પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૭
ચૌરીચોરાનો હત્યાકાંડ અને ગાંધીજીની ગિરફ્તારી


સંતોષવાને માટે પોતાના નિર્ણયનાં કારણો આપવાનો પ્રયત્ન કરે છે. આ પ્રયત્ન ઘણી વાર અતિશય છીછરો હોય છે — જેમ અમને ચૌરીચોરા પછીથી લાગ્યું હતું. તે વખતે જોકે ઉપરથી લડત બહુ જોશમાં દેખાતી હતી અને લોકોનો ઉત્સાહ સર્વત્ર ઊભરાતો જણાતો હતો તોપણ વાસ્તવમાં લડત છિન્નભિન્ન થઈ ગઈ હતી. વ્યવસ્થા અને નિયમપાલનનાં નામનિશાન રહ્યાં ન હતાં. આપણા ઘણાખરા સારા માણસો જેલમાં હતા,❋ [૧] અને આમવર્ગને આજ સુધીમાં સ્વતંત્ર રીતે કામ લેવાની કશી જ તાલીમ મળી ન હતી. સ્થિતિ એવી થઈ હતી કે ગમે તે અજાણ્યો માણસ કૉંગ્રેસ સમિતિનો કબજો લેવા માગે તો લઈ શકે. અનેક ન ઇચ્છવા જેવા માણસો અને શત્રુના આડતિયાઓ આગળ આવી ગયા હતા, અને કેટલીક કૉંગ્રેસ અને ખિલાફત સંસ્થાઓનો કબજો લઈ બેઠા હતા. આ લોકોને અટકાવવાનો કોઈ રસ્તો નહોતો.
“ગાંધીજીના મનમાં આ પ્રકારનાં કારણોએ અને વિચારોએ કામ કીધું હશે. તેમણે ગૃહીત ધરેલી વાતો સ્વીકારીએ અને અહિંસાની રીતે લડત લડવાની ઇષ્ટતા સ્વીકારીએ તો તેમનો નિર્ણય સાચો હતો. સડો અટકાવવાનું અને નવી રચના કરવાનું એમનું કામ હતું.”

અત્યાર સુધી લડતની બાબતમાં પહેલ કરવાનું કૉંગ્રેસના અથવા ગાંધીજીના હાથમાં રહ્યું હતું. સરકારનો વિરોધ કરવાની તથા તેની ખોટી પ્રતિષ્ઠા તોડી નાખવાની નવી નવી યોજનાઓ તથા નવા નવા કાયક્રમો ગાંધીજી દેશ આગળ મૂકતા અને દેશ આખો તે વધાવી લેતો અને ઉપાડી લેતો. આ કાર્યક્રમો અને વિરાધો એવા નવીન અને મૌલિક પ્રકારના હતા કે તેને શી રીતે પહોંચી વળવું તેની સરકારને સૂઝ પડતી નહીં. એટલે તે ગમે તેવા વગર વિચાર્યાં દમન અને જુલમનાં પગલાં આંધળિયાં કરીને લેતી. પણ તેથી તો લોકોનો જુસ્સો અને વિરોધ ઊલટાનો વધતો. ગુજરાત સિવાયના બીજા પ્રાંતોમાંથી લગભગ સઘળા અસહકારી નેતાઓને પકડ્યા હતા છતાં ત્યાં ઉત્સાહ તલભાર પણ ઓછો નહોતો થયો, બલકે વધ્યો હતો. ગાંધીજી ખુલ્લંખુલ્લા આ સરકાર શેતાની છે અને તેનો નાશ કરવો જ જોઈએ એમ સેંકડો વાર કહી ચૂક્યા હતા, પણ તેમને પકડવાની તેની હિંમત નહોતી ચાલતી. કારણ તેમના પર હાથ નાખતાં જ હિંદી લશ્કર અને પોલીસમાં કદાચ બળવો ફાટી નીકળે એવી તેને ધાસ્તી લાગતી હતી. પણ તેમણે લડત મોકૂફ રાખવાનું જાહેર કર્યું અને નેતાઓમાં તથા પ્રજા વર્ગમાં કચવાટ અને નિરાશા ફેલાઈ એટલે સરકારનું ચડી વાગ્યું. લૉર્ડ બર્કનહેડે પાર્લમેન્ટમાં ભાષણ કર્યું કે, ‘બ્રિટિશ પ્રજા હજી જેવી


  1. ગુજરાતની સ્થિતિ આમાં અપવાદરૂપ ગણવી જોઈએ. કારણ ગુજરાતમાં ગાંધીજી ઉપરાંત સરદાર અને બીજા મુખ્ય કાર્યકર્તાઓ બહાર હતા.