પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯
ખેડા સત્યાગ્રહ – ૧


મારફત ૪,૦૦૦ ખેડૂતોની સહીઓવાળી અરજીઓ મુંબઈ સરકાર ઉપર રવાના કરવામાં આવી અને તેની નકલો જિલ્લાના કલેક્ટર, ઉત્તર વિભાગના કમિશનર, મુંબઈ પ્રાંતના રેવન્યુ મેમ્બર, ગાંધીજી, ના. ગોકુળદાસ પારેખ, ના. વિઠ્ઠલભાઈ પટેલ તથા ગુજરાત સભાના મંત્રીઓ ઉપર મોકલવામાં આવી. મુંબઈ સરકાર તરફથી જવાબ આવ્યો કે, “આ બાબતમાં કલેક્ટરને સઘળી સત્તા છે અને અરજીમાં જણાવેલા મુદ્દા ઉપર તેઓ પૂરતું ધ્યાન આપી રહ્યા છે.” પછી અનેક ગામોએ જાહેર સભાઓ ભરવામાં આવી. તા. ૨૫-૧૧-’૧૭ના રોજ નડિયાદમાં એક મોટી સભા દેસાઈ ગોપાળદાસ વિહારીદાસના પ્રમુખપણા નીચે થઈ તેમાં ઠરાવ કરવામાં આવ્યો કે ધારાસભામાં ગુજરાત તરફથી ચૂંટાયેલા ના. ગોકળદાસ પારેખ તથા ના. વિઠ્ઠલભાઈ પટેલને આ સવાલ ઉપાડી ખેડૂતોને રાહત અપાવવા વિનંતી કરવી. દરમિયાન, કપડવંજ અને ઠાસરા તાલુકામાં મહેસૂલ ઉઘરાતનો હપ્તો ૫મી ડિસેમ્બરથી શરૂ થતો હોવાથી એક નાના પ્રતિનિધિમંડળે. તા. ૨૭મી નવેમ્બરના રોજ કલેક્ટરની મુલાકાત લીધી અને તેમને વિનંતી કરી કે અમારી અરજીઓનો નિકાલ થાય ત્યાં સુધી હપ્તાની મુદ્દત લંબાવો. કલેક્ટરે જણાવ્યું કે, “શિયાળુ પાકની સારી આશા છે, છતાં હાલના સંજોગોમાં પાકની આનાવારી ચોક્કસ તૈયાર થયા બાદ ખેડૂતોને રાહત આપવાની જરૂર જણાશે તો રાહત આપવામાં આવશે.” ગામેગામ સભાઓ ભરવાનું તો ચાલુ જ હતું. અને તેની ખબર ગાંધીજી તે વખતે ચંપારણમાં રહેતા હતા ત્યાં તેમને આપવામાં આવતી. તેમણે ત્યાંથી લખેલું કે :

“જે જે સભાઓ ભરાય તેમાં મર્યાદાનો ત્યાગ ન થાય, વાતો વિવેકપૂર્વક થાય, તેમ સહેજ પણ અતિશયોક્તિ ન થાય,— એ તમારાથી જળવાય તેટલે દરજ્જે જાળવજો.”

નડિયાદની સભાની વિનંતી ઉપરથી ના. ગોકુળદાસ પારેખ તથા ના. વિઠ્ઠલભાઈ પટેલ તા. ૧૨મી ડિસેમ્બરના રોજ નડિયાદ આવી પહોંચ્યા. તેમણે કલેક્ટરને મળતાં પહેલાં નડિયાદ, કપડવંજ અને ઠાસરા તાલુકાનાં વીસ ગામોની મુલાકાત લઈ લોકોની હાડમારી નજરે જોઈ તથા સેંકડો ખેડૂતોના લેખી પુરાવા લીધા. વળી કઠલાલ, મહુધા તથા નડિયાદમાં જાહેર સભામાં હાજરી આપી. દરેક સભામાં હજારો ખેડૂતોએ ભાગ લીધો અને ચોમાસુ પાકની નિષ્ફળતાનું તથા શિયાળુ પાક ઉપર પણ ઉંદર વગેરેના ઉપદ્રવનું તથા અનેક પ્રકારના રોગોથી થનારા નુકસાનનું આબેહૂબ વર્ણન કર્યું. આમ બધી માહિતી મેળવી તા. ૧૫-૧૨-’૧૭ના રોજ ખેડૂતોના પ્રતિનિધિમંડળ સાથે તેઓ ઠાસરા મુકામે જિલ્લાના કલેક્ટરને મળ્યા અને તેમની આગળ પોતાનું લેખી નિવેદન રજૂ કર્યું. તેમાં વર્ષની ખરાબ સ્થિતિ જોતાં પછાત વર્ગના