિદાન આપો અને સર્વનું કાર્ય કરો. તમે અને કુમુદસુન્દરીએ પ્રથમ સર્વે નિર્ણય મ્હારા ઉપર નાંખ્યો હતો તે હું હવે નિર્ણય કરું છું – મને પંચ ઠરાવ્યો હતો તે હું હવે આજ્ઞા આપુ છું કે આ વિજ્ઞપ્તિ સ્વીકારો. બે બ્હેનોની ઈચ્છા પ્રમાણે ચાલવા તમે સ્વીકારેલું છે તે બ્હેનોની પણ ઇચ્છા જણાઈ ગઈ. તેમની ઇચ્છા તેમનાં હૃદયની છે કે માત્ર મુખની છે તે વિષયે પણ ચન્દ્રાવલીમૈયા જેવાં સૂક્ષ્મ મર્મજ્ઞ સુપરીક્ષકે સત્ય નિર્ણય કરી કહ્યા ! હવે તો તમારા હૃદયને પણ પુછવાનું બાકી રહ્યું નથી તો માત્ર મુખથી હા ભણો ! ગુરુજીની પણ અનુજ્ઞા જ છે – તેમણે તો તમને દીક્ષા આપતાં જ ક્‌હેલું છે કે માન અને મદનો ત્યાગ કરો અને અવશ્ય હોય તો આ સાંકેતિકી કન્થાનો પણ ત્યાગ કરો, ને ચન્દ્રાવલીમૈયા જેવાં યાચકને નિર્મુખ ક્‌હાડવાનું અકાર્ય કરશો નહી !”

ચન્દ્રા૦– સાધુજન, આપના વિષયમાં જ્ઞાનભારતી અને વિહારપુરીનો અભિપ્રાય પણ જાણતી આવી છું. તેઓ ગુરુજીના ઉત્તમાધિકારી શિષ્યો છે ને તેમણે ઉભયે મારા વિચારમાં અનુમતિ કહી છે, ચિરંજીવોની કૃપાથી