પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૮
સરદાર વલ્લભભાઈ


ને તેવી ખડતલ છે. સૌ યાદ રાખે કે તેનાં કાંડાંબાવડાં સાબૂત છે.’ હિંદને સત્વર જવાબદાર રાજ્યતંત્ર આપવું જોઈએ એવી વાત કરનારા મૉન્ટેગ્યુ સાહેબ પણ કશો આડપડદો રાખ્યા વિના સાફ સાફ બોલ્યા કે :

“જો અમારી સલ્તનતની સામે જ કોઈ ઊઠશે, જો હિંદ પ્રત્યેની જવાબદારી અદા કરવામાં બ્રિટિશ સરકારને કોઈ અટકાયત કરવા બહાર પડશે અને જાણે અમે હિંદમાંથી એમના પડ્યે બોલે ચાલી નીકળીશું એવી ભ્રમણામાં પડી જો કોઈ મનમાની માગણીઓ કરશે તો તેમ કરનારા ખત્તા ખાશે. દુનિયાની આ નિશ્ચયીમાં નિશ્ચયી પ્રજાને પડકારીને તેઓ ખાટી નહીં જાય. તેવાઓને ઠેકાણે લાવવાને બ્રિટિશ પ્રજા ફરી એક વાર પોતાનું બધું પુરુષાતન અને દૃઢ નિશ્ચયીપણું દેખાડી આપશે.”

વાઈસરૉયને કાગળ લખીને સલ્તનતને ગાંધીજીએ આપેલા પડકારના મોડા મોડા અપાયેલા જવાબ તરીકે ઉપરનાં વાક્યો બોલાયેલાં હતાં એ સ્પષ્ટ દેખાય છે. ગાંધીજીએ ૨૩–૨–’૨૨ના ‘યંગ ઈન્ડિયા’માં આનો સણસણતો જવાબ આપ્યો :

“લૉર્ડ બર્કનહેડ અને મિ. મૉન્ટેગ્યુ બંનેને ભાન નથી કે દરિયાપારથી જેટલા આણીને ઉતારી શકાય તેટલા બધા જ ‘સાબૂત કાંડાંબાવડાંવાળા’ઓનો ભેટો કરવા હિંદુસ્તાન આજ તૈયાર છે અને બ્રિટિશ પ્રજાને પડકાર તો આજનો નહીં પણ ૧૯૨૦ની કલકત્તાની કૉંગ્રેસે ખિલાફત, પંજાબ અને સ્વરાજની ત્રિવિધ માગણી પાર પાડ્યા વિના જંપીને ન બેસવાનો હિંદી પ્રજાનો નિશ્ચય જાહેર કર્યો તે દિવસથી જ અપાઈ ચૂક્યો છે. આમાં સલ્તનતની હસ્તીને જરૂર પડકાર છે અને બ્રિટિશ સલ્તનતના આજના હાકેમો, જો ભલીભલાઈ એ એ સલ્તનતને, સરખા હકવાળા ભાગીદાર મિત્રો પોતાની મરજીમાં આવે ત્યારે ખાનદાનીની રીતે એકબીજાથી છૂટા પડી શકે એવી મુખત્યારીવાળી સ્વતંત્ર પ્રજાઓના એક પ્રજાસંઘમાં ફેરવી નાખવા તૈયાર ન થાય તો એ પણ નક્કી સમજવું કે, ‘દુનિયાની સૌથી નિશ્ચયી પ્રજા’નું એ ‘બધું પુરુષાતન અને દૃઢ નિશ્ચયીપણું’ અને એ બધાં ‘સાબૂત કાંડાંબાવડાં’ હિંદુસ્તાનના અણનમ અને અફર ટેકને છૂંદવામાં નિષ્ફળ જવાનાં છે. . . . અને હિંદી રાષ્ટ્રે આદરેલા એ એકધારા ચાલી રહેલા યજ્ઞમાં ચૌરીચોરાના ગોઝારા બનાવે વિઘ્ન ન નાખ્યું હોત તો એ બ્રિટિશ સિંહ પણ પેટ ભરીને દેખત કે તેની સામે હિંદ શુદ્ધમાં શુદ્ધ લસલસતા શિકારોના કેવડા ગંજ કરી શકે છે. પણ પ્રભુને ઘેર તે મંજૂર નહોતું.
“છતાં હજી વેળા વહી નથી ગઈ. ડાઉનિંગ સ્ટ્રીટ અને વ્હાઈટ હૉલના હાકેમોને નાઉમેદ થવાનું જરાયે પ્રયોજન નથી. તેઓને તેમનું પુરુષાતન પૂરેપૂરું અજમાવી છૂટવાના રસ્તા મેકળા છે. . .’

આમ સામસામે સાફ સાફ વાતો થઈ ગઈ અને સરકારે તા. ૧૦મી માર્ચે રાતે દસ વાગ્યે સાબરમતી આશ્રમમાંથી ગાંધીજીને પકડ્યા. તા. ૧૮મી