પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨
સરદાર વલ્લભભાઈ

ભાષામાં ચાલતો નહીં હોય, આપણા વિચાર અને શિક્ષણનું વાહન પરદેશી ભાષા નહીં હોય, રાજ્યનો કારભાર આભ અને ધરતી વચ્ચે પૃથ્વીની સપાટીથી સાત હજાર ફૂટ ઊંચેથી નહીં ચાલતો હોય, મહાન દેશભક્તોની સ્વતંત્રતા જોખમમાં હોય પણ દારૂડિયાની સ્વતંત્રતાનું રક્ષણ કરવા ખાસ કાળજી રાખવામાં આવે એવી સ્થિતિ સ્વરાજ્યમાં નહીં હોય. . . . સ્વરાજ્યમાં દેશના રક્ષણ માટે દેશને ગીરો મૂકી દેવાળું કાઢવા વખત આવે એટલું લશ્કરી ખર્ચ નહીં હોય. સ્વરાજ્યમાં આપણું લશ્કર પેટિયું નહીં હોય. તેનો ઉપયોગ આપણને ગુલામ બનાવવામાં અને બીજી પ્રજાઓની સ્વતંત્રતાનો નાશ કરવામાં નહીં થતો હોય. મોટા અમલદારોના અને નાના નોકરોના પગારની વચ્ચે આભ જમીન જેટલું અંતર નહી હોય, ઇન્સાફ અતિશય મોંઘો અને અશક્ય જેવો નહીં હોય અને સૌથી વિશેષ તો એ છે કે આપણું સ્વરાજ્ય હશે ત્યારે આપણે આપણા પોતાના દેશમાં તેમ જ પરદેશમાં જ્યાં અને ત્યાં હડે હડે નહીં થતા હોઈએ.”

બ્રિટિશ હકૂમત નીચેથી છૂટ્યા એટલે દરજ્જે આપણે સ્વતંત્ર થયા છીએ પણ ઉપર સ્વરાજ્યનું જે ચિત્ર આપ્યું છે અને તેની કેટલીક વિગતો આપી છે તેમાંની ઘણી સિદ્ધ કરવી હજી બાકી જ છે.

પશ્ચિમની પદ્ધતિ દાખલ કરવામાં કેટલું જોખમ રહેલું છે તે બાબત એમણે આપેલી ચેતવણી આજે પણ વિચારવા જેવી છે:

“કેટલાક પશ્ચિમના સુધારાના પૂજારી છે. તેઓ રેંટિયામાં દેશને દોઢસો વરસ પાછા લઈ જવાનો ડર દેખી રહ્યા છે. પશ્ચિમનો સુધારો જગતની અશાંતિનું મૂળ છે એ તેઓ જોઈ શકતા નથી. ૨ાજા પ્રજા વચ્ચે ક્લેશ કરાવનાર, મોટી મોટી સલ્તનતોના ભુક્કા ઉડાવનાર, મહાન રાજ્યોને ગ્રહોની માફક અથડાવી પૃથ્વીનો પ્રલય આણનાર, માલિકો અને મજૂરો વચ્ચે જાદવાસ્થળી મચાવનાર પશ્ચિમનો સુધારો શેતાની શસ્ત્રો અને સામગ્રી ઉપર રચાયેલો છે. એ સુધારાનો વંટોળિયો આખા જગત ઉપર જોસભેર ફેલાતો જાય છે. તે વખતે એકલું હિંદુસ્તાન એની સામે અડગ રહી પોતાને અને બને તો જગતનો બચાવ કરવા ઇચ્છે છે. પશ્ચિમનો સુધારો હિંદમાં દાખલ કરવા ઇચ્છનારાઓની પાસે તે સુધારાને પચાવવાની શી સામગ્રી છે ? હિંદુસ્તાન એ સુધારાની પાછળ દોડતાં હમેશાં પાછળ જ રહેવાનું. તે આ ભૂમિને અનુકૂળ જ નથી. આત્મબળને પૂજનાર હિંદુસ્તાન એ શેતાનના તેજમાં કોઈ દિવસ તણાવાનું નથી.”

દેશમાં કેટલાંક શહેરોમાં અમન સભાઓ (Leagues of Peace and Order) સ્થપાવા માંડી હતી. તેનું પોગળ ખુલ્લું પાડતાં તેમણે કહ્યું :

“સુલેહ શાંતિનાં મંડળ હિંદુસ્તાનમાં બધે ઠેકાણે નીકળવા માંડ્યાં છે. ગુજરાત એ ઢોંગ અને પ્રપંચમાંથી બચી જશે એમ હું ધારતો હતો