પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૭
બારડોલી સત્યાગ્રહ

મસ્જિદમાં વાયજ આપી આવતા. આની અસર મુસમલાન ભાઈઓ ઉપર અજબ થઈ. તેઓએ પણ સત્યાગ્રહ પ્રતિજ્ઞા ઉપર સહીઓ આપી.

આવી લડત બહેનોના પૂરા સાથ અને ઉત્સાહ વગર ચાલી શકે નહીં. જપ્તીમાં તેમની સંપાડેલી ઘરવખરી જાય, જતન કરીને સાચવેલી ભેંસો જાય તે વખતે બહેનો જો મૂળ વસ્તુ સમજેલી ન હોય તો તેમનો જીવ ઝાલ્યો ન રહે. તેઓ ઢીલી પડી જઈ ઘરમાં કંકાસ લઈ બેસે તો પુરુષોનું કશું ચાલે નહીં. પણ બારડોલીની આ લડતમાં બહાદુરી બતાવવામાં, ભોગ આપવામાં અને કષ્ટો વેઠવામાં બહેનોએ ભાઈઓ કરતાં જરાયે પાછી પાની ન કરી, બલ્કે આગળ વધી. તેનું શ્રેય ગામેગામ અને ઘેરઘેર ફરી તેમને શૂર ચડાવનાર કાર્યકર્તા બહેનો મીઠુબહેન, ભક્તિબહેન, શારદાબહેન વગેરેને ઘટે છે.

સરદારને તો તાલુકાના ખૂણે ખૂણામાં શું બને છે તેના ઉપર નજર રાખવાની હતી. પોતાની સાથે વીસે કલાક રહી મદદ કરનાર મંત્રીની તેમને ખાસ જરૂર હતી. એ કામ સ્વામી આનંદે સંભાળી લીધું અને શોભાવ્યું.

આમ થોડા જ દિવસમાં લડતના વ્યુહનો પોલાદી કોઠો ગોઠવાઈ ગયો. લડત શરૂ થતાંની સાથે મહા મહિનો હોવાથી લગનગાળો આવ્યો. લોકોને થયું કે સત્યાગ્રહ તો કરવાનો છે જ પણ જરા લગન મહાલી લઈએ ! આમ લોકોને બેફામ બનેલા જોતાં સરદારે પત્રિકા કાઢીને તરત એમને ચેતવ્યા :

“તમે લગ્નો લઈ બેઠા છો તે બધાં ટૂંકમાં પતાવવાં પડશે. લડાઈ લડવી હોય તો લગન મહાલવાનું ન પોસાય. કાલ સવારે ઊઠીને તમારે ઊગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળાં મારી ખેતરમાં ફરતા રહેવું પડશે, છાવણી જેવી જિંદગી ગાળવી પડશે. બાળક, વૃદ્ધ, પુરુષ, સ્ત્રી, સૌ આ સ્થિતિ સમજે. ગરીબ તવંગર બધા વર્ગ અને બધી કોમ એકરાગ થઈ એક ખોળિયે પ્રાણ હોય તેમ વર્તે. રાત પડ્યે જ સૌ ઘેર આવે. આવું થવું જોઈશે. જપ્તીઓનો માલ ઉપાડવા સરકારને એક માણસ પણ શોધ્યો ન જડે એવી આખા તાલુકાની હવા થઈ જવી જોઈએ. જપ્તી અમલદાર કોઈ ખભે ઊંચકીને વાસણ લઈ જનારો મેં હજી જોયો નથી. સરકારી અમલદારો તો અપંગ હોય છે, પટેલ, મુખી, વેઠિયો, તલાટી કે કોઈ, સરકારને મદદ ન કરે ને ચોખ્ખુ સંભળાવી દે કે મારા ગામની અને તાલુકાની લાજઆબરૂ સાથે મારી લાજઆબરૂ છે. તાલુકાની આબરૂ જાય તો મુખીપણું શા ખપનું ? તાલુકો ઘસાય, અપંગ થાય એમાં પટેલનું હિત નથી. આપણે આખા તાલુકાની હવા એવી કરી મૂકીએ કે તેમાં સ્વરાજની ખુશબો આવે, ગુલામીની બદી નહીં. સરકારની સામે ઝૂઝવાના ટેકનું તેજ સૌના ચહેરા પર દેખાઈ આવતું હોય. હું તમને ચેતવણી આપું છું કે હવે રમતના છંદમાં, માજશોખમાં ઘડી પણ ન રહો, જાગ્રત થાઓ… આજે ગુજરાતની