પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૩
મ્યુનિસિપાલિટી મારફત અસહકાર


તા. ૧૨-૧૨-’૨૧ના રોજ મ્યુનિસિપલ બોર્ડની ખાસ મીટિંગ બોલાવવામાં આવી. તેમાં સરકાર અને અસહકારી પક્ષ વચ્ચે સમાધાન કરાવવાના ઉદ્દેશથી દી○ બ○ હરિલાલભાઈ ઠરાવ લાવ્યા કે :

“અત્યારે પ્રાથમિક શાળાઓની પરીક્ષાઓ તથા નિરીક્ષણને લગતા જે નિયમો કાયદાની રૂએ ઘડવામાં આવેલા છે, તેમાં ગૃહીત કરી લેવામાં આવેલું છે કે બધી મ્યુનિસિપાલિટીઓ પોતાની પ્રાથમિક શાળાઓના નિભાવને અર્થે સરકારી મદદ લેવાની જ; પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને ઉત્તરોત્તર વધુ સ્વતંત્રતા આપવાનો સરકારનો અસલ ઉદ્દેશ હોવાથી જે મ્યુનિસિપાલિટીઓ પોતાના જ ફંડમાંથી પ્રાથમિક શાળાઓ ચલાવવા ઇચ્છે તેમને માટે અમુક પ્રકારના નિયમો ઘડવામાં આવે અને જે મ્યુનિસિપાલિટીઓ મદદ લેતી હોય તેમને માટે જુદા પ્રકારના નિયમો ઘડવામાં આવે. આમ કરવાથી જેઓ વધુ જવાબદારી ઉપાડવા અને વધુ સ્વતંત્રતા ભોગવવા ઇચ્છતી હશે તેમને વધુ સત્તા આપી શકાશે અને અત્યારે ઊભું થયેલું ઘર્ષણ દૂર કરી શકાશે.
“આ બાબતનો સત્વર નિર્ણય થવાની જરૂર છે. માટે પ્રમુખને વિનંતી કરવામાં આવે છે કે આ ઠરાવ સીધો સ્થાનિક સ્વરાજ્ય ખાતાના પ્રધાનને મોકલી આપો.”

સરકારને સમાધાન કરવાની તક આપવાના હેતુથી સરદાર અને બીજા કેટલાક ચુસ્ત અસહકારીઓએ તટસ્થ રહી એકે તરફ વોટ આપ્યા નહીં. મ્યુનિસિપાલિટી ગ્રાન્ટ લે કે ન લે પણ સઘળી મ્યુનિસિપાલિટીઓ ઉપર સરકારનો સરખો જ અંકુશ હોવો જોઈએ એવા ચુસ્ત સહકારીઓએ પણ વોટ ન આપ્યા.

એટલે કોઈના વિરોધ વિના દી○ બ○ હરિલાલભાઈનો ઠરાવ પસાર થયો.વળી પાછી તા. ૧૪–૧૨–’૨૧ના રોજ મ્યુનિસિપાલિટીની ખાસ જનરલ મીટિંગ થઈ. તેમાં દી○ બ○ હરિલાલભાઈનો ઠરાવ પસાર થયો કે, જુદી જાતના નિયમો ઘડવાનું સરકારને સૂચન કરનાર ઠરાવ મ્યુનિસિપાલિટીએ પસાર કર્યો છે, તેથી કમિશનરે સરકારી ઠરાવનો અમલ કરવા માટે તા. ૧૭–૧૨-’૩૧ સુધીની મુદત આપી છે, તે લંબાવવા એમને વિનંતી કરવી.

આ ઠરાવનો કશો જવાબ ન આપતાં ઉત્તર વિભાગના કમિશનરે તા. ૧૭મીના રોજ અમદાવાદના કલેક્ટર મારફત મ્યુનિસિપલ પ્રમુખને હુકમ મોકલાવ્યો કે આજે સાંજના પાંચ વાગ્યાથી સ્કૂલ્સ કમિટીને પ્રાથમિક શાળાઓ ઉપરની તમામ સત્તા અને જવાબદારીઓથી ફારગ કરવામાં આવે છે અને તેણે તેના વહીવટમાં હવે કશી દખલ કરવી નહીં. મ્યુનિસિપલ પ્રમુખને વિનંતી કરવામાં આવે છે કે સઘળી મ્યુનિસિપલ પ્રાથમિક શાળાઓને તથા સ્કૂલ્સ કમિટીની ઑફિસનો ‘ચાર્જ’ અમદાવાદ વિભાગના ડેપ્યુટી એજ્યુકેશનલ