પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૬
સરદાર વલ્લભભાઈ

માન્યતા સામાન્ય રીતે સરકારી અમલદારોની તે વખતે હતી. પણ સરદારના મ્યુનિસિપલ કામનો એ લોકોને અનુભવ હતો. અને તેને અંગે કેટલાકની સાથે તેમને મીઠી મૈત્રીનો સંબંધ પણ થયો હતો. આ કામમાં તો સરકારી અમલદારો સાથે તમામ કાર્યકર્તાઓએ સુંદર સહકાર કર્યો હતો અને પોતાની વ્યવસ્થાશક્તિની તેમણે એમના ઉપર ખૂબ છાપ પાડી હતી. એટલે મિ. ગૅરેટે એક વાર સરદારને પૂછ્યું કે, ‘આટલા સારા કામ માટે તમને અને તમારા મુખ્ય મુખ્ય સાથીઓને સરકાર કાંઈ માનચાંદ એનાયત કરે એવી ભલામણ હું કરું તો તેમાં તમને કશો વાંધો છે ?’ સરદાર આ સાંભળી ખડખડાટ હસ્યા. તેમણે જવાબ આપ્યો કે, મારા સાથીઓ તો તમારા માનચાંદથી બાર ગાઉ દૂર ભાગે એવા છે. સેવાનાં કાર્યોમાં જ એમને આનંદ છે. એમને તો કીર્તિ કે જાહેરાત પણ નથી જોઈતી.

સરદારે અને એમના સાથીઓએ આ કાર્ય લોકપ્રીત્યર્થે અથવા આત્મસંતોષને અર્થે જ કર્યું હતું. સરદારથી માંડીને નાનામાં નાના સ્વયંસેવકની મોટામાં મોટી અને ઊંડામાં ઊંડી ઈચ્છા એ હતી કે ગાંધીજી જેઓ બૅંગલોરમાં માંદગીને બિછાને હતા અને જેમનો આત્મા ગુજરાતના પીડિતો માટે દ્રવી રહ્યો હતો તેમણે આટલાં વર્ષોથી હૃદય નિચોવીની નિચોવીને આપેલી તાલીમને બરાબર દીપાવવી. તેથી જ સ્વયંસેવકોએ ઉપરથી જે હુકમ આવ્યો તે હુકમનો અમલ કરવા વિષે કોઈ દિવસ આનાકાની નહોતી કરી. સરદારે પણ હુકમ છોડવામાં સંકોચ નહોતો રાખ્યો અને તેની સાથે સાધનો પૂરાં પાડવામાં પણ મણા નહોતી રાખી. મથકો ઉપર જેમને બેસાડ્યા હતા તેમને જાણે કોરી ચેકબુક આપી દીધી હતી. તેમની પેન્સિલથી લખેલી ચિઠ્ઠી એમને મધરાતે મળી હશે તો તે વખતે ઊઠીને પણ સરદારે નાણાં મોકલ્યાં હતાં. તેમના દિલમાં એક જ લગની હતી કે આખા સંકટગ્રસ્ત વિસ્તારમાં કોઈ અનાજ વિના ભૂખ્યું ન રહે, કપડાં વિના ટાઢે ન મરે અને બી કે ખેતીનાં સાધન વિના એક ચાસ પણ જમીન વાવેતર વિનાની ન રહે. તેમની આ અભિલાષા અક્ષરશઃ પાર પડી અને તે ઉપરાંત પડી ગયેલાં ઘરો ફરી ઊભાં કરવાનું અને બિલકુલ નાશ પામી ગયેલાં ગામડાંની નવરચનાનું કામ પણ થયું.

ગુજરાતમાં આ વખતે જેવો જળપ્રલય થયો તેવા અથવા તેથી વિશેષ વિનાશકારી કુદરતના કોપ પહેલાં ઘણા થયા હશે પણ તેને માટે રાહતનું કામ જેવું વ્યવસ્થિત અને વિશાળ પાયા ઉપર આ વખતે થયું તેવું પહેલાં કદાચ નહીં થયું હશે. આ કામથી રાહતકાર્યની એક નવી પ્રણાલિકા શરૂ થઈ અને બિહારના વિકરાળ ભૂકંપ વખતે ગુજરાતના કાર્યકર્તાઓએ ત્યાં જઈ પોતાના અનુભવનો લાભ બિહારને આપ્યો.