પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૫
ગૃહજીવનમાં ડોકિયું


વાંદરા, તા. ૨૧
 
ભાઈ સોમાભાઈ, નરસીભાઈ તથા કાશીભાઈ,
ઈશ્વરને જે ગમ્યું તે ખરું. બધાંને એ જ રસ્તે જવાનું છે. ઈશ્વર તેમના આત્માને શાન્તિ આપો એવી મારી અંતઃકરણપૂર્વક પ્રાર્થના છે.
તમોએ મને આવવાનું લખ્યું. મારે આવવાને કોઈ જાતનો વાંધો નથી. પરંતુ જો મારા કહ્યા પ્રમાણે થાય તો જ મારે આવવું, નહીં તો મારે આવવું નહીં જોઈએ. મારી ઇચ્છા પ્રમાણે તમે બધા વર્તવાના હો તો હું જરૂર તમો તારથી અગર કાગળથી ખબર આપશો કે તરત આવીશ. પરંતુ જો તમારી ઇચ્છાનુસાર જ કરવાનું હોય અને નવા જમાનાનો તુચ્છકાર કરવો હોય તો મારે હવે કોઈની સાથે કોઈ લેવાદેવા નથી. ઈશ્વરને જેમ ગમતું હશે તેમ થશે. ભાઈ વલ્લભભાઈ કાંઈક તમારા મતને મળતા થશે. તો તેમની સલાહ પ્રમાણે ચાલશો. મારે કાંઈ આગ્રહ નથી અને મારે આવવું પણ નથી. પણ જો તમારા તરફથી તુરત ખબર મળશે કે બધું કામ મારી સલાહ પ્રમાણે જ થશે તો હું તુરત ત્યાં આવીશ. માટે તુરત જવાબ લખશો.
લિ. સેવક,
વિઠ્ઠલભાઈ
 


સાંસારિક રીતરિવાજોમાં સુધારો કરવાની બાબતમાં સરદાર કાંઈ વિઠ્ઠલભાઈથી પાછા પડે એવા નહોતા. પણ વિઠ્ઠલભાઈ કડક અને અંતિમવલણ અખત્યાર કરતા ત્યારે સરદાર સમાજને અને કુટુંબીજનોને બને તેટલાં સાથે લઈને આગળ વધવાનું પસંદ કરતા, એટલો બે ભાઈઓના સ્વભાવમાં ફેર હતો.

અમદાવાદમાં બૅરિસ્ટરી કરતા ત્યારે સરદાર ઘરમાં બહુ ઓછો વખત ગાળતા. સવારનો વખત કેસનાં કાગળિયાં જોવામાં જતો અને મ્યુનિસિપાલિટીમાં ગયા ત્યાર પછી તેનાં કાંઈ ને કાંઈ કામને અંગે શહેરમાં ફરવા જવાનું બનતું. બપોરનો વખત કોર્ટમાં જાય અને ત્યાંથી ક્લબમાં જતા તે સાડાઆઠ નવ વાગે ઘેર આવતા. ગાંધીજીની સાથે સંબંધમાં આવ્યા પછી ગુજરાત ક્લબમાં જવાનું બહુ ઓછું કરી નાખ્યું હતું. પણ મ્યુનિસિપાલિટીમાંના સાથીઓ જેમાંના ઘણા જ્યારે અસહકારની ચળવળ ચાલી ત્યારે તેમાં ભળ્યા હતા તેઓએ એક નાની ખાનગી ક્લબ કાઢી હતી. તેમાં દરરોજ સાંજે જતા. ત્યાં શહેરની સાર્વજનિક પ્રવૃતિઓની તથા મ્યુનિસિપલ કામની યોજનાઓ વિચારાતી અને ઘડાતી. પછીથી તો રાતે વાળુ કરવાનું પણ ઘેર રાખતા અને બચુભાઈ (કૃષ્ણલાલ દેસાઈ) અથવા ડૉ. કાનુગાને ત્યાં જ વાળુ કરી લેતા એટલે ઘેર આવવાનું બહુ મોડું થતું. મણિબહેન અને ડાહ્યાભાઈ અમદાવાદ રહેવા આવ્યાં ત્યાર પછી પણ સરદારનું સમયપત્રક તો ઉપર