પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૯
નડિયાદ અને સુરત મ્યુનિસિપાલિટીની લડત


તેમણે શાળાઓ ચલાવી છે તે તો તેમના અધિકારની અંદરનું જ છે. માટે શાળાઓ પાછળ તેમણે ખર્ચેલા રૂા. ૬૭,૯૦૩-૬-૩ વાજબી અને કાયદેસર ખર્ચેલા છે અને એ રકમ પૂરતો દાવો કાઢી નાખવામાં આવે છે, એમ જજે ઠરાવ્યું. પણ રાષ્ટ્રીય કેળવણી મંડળને શાળાઓ સોંપી તેના ખર્ચ માટે રૂા. ૪૦,૦૦૦ આપ્યા તે ખર્ચો મ્યુનિસિપાલિટીએ કાયદેસર રીતે નથી કર્યો માટે એ રકમનું જજે પ્રતિવાદી કાઉન્સિલર ઉપર હુકમનામું કર્યું.

આ સંબંધમાં ગાંધીજી તા. ૧૫-૬-’૨૪ના ‘નવજીવન’ માં લખે છે :

“સુરતના બાવીસ માજી મ્યુનિસિપલ કાઉન્સિલરો ઉપર રૂપિયા ચાળીસ હજારનું હુકમનામું થયું છે એ બાવીસ ઉપર નથી થયું પણ આખી માજી મ્યુનિસિપાલિટી ઉપર થયું છે. બલ્કે મ્યુનિસિપાલિટી ઉપર પણ નથી, જે શહેરીઓ મ્યુનિસિપાલિટીની પાછળ હતા, જે મતદારોએ સભાસદને ચૂંટ્યા હતા, તેમની ઉપર આ હુકમનામું થયું કહેવાય. એટલે તે પૈસાની જવાબદારી સુરતના અસહકારી શહેરીઓ ઉપર છે.
“અસહદારીની જવાબદારી પૈસા આપીને બસ થતી નથી. બાવીસ પ્રતિનિધિઓને જાતે જ પૈસા ભરવા પડે એવું તો સુરતના અસહકારીઓ ન જ થવા દે. પણ તેની જવાબદારી તો એ છે કે સરકાર એ હુકમનામાની બજાવણી જ ન કરી શકે એવી સ્થિતિ લાવી મૂકવી. આનો ઉપાય તો કેવળ આ હુકમનામા પૂરતો સ્થાનિક સત્યાગ્રહ છે. એટલે કે શહેરીઓ સરકારને વિનયપૂર્વક લખે કે આ હુકમનામાની બજાવણી સરકાર કરે તો શહેરીઓ તે તરફ પોતાની નાપસંદગી બતાવવા બીજા કરો નહીંં ભરે. ચાળીસ હજારનો ઉપયોગ કાંઈ કોઈએ અંગત નથી કર્યો. એટલે પૈસા ભલે સરકાર વસૂલ કરે પણ તેની સાથે કર વસૂલ કરવાનો બોજો પણ વહોરે. બધા કરો આપવાનું બંધ કરવું મુશ્કેલ હોય તો જે બંધ કરવાલાયક જણાય તે કરો બંધ કરે.
“એવો અવસર હતો કે જ્યારે આ પગલું આપણે સહેલું માનતા હતા. હવે તેનો ઉત્સાહ મોળો પડ્યો છે એટલે આવું પગલું મુશ્કેલ લાગે. પણ ગુજરાતમાં બોરસદનો દાખલો તાજો છે તેથી એ પગલું મુશ્કેલ ન લાગવું જોઈએ.”

આ ત્રણે મ્યુનિસિપાલિટીની લડત સાચા સ્થાનિક સ્વરાજ્ય માટેની હતી. તે આખા સ્થાનિક વહીવટ માટે નહીં પણ કેળવણી પૂરતી મર્યાદિત રાખવામાં આવી હતી. તે માટે ત્રણે સ્થળે શહેરીઓને તથા શિક્ષકોને કાંઈ ને કાંઈ ભોગ આપવો પડ્યો પણ તેમાંથી તેમને બહુ કીમતી તાલીમ મળી. લોકો મ્યુનિસિપાલિટીના કામમાં સક્રિય રસ લેતા થયા અને પોતાના કારભારના પોતે માલિક થઈ શકે છે એવો આત્મવિશ્વાસ તેમનામાં આવ્યો.