પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮
૧૯૮
સરદાર વલ્લભભાઈ

દૃષ્ટિએ જોઈએ અથવા તો ટ્રસ્ટના અને નાણાંના ગેરઉપયોગના નિયમોની દૃષ્ટિએ જોઈએ, મને તો લાગે છે કે વાદીએ ખોટો ઉપાય લીધો છે અને તેનો દાવો કાયદેસર રીતે ટકી શકે એમ નથી.

“તેથી આ દાવો કાઢી નાખવામાં આવે છે. તેણે પ્રતિવાદીઓનું ખર્ચ આપવું અને પોતાનું પોતે ભોગવી લેવું.”

કેસ બહુ રસાકસીવાળો હોઈ બન્ને પક્ષના વકીલોએ ખૂબ લંબાણથી દલીલ કરી હતી અને જજનું જજમેન્ટ પણ બહુ લાંબું હતું. મેં તો અતિશય ટૂંકાણમાં તેનો સાર જ ઉપર આપ્યો છે.

ડિસ્ટ્રિક્ટ જજે પોતાને ચુકાદો તા. ૧૪-૪–’૨૩ના રોજ આપ્યો. ત્યાર પછી આ કેસ વિષે તા. ૨૨-૪-’૨૩ના ‘નવજીવન’ માં સરદારે એક લેખ લખ્યો. તેમાં તેઓ કહે છે :

“. . . કાયદો અને વ્યવસ્થા (Law and order)ના નામથી અનેક પ્રકારની અનીતિ કરવાની સરકારને આદત પડેલી છે તે જ પ્રમાણે આ કામમાં કર્યું. જે ઓગણીસ સભાસદોએ કેળવણી ઉપર સરકારનો કાબુ દૂર કરવા લડત ઉઠાવેલી તેમની પાસેથી કેળવણીની પાછળ ‘ખોટી રીતે કરેલા’ ખર્ચની રકમ વસૂલ કરવા દાવો કર્યો. પ્રાથમિક કેળવણી પાછળ જે ઘટતો ખર્ચ કરવા મ્યુનિસિપાલિટી કાયદાથી બંધાયેલી છે તે ખર્ચ કરવા માટે તેના સભાસદો પાસેથી લાખ રૂપિયાના દાવા કરવાની સરકારની હિંમત ચાલે અને તે પણ સુધારાના રાજ્યમાં — જ્યારે સ્થાનિક સ્વરાજ્યનું ખાતું પ્રજાકીય પ્રધાનના હાથમાં સોંપવામાં આવ્યું છે ત્યારે —— તો સ્થાનિક સ્વરાજ્યના નામથી ચાલતા પાખંડનો વધુ પુરાવો શો જોઈએ ?
“અમદાવાદમાં સરકારની હાર થઈ. કોર્ટે સરકારનો દાવો રદ કર્યો અને પ્રતિવાદીનું ખર્ચ સરકારે આપવું એમ ઠરાવ્યું. આથી કેટલાકને આશ્ચર્ય થાય છે. અન્યાયથી ટેવાયેલી પ્રજાને કોઈ વખત ન્યાયની ઝાંખી થાય ત્યારે નવાઈ લાગે એ સ્વાભાવિક છે. પણ આવા ક્વચિત્ થતા ન્યાયથી પ્રજા છેતરાય છે. ખરું જોતાં તો આ કેસમાં ન્યાય મેળવવાનો પ્રયત્ન થોડો જ હતો. આવો ઉઘાડો અન્યાય માગવા આવવાની હિંમત તો સરકારની જ ચાલે, કારણ એને સત્તાની હૂંફ છે. સરકારી વકીલે આ કેસ જેમ બને તેમ વહેલો ચલાવવા કોર્ટને અરજીઓ કરેલી. વહેલો ફેંસલો થયે સરકારને તો કાંઈ મળે એમ નહોતું. પણ સરકાર કેસમાં અસાધારણ હિત લે છે એવી કોના ઉપર અસર પાડવાની અને તેથી જેટલો લાભ ઉઠાવી શકાય તેટલો ઉઠાવવાની આ એક સામાન્ય રીત થઈ પડેલી છે. સરકારની પાસે ન્યાયખાતું છે. તેના વડા અધિકારીને હજાર રૂપિયાનો પગાર આપવામાં આવે છે. સરકારી ધારાશાસ્ત્રીને પણ મોટા પગાર મળે છે. અને સરકારી વકીલ વગર આ રાજ્યમાં કોઈ કોર્ટ હોતી જ નથી. આટલી બધી કાયદાની મદદ છતાં સરકારની આ દાવો કરવાની હિંમત કેમ ચાલી હશે ? આ દાવામાં