પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨
સરદાર વલ્લભભાઈ


હોય પણ મ્યુનિસિપાલિટીનું પગલું અસહકારની મહાન લડતના એક ભાગરૂપે હતું એ વિષે કોઈ ને શંકા નહોતી. સિવિલિયન નોકરશાહી એ રીતે જ એને ગણતી હતી અને તેની ઉપરવટ થઈને ગવર્નર એક લોકનિયુક્ત ખાતાના પ્રધાનની વાત માને એવી જરાયે આશા નહોતી. સરદારે સર રઘુનાથ સાથે બિલકુલ સમાનતાના નાતાથી વાત કરેલી. મ્યુનિસિપાલિટીના એક પક્ષના નેતા આવી સાફ સાફ વાત પોતાને સંભળાવીને સરકારમાં પોતાનું સ્થાન ક્યાં છે એનું પ્રધાન સાહેબને ભાન કરાવે એ પણ એમને કઠેલું. સરદારના ગયા પછી તેઓ બોલેલા કે, મને આવો સવાલ પૂછવાની એ માણસની ધૃષ્ટતા તો જુઓ ! (Look at the cheek of that man!)

આમ મ્યુનિસિપાલિટી મક્કમ રહી અને તેની શાળાઓ ધમધોકાર ચાલ્યાં કરી એટલે સરકારે છેવટનું પગલું લેવાનો નિશ્ચય કર્યો. તેણે તા. ૭-૧૨-’૨૧ના રોજ નીચેનો ઠરાવ બહાર પાડ્યો :

“મુંબઈ સરકારને ખબર મળી છે કે અમદાવાદ મ્યુનિસિપાલિટીએ, સને ૧૯૦૧ના બૉમ્બે ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ ઍક્ટની કલમ ૫૮ની રૂએ સરકારે ઘડેલા નિયમો પૈકી નિયમ નં. ૩ની વિરુદ્ધ જઈ ને, તા. ૨૦-૬-’૨૧ના પોતાના ઠરાવ નં. ૧૮૧થી એવું નક્કી કર્યું છે કે સરકારના ઇન્સ્પેકટરને મ્યુનિસિપલ શાળાઓની પરીક્ષા લેવા દેવી નહીં. મજકૂર ઠરાવને તેમણે અમલમાં પણ મૂક્યો છે. અને તેમ કરીને સદરહુ ઍક્ટની સદરહુ કલમની રૂએ ઘડેલા નિયમોને અધીન રહીને તે નિયમ મુજબ પ્રાથમિક શાળાઓ સદરહુ કાયદા પ્રમાણે ચલાવવાની તેમના ઉપર નાખેલી ફરજ બજાવવામાં કસૂર કરી છે.
“વળી મુંબઈ સરકારને યોગ્ય તપાસ પછી સંતોષપૂર્વક ખાતરી થઈ છે કે અમદાવાદ મ્યુનિસિપાલિટી સદરહુ કસૂર માટે ગુનેગાર છે અને એનો ગુનો ચાલુ જ છે.
“તેથી, સદરહુ કાયદાની કલમ ૧૭૮ પ્રમાણે પોતાને જે સત્તાઓ આપવામાં આવેલી છે તે સત્તાની રૂએ મુંબઈ સરકાર ઉત્તર વિભાગના કમિશનરને ફરમાશ કરે છે કે સદરહુ ફરજો અમદાવાદ મ્યુનિસિપાલિટી બજાવતી થાય તે માટે ચોક્કસ મુદત બાંધવી.”

આ ઠરાવ અનુસાર કમિશનર મિ. પ્રેટે મ્યુનિસિપલ પ્રમુખને તા. ૮-૧ર-’ર૧ના રોજ કાગળ લખીને જણાવ્યું કે, મ્યુનિસિપાલિટીએ કાયદાની રૂએ પોતાની ફરજ બજાવતા થઈ જવાની મુદત તા. ૧૭–૧૨–’૨૧ના રોજ સાંજના પાંચ વાગ્યાની પોતે ઠરાવે છે. તેમણે એમ પણ સૂચવ્યું કે મ્યુનિસિપલ બોર્ડ પાસે આનો વિચાર કરાવવા તમારે જનરલ મીટિંગ તાબડતોબ બોલાવવી.