પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૪
સરદાર વલ્લભભાઈ


ચાર રસ્તા આગળ જ્યાંથી સિવિલ લાઈન્સ શરૂ થાય છે ત્યાં જિલ્લા મૅજિસ્ટ્રેટ તથા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ મોટી પોલીસાફોજ સાથે હાજર હતા. તેમણે સરઘસને રોક્યું. સ્વયંસેવકોએ આગળ વધવાનો પોતાનો નિશ્ચય જાહેર કર્યો એટલે પોલીસ તેમના પર તૂટી પડ્યા. વાવટાના દાંડા વડે જ સ્વયંસેવકોને ખૂબ માર્યા અને નીચે પડી ગયા તેમને ઢસરડી રસ્તાની બાજુની ગટરમાં નાખ્યા. અસહકારી નહીં એવા એક બૅરિસ્ટર શ્રી દીક્ષિત ત્યાં થઈને પસાર થતા હતા તેમણે આ ભીષણ દૃશ્ય જોઈ ઘાયલ થયેલાઓને પોતાની મોટરમાં ઉપાડી લઈ ઇસ્પિતાલમાં પહોંચાડ્યા અને પોતે જોયેલી પોલીસના ઘાતકીપણાની હકીકત વર્તમાનપત્રોમાં આપી.

નાગપુર પ્રાંતિક સમિતિની કારોબારીએ ઠરાવ કર્યો કે કોઈ પણ સરિયામ રસ્તા ઉપરથી શાંતિપૂર્વક રાષ્ટ્રધ્વજ લઈને જવાનો પ્રજાને અધિકાર છે અને સરકાર તેમાં અંતરાય નાખે છે માટે તા. ૧લી મેથી તે માટે લડત આપવી અને જબલપુર તથા નાગપુર બે સ્થળને બદલે નાગપુર ઉપર જ શક્તિ કેન્દ્રિત કરવી. વર્ધાના શેઠ શ્રી જમનાલાલજીએ લડતની આગેવાની લીધી અને તેમની સૂચના પ્રમાણે પ્રતિજ્ઞાવાળા દસ દસ સૈનિકોને રોજ લડતને મોરચે મોકલવાનું નક્કી કર્યું. આ પ્રમાણે અઠવાડિયે એક રજાના દિવસ સિવાય અને ખાસ કારણસર રજા જાહેર કરવામાં આવી હોય તે સિવાય સ્વયંસેવકો મોકલવાનું અને ગિરફતારી વહોરી લેવાનું, ૧૮મી ઑગસ્ટે મનાઈ કરેલા વિસ્તારોમાંથી સ્વયંસેવકોનું સરઘસ રાષ્ટ્રધ્વજ સાથે બિનરોકટોક પસાર થયું અને કૉંગ્રેસનો વિજય થયો ત્યાં સુધી ચાલુ રહ્યું. આપણે જોઈશું કે આ સ્વયંસેવકોમાં સારા સારા વેપારીઓ, ખેડૂતો, વકીલો, દાક્તરો, અધ્યાપકો વગેરે હતા. કુલ ૧૭૪૮ જણે જેલની યાતનાઓ વેઠી. એક બાવીસ વર્ષનો બિહારી જુવાન જેલમાં ગુજરી ગયો અને લગભગ બધા જ જેલમાંના અમાનુષી વર્તનથી, વધારે પડતી મજૂરીથી અને ખરાબ ખોરાકથી ઓછાવત્તા પ્રમાણમાં તબિયત બગાડીને પણ રાષ્ટ્રધ્વજની શાન દુનિયા આગળ ઉજ્જવળ કરીને તેના હર્ષથી ફુલાતી છાતીએ અને ગર્વથી ઉન્નત શિરે બહાર આવ્યા.

લડતનો મુદ્દો બહુ સાફ હતો. રાષ્ટ્રધ્વજ લઈને અથવા તો રાજદ્વારી કે ધાર્મિક સ્વરૂપનો બીજો કોઈ પણ ધ્વજ લઈને શાંતિપૂર્વક, બીજા લોકોને હરકત ન થાય એ રીતે હરકોઈ સરિયામ રસ્તા ઉપરથી નાનાં કે મોટાં વ્યવસ્થિત સરઘસના રૂપમાં જવાનો નાગરિકોનો મૂળભૂત હક દરેક સુધરેલા ગણાતા દેશમાં સ્વીકારાયેલ છે. જે અરસામાં નાગપુરમાં આ લડત ચાલતી હતી તે વખતે ઇંગ્લંડમાં બોલ્શેવિક પક્ષના લોકો તેમનો લાલ વાવટો લઈને, સુત્રો પોકારતા ખુદ પાર્લામેન્ટનાં મકાનો આગળથી જતા હતા અને તેનો કોઈ વાંધો નહોતું