પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૩
ચૌરીચોરાનો હત્યાકાંડ અને ગાંધીજીની ગિરફ્તારી


હતો અને તેથી લોકો ધૂંધવાયેલા હતા. ગાંધીજીને મન આ બચાવનો કશો અર્થ ન હતો. તેમને તો સ્પષ્ટ લાગ્યું કે પોલીસ તરફથી અગાઉ ચાહે તેવી પજવણી થઈ હોય તો પણ તેઓ જ્યારે નિરાધાર થઈ ગયા હતા અને લોકોના ટોળાની દયા પર આવી પડ્યા હતા ત્યારે તેમની આવી ઘાતકી રીતે હત્યા કરવી તેનો કોઈ રીતે બચાવ કરી શકાય જ નહીં. તેમાંય જ્યારે આપણે અહિંસાપરાયણ હોવાનો દાવો કરતા હોઈએ અને કેવળ શુદ્ધ સાધનો વડે જ સ્વતંત્રતા મેળવવાના ઉમેદવાર હાઈએ ત્યારે આવી ટોળાશાહી ચલાવીને ખુનામરકી કરવી અક્ષમ્ય જ ગણાય. નાનાં નાનાં છમકલાં તો બીજે પણ થોડાં થયાં હતાં. એટલે આવા હિંસામય વાતાવરણ વચ્ચે બારડોલીનો સામુદાયિક સવિનય ભંગ ન ચલાવી શકાય એ વિચાર તેમને તત્કાળ સ્ફૂર્યો. તેમને કૉંગ્રેસે સરમુખત્યાર નીમ્યા હતા એટલે તેમને સવિનય ભંગ મોકૂફ રાખવાની સત્તા તો હતી, પણ કારોબારી સમિતિના જે જે સભ્યો બહાર હતા તેમની સાથે મસલત કરીને જે તે નિર્ણય જાહેર કરવો એ વિચારથી તા. ૧૧મી ફેબ્રુઆરીએ બારડોલીમાં કારોબારીની મીટિંગ બોલાવી. તે વખતની પોતાની મનોવ્યથાનું ગાંધીજી ‘ઘરનો ઘા’ એ નામના લેખમાં વર્ણન આપે છે :

“ ‘પણ હમણાં જ હજી વાઈસરૉય સાહેબને લાંબોચોડો વિષ્ટિપત્ર લખી મોકલ્યો અને તેના જવાબનો પણ જવાબ વાળ્યો તેનું શું ?’ આમ સેતાન કાન આગળ ગણગણ્યો. મારી ભોંઠપને સીમા ન દેખાઈ. ‘મોટા ડોળ કરીને સરકારને મોટી મોટી ધમકીઓ આપી, બારડોલીના લોકોને બડીબડી આશાઓ આપી, અને બીજે જ દિવસે આમ પાછી પાની ! કેવડી ભારે મરદાનગી !’ આમ સેતાન મારી પાસે સત્યનો અને તેથી ધર્મનો અને ઈશ્વરનો ઇનકાર કરાવવા મથી રહ્યો હતો. મેં મારી શંકાઓ અને મારું દુઃખ કારોબારી સમિતિ આગળ તેમ જ જે સાથીઓને મેં મારી પાસે દીઠા તેમની આગળ રજૂ કર્યું. પહેલાં તો તેમનામાંના બધાને કંઈ મારું કહેવું હૈયે બેઠું નહીં. કેટલાકને કદાચ હજી પણ મારું કહેવું ગળે ઊતર્યું નથી. પણ ઈશ્વરે મને જેવા સમજુ અને દરિયાવ દિલના સાથીઓ અને જોડીદારો આપ્યા છે તેવા કદાચ ભાગ્યે જ કોઈને આપ્યા હશે. તેઓ મારી મુશ્કેલી સમજ્યા અને ધીરજથી મારું બધું કહેવું સાંભળ્યું.”

તા. ૧૧મી તથા ૧રમી ફેબ્રુઆરી, એ બે દિવસ કારોબારી સમિતિની બેઠક ચાલી. તેમાં પસાર થયેલા ઠરાવોના મુદ્દા નીચે પ્રમાણે છે :

૧. ચૌરીચારાના અમાનુષી અત્યાચારો માટે ખેદ.
૨. સામુદાયિક સવિનય ભંગ પૂર્ણ અહિંસામય વાતાવરણ ઊભું થાય ત્યાં સુધી મુલતવી રાખવો. સરકારના મુલતવી રાખેલા કર ભરી દેવા. આક્રમણકારી સવિનય ભંગની તૈયારીઓ બંધ કરવી.