પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮
સરદાર વલ્લભભાઈ


માગણી હતી, તે પણ નકારવામાં આવી. મુખ્યત્વે આ અને બીજાં કેટલાંક કારણોને લીધે પંજાબમાં હંટર કમિટીનો કૉંગ્રેસ તરફથી બહિષ્કાર કરવામાં આવ્યો. પણ ત્યાંના અત્યાચારોની સત્તાવાર વિગતો દેશ આગળ રજૂ થવાની જરૂર હતી. એટલે કૉંગ્રેસે પં○ મોતીલાલ નેહરુ, દેશબંધુ દાસ, અબ્બાસ સાહેબ તૈયબજી, શ્રી જયકર અને ગાંધીજી તથા સેક્રેટરી તરીકે શ્રી કે. સન્તાનમ્ એટલાની એક તપાસસમિતિ નીમી.

પંજાબનું આ પ્રકરણ ચાલતું હતું તેની સાથે જ એક બીજો મહાન પ્રશ્ન દેશ આગળ ઊભો થયો હતો. યુરોપીય મહાયુદ્ધમાં તુર્કી જર્મનીના પક્ષમાં ભળ્યું હતું. તુર્કીનો સુલતાન ખલીફ કહેવાતો અને એ રીતે આખી ઈસ્લામી આલમનો તે ધર્મગુરુ ગણાતો તથા મુસલમાનોનાં પવિત્ર મનાતાં સ્થળો તેની હકૂમત નીચે જ રહેવાં જોઈએ એવી મુસલમાનોની માન્યતા હતી. હિંદુસ્તાનના મુસલમાનો પોતાના ખલીફ સામે લડતાં સંકોચ ન પામે તે ખાતર ઇંગ્લંડના વડા પ્રધાને સ્પષ્ટ વચનો આપેલાં કે અમારી જીત થયા પછી બીજા દુશ્મનોનું ગમે તે કરવામાં આવે પણ તુર્કીના સુલતાનની હકૂમત નીચેનો તમામ પ્રદેશ અમે અકબંધ રહેવા દઈશું. આમ છતાં એ વચનો આપ્યાં ને થોડા જ વખત પછી મુસલમાનોના દિલને ચોટ લાગે એવી બીના એ બહાર આવી કે જે વખતે એક તરફથી ઈંગ્લંડનો વડો પ્રધાન આવાં વચનો આપી રહ્યો હતો. તે જ વખતે પોતાના મળતિયા ઈટાલી, ગ્રીસ અને રશિયા સાથે ઈંગ્લંડ છૂપા કોલકરારમાં ઊતર્યું હતું જેમાં તુર્કીના સુલતાનની હકૂમત નીચેનો પ્રદેશ એ બધા દેશો વચ્ચે અમુક અમુક રીતે વહેંચી લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. યુરોપમાં આ છૂપા કોલકરારોની જાણ વહેલી થઈ હતી પણ સેન્સરશિપને લીધે હિંદુસ્તાનમાં તો છેક ૧૯૧૮ના એપ્રિલમાં જ્યારે એન્ડ્રૂઝ વિલાયતથી આ ખબર લાવ્યા ત્યારે જાણ થઈ. ગાંધીજીને વાઈસરૉય તરફથી યુદ્ધ પરિષદમાં ભાગ લેવાનું આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે બીજા કારણોની સાથે આ કારણે પણ ભાગ લેવાની બાબતમાં પોતાની મુશ્કેલી તેમણે જણાવી. વાઈસરૉયે ગાંધીજી આગળ એવી દલીલ કરી કે આ બધી તો છાપાંની વાત છે. બ્રિટિશ પ્રધાનમંડળને શું કહેવાનું છે એ સાંભળ્યા કે જાણ્યા વિના એ ખરી છે એમ કેમ મનાય? વાઈસરૉયની આ દલીલ ગાંધીજીને વાજબી લાગી અને તેમણે લશ્કરભરતીમાં મદદ કરવાનું સ્વીકાર્યુ. પણ યુદ્ધ પૂરું થયા પછી જે સુલેહની શરતો થઈ તે મુજબ તુર્કીના સુલતાનની હકુમત નીચેના પ્રદેશની વહેંચણી થઈ ત્યારે મુસલમાનોને ચોક્કસ લાગ્યું કે ખલીફની હકૂમત એટલે કે ખિલાફતની બાબતમાં આપણી સાથે વચનભંગ અને દગો થયા છે. પોતાના દેશબાંધવ મુસલમાનોને તેમની આફતને સમયે મદદ કરવી જ જોઈએ એમ વિચારીને