પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
સરદાર વલ્લભભાઈ


ખેડૂતોનું તથા રૂપિયા ત્રીસથી ઓછું મહેસૂલ ભરનાર ગરીબ ખેડૂતોનું મહેસૂલ માફ કરવાની તથા જિલ્લાના બીજા તમામ ખેડૂતોનું મહેસૂલ ચાલુ સાલે મુલતવી રાખવાની જરૂર છે એવી માગણી કરી. કલેક્ટરે જણાવ્યું કે, “પાકના આનાવારી વગેરે આંકડા તૈયાર કરવામાં કાળજી અને ઉદારતાથી કામ લેવામાં આવશે અને નિયમ પ્રમાણે યોગ્ય રાહત આપવામાં આવશે. વળી જે તાલુકાઓમાં હપ્તાની મુદત શરૂ થઈ ગઈ હોવા છતાં જે ખેડૂતોએ મહેસૂલ ભર્યું નથી તેમના ઉપર છેવટના હુકમ નીકળતાં સુધી સખ્તાઈના ઈલાજ લેવામાં આવશે નહીં.”

ખેડૂતોની અરજીની એક નકલ ગુજરાત સભાને મોકલવામાં આવેલી. ના. પારેખ અને પટેલની સાથે તપાસમાં તેઓ પણ સામેલ થાય એવું તેમને આમંત્રણ પણ આપવામાં આવેલું. તે ઉપરથી તેના એક મંત્રી શ્રી દાદાસાહેબ માવળંકર અને બીજા કેટલાક સભ્યો ના. પારેખ—પટેલની સાથે ફરેલા અને ઘણા ખેડૂતોની જુબાનીઓ તેમણે લીધેલી. વળી તેના સભ્યોમાંથી રા. બ. રમણભાઈ, દી. બ. હરિલાલ દેસાઈભાઈ તથા સરદાર નડિયાદની જાહેર સભામાં હાજર રહેલા.

ના. પારેખ—પટેલની મુલાકાત પછી કલેક્ટરે તા. રરમી ડિસેમ્બરના રાજ પોતાના હુકમો બહાર પાડ્યા અને તેમાં નડિયાદ, મહેમદાવાદ અને કપડવંજ તાલુકાનાં ગામોમાંથી ૧૦૪ ગામમાં એકંદરે રૂા. ૧,૭૫,૮૬૮ની રકમનું મહેસૂલ મુલતવી રાખવાનું ઠરાવ્યું. જિલ્લાના કુલ મહેસૂલનો આંકડો લગભગ તેવીસ લાખ રૂપિયાનો હતો એટલે મુલતવીની રાહત આખા જિલ્લાની મહેસૂલના ૭.૪ ટકા જેટલી માત્ર હતી. આવી નજીવી રાહતના હુકમની પણ લોકોને તો તે વખતે કશી ખબર આપવામાં જ આવેલી નહીં.

પહેલાં જ્યારે સરકાર વિરુદ્ધ ગણાતી કાંઈ ચળવળ ઊપડતી ત્યારે સરકારી અમલદારોને, અને તેમાંયે વિશેષ કરીને નીચલા વર્ગના અમલદારોને લોકો ઉપર જુલમ કરીને તેમને દબાવી દેવાનું શૂર ચઢતું. પોતાની વફાદારી અને કાબેલિયત બતાવવાની ખરી તક આવી છે એમ તેમને લાગતું, અને એ સ્વાભાવિક હતું. કારણ બ્રિટિશ અમલ દરમિયાન પ્રજા ઉપર જુલમ કરવાનો ઉત્સાહ ધરાવનારા નાના તથા મોટા અમલદારોની કદર પણ થતી. એટલે હપ્તો શરૂ થતાંની સાથે જ કેટલાક તલાટીઓ જોર જબરદસ્તી કરીને વસૂલાત કરવા મંડી પડ્યા. તલાટીઓના જુલમની વાત કાને આવવાથી કઠલાલની હોમરૂલ લીગે તેની તપાસ કરવા એક પ્રતિનિધિમંડળને ગામડાંમાં ફરવા મોકલ્યું. દૈયપ નામના ગામના એક મુસલમાન ખેડૂતે તેમને કહ્યું કે : “ગામમાં તો કાળા કેર વર્તી રહ્યો છે. બે દિવસથી લોકોને ત્યાં રાંધ્યાં ધાન રહ્યાં છે. તલાટી માબહેન સિવાય વાત કરતો નથી. બૈરાંની હાજરીમાં નઠારી ગાળોનો વરસાદ વરસાવે છે. ઘર વેચો, ઘરેણાં વેચો, જમીન વેચો, ઢોર વેચો, છેવટે બૈરીછોકરાં