પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧
ખેડા સત્યાગ્રહ – ૧


વેચો પણ સરકારના પૈસા ભરો, એમ ધમકાવે છે.” એક તરફથી આ જુલમ ચાલતો હતો ત્યારે એની સાથે સાથે જ અમલદારો એવી જ સખ્તાઈ કરીને ‘અવર ડે ફંડ’ અને ‘વૉર લોન’માં લોકો પાસેથી નાણાં કઢાવતા હતા. આ બધી હકીકતનો કાગળ ગાંધીજીને લખવામાં આવેલો તેના જવાબમાં તેમણે જણાવ્યું કે: “તલાટીના જુલમ બાબત તમે ન ભૂલશો અને ભાઈ માવળંકર વગેરેને ભૂલવા ન દેશો. સરકારી અમલદારોની વર્તણૂકનો હેવાલ બહાર પાડવો આવશ્યક છે. સરસ હેવાલ લખાવી બહાર પાડશો.”

દૈયપના જુલમની હકીકત છાપાંમાં આવી તે જોઈ શ્રી ઠક્કરબાપા કઠલાલ ગયા અને દૈયપ અને બીજાં ગામોએ જાતે જઈ તપાસ કરી. પોતાની તપાસનો લાંબો પત્ર તેમણે ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ માં લખ્યો. તેમાં જણાવ્યું કે:

“... દસેક ગામોની મુલાકાત લીધી તેને પરિણામે ચોખ્ખું જણાઈ આવે છે કે ચોમાસુ પાક કેવળ નિષ્ફળ ગયો છે અને શિયાળુ પાકની આશા ફોગટ છે. કેમ કે તેમાં અનેક રોગો અને ઉંદર પડ્યા છે. લોકોની બીજી એક ભારે ફરિયાદ એ છે કે ગામોના મુખી તલાટીએ કરેલી આનાવારીના આંકડા તાલુકા અમલદારના દબાણથી વધારવામાં આવ્યા છે. ચાર આનીની અંદરના આંકડા વધારીને કેટલાંક ગામોના સાડાચાર, છ અને છેવટે આઠ આની સુધી કરવામાં આવ્યા છે. તલાટી સામે લોકોની ફરિયાદ સંબંધે મેં ખૂબ તપાસ કરી, તેને પરિણામે જણાય છે કે એક ખેડૂતને પોતાની સનંદિયા જમીન વેચવી પડી, એક ખેડૂતને ૭૫ ટકા વ્યાજે નાણાં કરજે કાઢવાં પડ્યાં, છ ઢેડ ખેડૂતોને બે કલાક અંગૂઠા પકડાવ્યા અને છેવટે સરકારધારો ભરવાની ચોક્કસ ખાતરી આપી ત્યારે છોડ્યા, તેમને ૩૭ાા ટકા વ્યાજે નાણાં કરજે કાઢવાં પડ્યાં. કેટલાકને ગેરકાયદે અટકમાં રાખી જમીનમહેસૂલ ભરવાનાં વચન લીધાં. જમીનમહેસૂલ આખું ઉઘરાવવા ઉપરાંત સને ૧૯૧રની સાલમાં સરકારે આપેલી તગાવી આ સાલ આખી ઉઘરાવવામાં આવે છે. અનારા અથવા બારશીદાના એક મુસલમાન ખેડૂતને જમીન મહેસૂલ ભરવાની ખાતર પોતાની દસ વર્ષની કન્યાનું લગ્ન કરી જમાઈ પાસેથી પંદર રૂપિયા લેવા પડ્યા હતા. તેની ન્યાતના માણસોને પૂછવાથી ખાતરી થઈ કે જો તેણે કન્યાના બદલામાં લીધેલા રૂપિયા જમીનમહેસૂલ ભરવા સિવાય બીજા કોઈ કારણસર લીધા હોત તો તેને ન્યાતબહાર મૂકવામાં આવત. કેમ કે તેમની ન્યાતમાં દીકરીના પૈસા લેવાની સખત મનાઈ છે. આ મુસલમાન ખેડૂતને આવું અધમ કામ માત્ર ચોથાઈ દંડમાંથી બચવાની ખાતર કરવું પડ્યું હતું.”

બીજી તરફથી તાલુકા અમલદારો મુખી તલાટીઓને વસૂલાતની સખ્તાઈ માટે કેવી રીતે ઉત્તેજન આપતા હતા તે તા. ૧-૧-'૧૮ના કપડવંજ તાલુકાના મામલતદારના નીચેના સર્ક્યુલર પરથી જણાશે: