પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૩
નાગપુર ઝંડા સત્યાગ્રહ

ઉપદેશના ભાવ અને અક્ષર અનુસાર વિજયી અંત થાય છે. આજ સંધ્યાકાળથી આપણો ધ્વજ સત્યાગ્રહ રીતસર બંધ થયેલો હું જાહેર કરુ છું.”

પછી જે વીર ભાઈઓ અને બહેનોએ દેશની ખાતર અને રાષ્ટ્રની ખાતર અને રાષ્ટ્રધ્વજની ખાતર દુઃખ વેઠ્યાં હતાં, તે વખતે પણ વેઠી રહ્યાં હતાં અને લડત આગળ ચાલી હોત તો વેઠવાને કમર કસી હતી તે સૌને અંતરના ઊંડાણમાંથી ધન્યવાદ આપ્યા અને જેમણે લડત ચલાવવામાં તથા તેનો વિજયી અંત આણવામાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ મદદ કરી હતી તેમનો જાહેર રીતે આભાર માન્યો. ત્યાર બાદ રાજેન્દ્રબાબુ જેઓ સરદારના પકડાઈ જવાની વાત સાંભળી નાગપુર આવી રહ્યા હતા તેમણે વિસ્તૃત વ્યાખ્યાન આપ્યું.

પણ લડતમાં વિજય મળ્યો તેથી સરદારની ઉપાધિઓનો અંત ન આવ્યો. ખરી રીતે તો પછી જ તેમની ઉપાધિઓ શરૂ થઈ. અત્યાર સુધી સૈનિકોને બોલાવી તેમને પકડાવી દેવાના હતા. એ કામ સહેલું ગણાય. પણ લડતમાં વિજય થયો એમ જાહેર કરતાંની સાથે લાગતાવળગતા અને ટીકાકારો એમની ઉપર તૂટી પડ્યા. પહેલાં તો પોલીસવાળા કહેવા લાગ્યા કે, “અમારી પરવાનગીથી અમારા બંદોબસ્ત પ્રમાણે જ અમે સરઘસને સિવિલ લાઈન્સમાંથી પસાર થવા દીધું છે.” તોફાન અને મારઝૂડ કરવાને ટેવાયેલી પોલીસને સરઘસ શાંતિથી પસાર થયું તે ‘આરંભથી તે અંત સુધી સરઘસ તો એક સ્મશાન યાત્રા જેવું લાગ્યું. સરઘસમાંના ઘણા તો શું થઈ રહ્યું છે તે જાણતા જ ન હતા અને તેઓ પકડાવાના છે કે નહીં તેની પણ તેમને ખબર નહોતી.’ 'પટેલે પોતાના ભાષણમાં સરકાર પાસે તે ઘણી વાર પહોંચેલા અને વાટાઘાટો કરેલી એ તો જણાવ્યું જ નથી. બધું જાણે પોતે મૂકેલી શરતો પ્રમાણે જ થયું હોય એવો દેખાવ કર્યો છે. આમાંથી તો લોકો એમ અનુમાન કરશે કે સરકાર હારી ગઈ અને પટેલે પોતાનો ધારેલો કાર્યક્રમ પાર ઉતાર્યો. હકીકત તો એ છે કે સરકારે પોતાના સઘળા જ મહત્ત્વના મુદ્દાનો અમલ કરાવ્યો છે. માટે સરકારે સ્પષ્ટ યાદી બહાર પાડીને પટેલના ભાષણનો વિરોધ કરવો જોઈએ.’

નાગપુરના કમિશનર અને જિલ્લાઓના ડેપ્યુટી કમિશનર, એ બધા ગોરા સિવિલયનોને તે લડતનો વિજયી અંત આવ્યો એવા સરદારના ભાષણથી પોતાનું નાક કપાયું લાગ્યું અને કેદીઓને છોડવાની બાબતમાં સરકાર સામે વિરોધનો એવો જબરો વંટોળ ઊભો કર્યો કે પ્રાંતિક સરકાર અને સિવિલિયન અમલદારો વચ્ચેના ઝઘડામાં હિંદી સરકારને વચ્ચે પડવું પડ્યું.

ઍંગ્લો ઇન્ડિયન છાપાં નાગપુરની સરકાર ઉપર તૂટી પડ્યાં. ગવર્નરનું ધારાસભાનું ભાષણ ટાંકીને તેઓ લખવા મંડ્યાં કે, ‘આવું જબરું ભાષણ કર્યા