પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૦
સરદાર વલ્લભભાઈ


સંસ્કૃતિનો આત્મા અંખંડ રાખવામાં રહેલું છે. આપણી સંસ્કૃતિમાં અનેક નવી વસ્તુઓ ઉમેરવાની મારી અભિલાષા છે, પણ તે આપણા દેશને ભાવતી આવે એવી જ. પશ્ચિમની પાસેથી કરજ લેતાં હું અચકાઉં એમ નથી, પણ તે ત્યારે જ લઉંં જ્યારે દૂધે ધોઈને એ પાછું વાળવાની મારામાં શક્તિ આવે.”

ગાંધીજીના સઘળા ઠરાવો ઉપર મહાસમિતિમાં બંને પક્ષે બહુ છૂટથી ચર્ચા કરી. ગાંધીજીનો એક ઠરાવ એવો હતો કે પંચવિધ બહિષ્કારનો ખુદ અમલ કરનારા જ કોઈ પણ કૉંગ્રેસ કમિટીના સભ્ય થઈ શકે. એમાં ‘કોકોનાડાના ઠરાવને અપવાદ બાદ કરીને’ એ શબ્દ બહુમતીથી ઉમેરવામાં આવ્યા. એટલે ધારાસભાઓમાં જનારા સ્વરાજ પક્ષવાળાઓ કૉગ્રેસ કમિટીઓમાં રહી શકે એવું થયું. બીજો ઠરાવ એક ગોપીનાથ સહાએ અર્નેસ્ટ ડે નામના અંગ્રેજનું ખૂન કરેલું તે ખૂનને વખોડી કાઢનારો હતો. તેના ઉપર તો ખૂબ જ ચૂંથણાં થયાં. દાસબાબુને કૉંગ્રેસની અહિંસાની નીતિ સામે વાંધો ન હતો છતાં ગોપીનાથ સહાના કૃત્યમાં રહેલી દેશભક્તિ અને બહાદુરીની તેઓ કદર કરવા માગતા હતા અને બીજા કેટલાક તો એથીયે આગળ જતા હતા. ગાંધીજીનો ઠરાવ ફક્ત આઠની બહુમતીથી પસાર થયો. પોતાનો ઠરાવ બિલકુલ ઊડી જાય તેનું એમને દુ:ખ ન હતું. દુનિયામાં હિંસાનો માર્ગ પ્રચલિત છે અને પ્રતિષ્ઠિત પણ ગણાય છે એ વાત તેમને કબૂલ હતી. પણ એક તરફથી અહિંસાની પ્રતિજ્ઞા લેવી અને બીજી તરફથી હિંસાની વાતો કરવી એ તેમને મંજૂર નહોતું. તેમણે સભાને કહ્યું : ‘તમારે સમશેર જ ખેલવી હોય તો ભલે ખેલો. તે વખતે હું તમારી સાથે નહીં હોઉં. પણ તમે ખરી રીતે ખેલશો તે હું હિમાલયમાં જઈ ને ત્યાંથી તમને ધન્યવાદ મોકલીશ. પણ અહીં તમે જે ખેલ કર્યો છે તેથી તો હું ત્રાસું છું.’ તેમનો ત્રીજો ઠરાવ એ હતો કે જુદી જુદી કૉંગ્રેસ કમિટીઓના દરેક સભ્યે દરરોજ અર્ધો કલાક કાંતવું અને પ્રતિમાસ પોતે જાતે કાંતેલું સરખું અને વળદાર એવુ બે હજાર વાર સૂતર કૉંગ્રેસના લવાજમ તરીકે આપવું. સ્વરાજ પક્ષવાળાઓએ આ ઠરાવનો સખત વિરોધ કર્યો અને એ પણ આક્ષેપ કર્યો કે કૉંગ્રેસમાં હોદ્દાના સ્થાન ઉપરથી અમને કાઢવા માટે જ આવા આવા ઠરાવો લાવવામાં આવ્યા છે. એમ કહીને આ ઠરાવ ઉપર મત લેવાતાં પહેલાં સભા છોડીને તેઓ ચાલ્યા ગયા. ઠરાવ ઉપર મત ગણતાં ૬૭ વિ○. ૩૭ થયા. આ જોઈ ને ઠરાવમાં જે શિક્ષા ભાગ હતો કે જે સભ્ય દર મહિનાની ઠરાવેલી તારીખે સૂતર આપવાનું ચૂકશે એણે પોતાની જગ્યાનું રાજીનામું આપેલું ગણાશે, એ ગાંધીજીએ રદ કરાવ્યો. એમ કહીને કે, સભા છોડી જનારાઓના મત પણ વિરોધમાં પડ્યા.