લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૩
ગુજરાતમાં રેલસંકટ

થવાથી જ્યાં મોટી મદદ આપવાની હતી તે કામમાં તેમણે લક્ષ પરોવ્યું. કેટલીક જગ્યાએ નદી આખાં ને આખાં ખેતરો જ તાણી ગઈ હતી. તેમના માલિકોને રાહત આપવાની જરૂર હતી. કેટલીક જગાએ એકરો ને એકરો ખેતીની જમીન ઉપર ‘દડ ફૂંકાયો’ હતો એટલે કે નદીની રેતીના પાંચથી દસ ફૂટના થર બાઝી ગયા હતા અને વર્ષો સુધી આ ખેતરો ખેતીના ઉપયોગમાં ન આવે એવાં થઈ ગયાં હતાં. કેટલીક જગાએ નદીકાંઠાના ખેતરોમાંના કૂવા આખા ને આખા નદીની રેતીથી પુરાઈ ગયા હતા. શ્રી વિઠ્ઠલભાઈએ આવાં નુકસાન તરફ સરકારનું વિશેષ ધ્યાન ખેંચ્યું અને આ બધું નજરે જોવા વાઈસરૉયને સંકટગ્રસ્ત પ્રદેશમાં બોલાવ્યા. તેઓ સાહેબ અને લેડી અર્વિન ડિસેમ્બરની ૧૧મી તારીખે ગુજરાતમાં આવ્યાં. એક દિવસ અમદાવાદ જિલ્લાને અને એક દિવસ ખેડા જિલ્લાને તેઓએ આપ્યો અને બે દિવસમાં બન્ને જિલ્લાઓનાં જેટલાં મથકો ફરી શકાય તેટલાં મથકો ફર્યાં. તા. ૧રમીએ સાંજે શ્રી વિઠ્ઠલભાઇએ નડિયાદમાં વાઈસરૉયના માનમાં ‘ગાર્ડન પાર્ટી’ આપી, તેમાં સંકટનિવારણનું કામ કરનારા મુખ્ય મુખ્ય કાયકર્તાઓ તથા ગુજરાતના ધારાસભ્યોને આમંત્રણ આપ્યું. વાઈસરૉયે તેમાં કહ્યું કે, ‘બધું જોઈને તથા સાંભળીને મારી ખાતરી થઈ છે કે ગુજરાત પ્રાંતિક સમિતિના સ્વયંસેવકો સંકટગ્રસ્ત પ્રદેશમાં વખતસર ન પહોંચી ગયા હોત તો આ જળપ્રલયમાં જાનની ખુવારી પ્રમાણમાં નજીવી છે તેને બદલે ઘણી ભયંકર થઈ હોત. આ ખુવારી અટકાવવાનું માન પ્રાંતિક સમિતિના સ્વયંસેવકોને ઘટે છે.’

બહુ નીચાણ પ્રદેશમાં આવેલાં જે ગામો રેલને લીધે આખાં ને આખાં તણાઈ ગયાં હતાં તેનાં ગામતળ બદલવાની જરૂર હતી. મહેમદાવાદ તાલુકામાં ૧૦૪ ઘરની વસ્તીવાળું દંતાવા નામનું ગામ નવી જગાએ ગામની તેમ જ ઘરની શાસ્ત્રીય રચના કરીને સ્વ○ મગનલાલ ગાંધીએ વસાવવાની યોજના કરી. તેનું ખાતમુહૂર્ત શ્રી વિઠ્ઠલભાઈને હાથે કરાવ્યું અને ગામનું નામ વિઠ્ઠલપુર રાખ્યું. આવાં પાંચ છ બીજાં ગામનાં ગામતળ પણ બદલવામાં આવ્યાં અને ત્યાં નવાં ગામોની રચના થઈ.

ગાંધીજી આ બધો વખત માંદગીને કારણે બૅંગલોરમાં હતા. ગુજરાતમાંથી કેટલાકે તેમને તાર કરેલા કે ગુજરાતના આ સંકટની વેળાએ તમારે ગુજરાતમાં આવવું જોઈએ. તેમણે સરદારને તાર કરીને પૂછ્યું કે, આવું ? સરદારે જવાબ આપ્યો કે, તમે દસ વર્ષ થયાં અમને જે તાલીમ આપતા રહ્યા છો તે અમે કેવી પચાવી છે અને તેનો અમલ કેવો કરીએ છીએ તે જોવું હોય તો ન આવશો. તે ઉપરથી તેઓ રોકાયા. સરદાર સાથે અને બીજા કાર્યકર્તાઓ સાથે તેમનો પત્રવ્યહાર તો ચાલતો જ હતો. તે ઉપરાંત ‘નવજીવન’માં લેખો