પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૪
સરદાર વલ્લભભાઈ

કલ્યાણ માટે ખોલેલું, પણ એય સરકારનું હથિયાર બન્યું. તાલુકાના કેટલાક ખેડૂતો ખેતીવાડી ખાતામાંથી કપાસનું બી લઈને પોતાનું રૂ ખેતીવાડી ખાતા મારફત જ વેચતા હતા. એ રૂ જિનોમાં ખેડૂતોને ખાતે અનામત રાખી સારો ભાવ આવે ત્યારે ખાતું વેચી આપતું. આવા રૂની ઘણી ગાંસડી એક જિનમાં પડેલી હતી. મામલતદારે એના ઉપર ટાંચ લગાવી અને ડિરેક્ટર ઑફ ઍગ્રિકલ્ચરને લગભગ ૭૩,૦૦૦ જેટલા રૂપિયા ખેડૂતોને મહેસૂલ પેટે જમા કરી દેવાનો હુકમ થયો. પણ કયા ખેડૂતો તેની કોઈને ખબર નહોતી ! નામ તો પાછળથી મેળવી લેવાય પણ પોણી લાખ રૂપિયા મહેસૂલના તો જમા થયા કહેવાય ! બંદૂકવાળાઓની બંદૂકનાં લાઈસન્સ, મહેસૂલ ન ભરવા માટે લઈ લેવામાં આવ્યાં અને પેશનરોને પેન્શન ખોવાની ધમકી મળી. કેળવણી ખાતાના અને વૈદકીય ખાતાના અમલદારો મારફત એમના હાથ નીચેના નોકરો, જેઓ ખાતેદારો હતા, તેમના ઉપર દબાણ કરવામાં આવ્યું.

સરકારના આ બધા ધમપછાડાની કશી અસર થતી દેખાતી નહોતી. એટલે ડૂબતો માણસ તણખલું પકડવા જાય તેમ સરકારે કલેક્ટર અને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ મારફતે બે વિચિત્ર હુકમો છ મહિનાની મુદ્દતના કઢાવ્યા. પહેલો હુકમ ‘ભાડૂતી વાહનો અને બળદગાડાં હાંકનાર’ને સમજાવનારને તથા ‘સરકારી નોકરને અને બીજાને ત્રાસ કરનાર અથવા ત્રાસ આપવા ભેગા થનાર’ને ગુનેગાર ઠરાવતો હતો. અને બીજો હુકમ ‘જાહેર રસ્તા નજીક અથવા મહોલ્લામાં અથવા જાહેર જગ્યામાં’ ઢોલ વગેરે વગાડવાનો ગુનો ઠરાવતો હતો. તોપ, બંદૂક અને દારૂગોળાનો દમામ રાખનારી સરકાર ઢોલ નગારાંથી ડરી ગઈ એમ કહીને સરકારને વગોવવાની સરદારને તક મળી અને લોકોને સલાહ આપી કે, ‘હવે ઢોલ વગાડવાનું અને શંખ ફુંકવાનું બંધ કરો. આપણાં ઢોલશંખથી સરકાર ડરી ગઈ છે. આપણો ધર્મ તો લોકોને મહેસૂલ ન આપવાનું સમજાવવાનો છે. એ ધર્મ ન છોડવો. આવાં જાહેરનામાં કાઢી સરકાર આપણને કસાવવા માગે છે તેમાં આપણે નથી ફસાવું.’ એવામાં વાલોડમાં સરકારી થાણાની સામે જ સભા ભરાઈ હતી ત્યાં સરદારનું ભાષણ પૂરું થવા આવ્યું તે વખતે થાણામાં પૂરેલી ભેંસોના બરાડા સંભળાવા લાગ્યા. સરદારને વળી કહેવાની તક મળી : ‘સાંભળો,. આ ભેંસોની રાડો. રિપોર્ટરો લખી લે. રિપોર્ટ કરજો કે વાલોડના થાણામાં ભેંસો ભાષણ કરે છે. આપણાં ઢોલનગારાંના અવાજોથી આ રાજ્ય ઊંધું વળતું હતું. હવે આ ભેંસોની રાડો સાંભળો. આ રાજ્ય કેવું છે એ હજી તમે ન સમજતા હો તો આ ભેંસો રાડો પાડીને તમને કહે છે : આ રાજ્યમાંથી ઇન્સાફ મોં સંતાડી નાસી ગયો છે.’