પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.


પ્રસ્તાવના

સરદાર એક વખત બોલેલા : “મેં તો ધારેલું કે બાપુના જીવનચરિત્રની સાથે મહાદેવ આપણું પણ જીવનચરિત્ર લખશે. તેણે બધી નોંધો કરી રાખેલી છે અને બધા પ્રસંગોમાં તે હાજર અને ઓતપ્રેત હોવાથી તેની પાસે રજેરજ વિગતની માહિતી છે. પણ ઈશ્વરની કળા અકળ છે.” આ જીવનચરિત્ર લખવાની પરિપૂર્ણ યોગ્યતા મહાદેવભાઈની જ હતી. તેઓનું અધૂરું છોડેલું કામ મારાથી થઈ શકે તેવું હોય તો યથાશક્તિ આગળ ચલાવવું એ લાગણીથી આ કામ હાથમાં લેવાનું મેં સાહસ કર્યું છે. પણ તેમની અદ્‌ભુત સાહિત્યિક કળા અને મૌલિક શૈલી હું ક્યાંથી લાવું ? મારામાં એ વસ્તુ નથી એની મને બરાબર ખબર છે. તેથી જ, જેને જીવનચરિત્ર કહી શકાય, જેમાં ચરિત્રનાયકના જીવનનું, ચાલુ જમાના ઉપર પડેલી અને ભવિષ્યના જમાના ઉપર પડનારી તેની અસરનું યોગ્ય મૂલ્યાંકન કરેલું હોય, એવું કશું કરવાનો મેં પ્રયત્ન નથી કર્યો. મેં તો સરદારના જીવનચરિત્ર માટે જે સામગ્રી મને મળી તે મને આવડી તેવી રીતે ગોઠવીને રજૂ કરી છે અને એમના જીવનના મુખ્ય મુખ્ય પ્રસંગોનું વર્ણન કર્યું છે. મારો આ સંગ્રહ સાહિત્યિક શક્તિવાળા સમર્થ ચરિત્રકારને કામમાં આવે તો મારા પ્રયત્નને હું સાર્થક માનીશ.

અને આવું કામ કરવાનો પણ મને ખ્યાલ નહીં આવેલો. પણ ૧૯૪પમાં જેલમાંથી બહાર આવ્યા પછી મણિબહેન મને કહ્યા જ કરતાં હતાં કે બાપુ (સરદાર) નું જીવનચરિત્ર કોણ લખશે ? તમારે જ એ કામ કરવું જોઈએ. મહાદેવભાઈ હોત તો તો એ કરત. પણ એ તો ગયા. હું કહેતો કે એવું લખવાની મારામાં કળા ક્યાં છે ? તેના જવાબમાં એ કહેતાં કે જેવું લખી શકો એવું પણ તમારે જ લખવું જોઈએ. મારી પાસે બધી ફાઈલો પડેલી છે પણ આપણા અંગત મંડળના પૂરેપૂરા વિશ્વાસુ માણસ સિવાય એ હું કોને આપું ? આમ તેમના લાગટ આગ્રહને વશ થઈ મેં હા પાડી. અને મણિબહેને પોતાની પાસે જેટલી સામગ્રી હતી તે બધી મને સોંપી દીધી, એટલે સુધી કે પોતાની ડાયરીઓ જેમાં તેમની અંગત અને ખાનગી ગણાય એવી બાબતો લખેલી છે તે પણ મારા માગ્યા વિના મને આપી. આ કામ હાથ ધરવામાં મને વધારેમાં વધારે આગ્રહ અને મોટામાં મોટી પ્રેરણા મણિબહેનની છે.