પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪
સરદાર વલ્લભભાઈ


પ્રતિનિધિઓ તથા પ્રેક્ષકોને રહેવા માટે ઝૂંપડીઓ ખાદીની જ બનાવી હતી. ખાદીની ઝૂંપડીઓના એ નગરને ખાદીનગર એવું સાર્થ નામ આપ્યું હતું. તેની રચના કોઈ નમૂનેદાર નગરની રચના જેવી હતી. અનેક રસ્તા અને ઉપરસ્તા તથા વચમાં વિશાળ ચોક, રસ્તા ઉપર વીજળીના દીવા, દરેક ઝૂંપડીમાં પણ વીજળીની બત્તી, એ બધાથી આખી નગરી રાતે ઝગમગી ઊઠતી હતી. તે દિવસો પૂર્ણિમાની આસપાસના હતા. એટલે રાતની દૂધ જેવી ચાંદનીમાં દૂધ જેવી ખાદીની શોભા હરકોઈના હૃદયમાં નવીન આશા અને ઉત્સાહનો સંચાર કરતી. કૉંગ્રેસની સાથે ખિલાફત પરિષદ તથા મુસ્લિમ લીગની બેઠકો હતી. તેમણે પોતાના પ્રતિનિધિઓ માટે મુસ્લિમ નગરની રચના કરી હતી. ગાંધીજીની ખાદીની ઝૂંપડી ખાદીનગર, મુસ્લિમ નગર તેમ જ કૉંગ્રેસના મંડપને બને તેટલી નજીક પડે એ રીતે એક નાના સરખા ચોકમાં રાખવામાં આવી હતી.

કૉંગ્રેસના સભામંડપની રચના પણ અદ્‌ભુત હતી. કૉંગ્રેસના મંડપમાંથી પહેલી જ વાર ખુરશીઓને દેશવટો દેવામાં આવ્યો હતો. સભા માટે કોઈ જગ્યાએ ખોદીને તો કોઈ જગ્યાએ પૂરણી કરીને એકસરખા ઢાળવાળી જમીન બનાવવામાં આવી હતી, અને તેની ઉપર નદીની સ્વચ્છ રેતી પાથરી દેવામાં આવી હતી. પ્રમુખ તથા સ્વાગત મંડળના સભ્યોને સારુ સામેને છેડે પૂરણી કરીને વિશાળ ઓટલો બનાવી દીધો હતો. વ્યાસપીઠની રચના એ બેની વચ્ચે કરવામાં આવી હતી. સ્વ. ડૉ. હરિપ્રસાદે ગાંધીજી સાથે મીઠો ઝઘડો કરીને મંડપમાં ફૂલપાંદડાંનો શણગાર કરવાની રજા મેળવી હતી અને ફૂલ તથા પાંદડાંથી મંડપને કળામય રીતે શણગારવામાં આવ્યો હતો.

મંડપમાં ખુરશીઓ કાઢી નાખી હતી એટલે જોડા પહેર્યા વિના સઘળા જાય એવો નિયમ રાખ્યો હતો. સવાલ એ ઊભો થયો કે હજારો માણસોના જોડા બહાર સચવાય શી રીતે ? જુદે જુદે દરવાજે બહાર જોડા સાચવનારા રાખવા તેઓ અમુક નંબરની ચિઠ્ઠી જોડાના માલિકને આપે અને એ જ નંબરની ચિઠ્ઠી જોડામાં મૂકી રાખે, જે ઉપરથી માણસ બહાર નીકળે ત્યારે એના જ જોડા એને પાછા આપી શકાય એવી એક સૂચના આવી. પણ હજારો જોડાની આવી વ્યવસ્થા કરવી મુશ્કેલ લાગી અને ચિઠ્ઠી ઉપરથી જોડા ઓળખી પાછા સોંપવામાં બહુ વખત જાય એમ લાગ્યું. બહાર કાગળની કોથળીઓ વેચાતી મળે અને તેમાં મૂકીને દરેક માણસ પોતાના જોડા પોતાની સાથે અંદર લઈ જાય એવી સૂચના આવી. પણ એ કાગળની કોથળી એક જ વપરાશમાં ફાટી જાય. એટલે છેવટે બહાર ખાદીની થેલીઓ ચાર ચાર આને વેચવાની વ્યવસ્થા રાખી, જેમાં જોડા રાખીને અંદર લઈ જઈ શકાય. આ વ્યવસ્થા સફળ થઈ અને હજારો થેલીઓ ત્યાં ખપી.