પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬
સરદાર વલ્લભભાઈ


અલ્લાહાબાદ ગયેલા એટલે તેમની જગાએ કામ કરતા એક બંગાળી ભાઈ કૃષ્ણદાસ સાથે હતા. બધું મંડળ મુંબઈથી સ્ટીમરમાં કચ્છ ગયેલું. માંડવી બંદરે ઊતરતાં સ્વાગત કરવા આવનારાઓને મંડળની ઓળખાણ આપતાં સરદારે બહુ ઠાવકી રીતે આનંદીને ગાંધીજીએ દત્તક લીધેલી હરિજન બાળા લક્ષ્મી તરીકે અને ભાઈ કૃષ્ણદાસને એક હરિજન તરીકે ઓળખાવ્યા. તે વખતે કચ્છમાં અસ્પૃશ્યતાનું જોર બહુ ભારે હતું એ સરદાર જાણતા હતા. લક્ષ્મી નામની હરિજન બાળાને ગાંધીજીએ દત્તક લીધાનું થોડા જ વખત ઉપર જાહેર થયું હતું. એટલે સરદારે સ્વાગત કરનારાઓને મૂંઝવવા આ વિનોદ કર્યો. અને તે આખા પ્રવાસમાં ચાલુ રાખ્યો. જ્યાં જાય ત્યાં ગમે ત્યાંથી પ્રસંગ કાઢીને સરદાર ભાઈ કૃષ્ણદાસનું અને આનંદીનું આ પ્રમાણે ઓળખાણ આપવાનું ચૂકતા નહીં. જે બે ચાર ભાઈઓના પ્રયાસથી ગાંધીજીને આમંત્રણ અપાયેલું તેઓ તો અસ્પૃશ્યતાનિવારણના હિમાયતી હોઈ તેમને જરાય હરકત નહોતી, પણ સરદારના આ અમલી વિનોદથી તેમની મુશ્કેલી બહુ વધી. કયે કયે ગામે જવું એ કાયક્રમ અગાઉથી જાહેર થઈ ચૂકેલો હતો. ગાંધીજીની સાથે હરિજનો છે એ વાત જાણ્યા પછી કેટલાંક ગામના લોકો એમને બોલાવવા નારાજ હોય તો પણ ગાંધીજી કાર્યક્રમમાં ફેરફાર થવા દે જ નહીં. એટલે જેમને ત્યાં ઉતારાનું ગોઠવ્યું હોય તે લોકોએ પોતાને ત્યાં ગાંધીજી અને એમની મંડળીને ઉતારવાની ના પાડી, એવા દાખલા પણ બન્યા. એવી જગ્યાએ ધર્મશાળામાં ઉતારો ગોઠવવો પડ્યો. પોતાને ઘેર ગાંધીજીને જેમણે ઉતાર્યા અને મંડળીને જમાડી તેમણે ગાંધીજીની મંડળીને અછૂત ગણી ઊંચેથી પીરસ્યું અને એમના ગયા પછી આખું ઘર ધોઈ નાખ્યું, એવા દાખલા પણ બન્યા. એક ગામે તો ધર્મશાળામાં પણ ગાંધીજીની મંડળી માટે કોઈ રસોઈ કરનાર ન મળ્યું, એટલે સૌએ હાથોહાથ રસોઈ કરી લીધી. કેટલાંક ગામે સભામાં ધાંધલ થયાં. છતાં સરદારે તો કચ્છ છોડ્યું ત્યાં સુધી ઠાવકે મોઢે પોતાનો વિનોદ ચાલુ રાખ્યો અને ગાંધીજીને કચ્છનાં ખરાં દર્શન કરાવ્યાં.

આ આખા વરસ દરમ્યાન વાઈસરૉય અને ગવર્નરથી માંડીને કલેક્ટર સુધીના ગોરા અમલદારો અસહકારની હિલચાલથી સારી પેઠે મૂંઝાઈ ગયા હતા. એની સામે શા ઉપાયો લેવા તે એમને સૂઝતું ન હતું. કાંઈ પણ કરવા જતા તો તેથી ચળવળ ઊલટાનું વધારે જોર પકડતી અને તેઓ બની જતા. છેવટે વાઈસરૉયને એક નવો તુક્કો સુઝ્યો. હિંદી લોકોમાં રાજા અને રાજકુટુંબ પ્રત્યે એક પ્રકારનો ભક્તિભાવ હોય છે, માટે યુવરાજને હિંદુસ્તાનમાં બોલાવી બધે ફેરવીએ અને એની પાસે ભાષણો કરાવીએ તો લોકોનું ધ્યાન બીજી તરફ ખેંચાય, લોકોને અસહકારમાંથી પાછા વળાય અને ગાંધીજીની લોકપ્રિયતામાં