પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૮
સરદાર વલ્લભભાઈ

ખોટી રીતે ચડાવી દેવામાં આવ્યા છે એમ માનવાને યોગ્ય કારણ બતાવી આપે તેનો કેસ તપાસવા માટે હું તૈયાર છું, પણ તે એવી શરતે કે આખા તાલુકા અને મહાલનો જે વીસ ટકા જેટલો વધારો થયો છે તે નહીં આપવાની વાત છોડી દેવામાં આવે.

“મહેસૂલ વસૂલ કરવા માટે સરકાર બને તેટલા દરેક ઉપાય લેવાનું માંડી વાળી શકે નહીં. એમ ન થાય તો કાયદાપૂર્વક થયેલી દરેક આકારણીનો વિરોધ કરવામાં આવે. આજના બારડોલીના ચળવળિયાઓ તે જ માણસો છે જેમણે ૧૯૧૮માં ખેડા જિલ્લામાં કર નહીં ભરવાની લડત ઉપાડેલી. જેઓ મહેસૂલ આપવા ઇચ્છે છે તેમને તે આપતાં અટકાવવા માટે તેમણે લગભગ ખેડાના જેવી જ યુક્તિઓ અહીં અજમાવી છે, એટલે કે મહેસૂલ ભરવા ઇચ્છનારા લોકોને ન્યાત બહાર મૂક્વાની, સામાજિક બહિષ્કારની અને દંડની ધમકીઓ આપવામાં આવે છે.
“ખેડા જિલ્લાના પાંચ તાલુકાઓમાંથી આ ચળવળિયાઓ આવ્યા છે. એ તાલુકાઓની નવી આકારણી રેલને કારણે બે વર્ષ માટે મુલતવી રાખવામાં આવી છે. છેલ્લા સાત કે આઠ મહિનામાં ખેડા જિલ્લામાં રેલસંકટનિવારણ માટે સરકારે લગભગ એક કરોડ જેટલા રૂપિયા ધીર્યા છે. જો આ ચળવળિયાઓ બારડોલીમાં ફતેહમંદ થાય, તો તો પછી ખેડા જિલ્લામાં સરકારી મહેસૂલ અને તગાવીની વસૂલાતનું કામ જોખમમાં જ આવી પડે.”

ખેડા જિલ્લાના રેલસંકટનો કમિશનર સાહેબે ઉલ્લેખ કર્યો છે તે સંબંધમાં સરદારનું વલણ કેટલું બધું સરકારને મદદરૂપ હતું તે અગાઉના સરદારના એક ભાષણમાંથી મળી રહે છે. તે અહીં આપવું ઠીક થશે :

“ખેડા જિલ્લામાં રેલ આવી ને લોકોને માથે મહા દુ:ખ આવી પડ્યું ત્યારે બહારથી ખૂબ મદદ આવી. સરકારે પણ બન્યું તેટલું કર્યું. એ બધાને પરિણામે ખેડૂતો પોતાનો પાક ઊભો કરી શક્યા હતા. પછી જ્યારે હપ્તાનો વખત આવ્યો ત્યારે મને કેટલાક એવી સૂચના કરવા લાગ્યા કે આવી આફતને કારણે ઓણસાલ જમીનમહેસૂલ માફ થાય તે સારું. મેં કહ્યું કે, ના, જ્યાં હું જોઉં છું કે સરકાર પોતાનું બનતું કરે છે, દોષ રહેતો હોય તો તે સરકારની ખોટી દાનતનો નથી, પણ સ્થાનિક અમલદારો જેઓ ઉદારતાનાં કામ કરવાને ટેવાયેલા નથી, તેમનો જ છે, ત્યાં એવી વાત થાય જ કેમ ? તેથી મેં તે વખતે તમામ ખેડૂતોને કહ્યું કે તમારા ખેતરમાં ઇશ્વરકૃપાથી પાક્યું છે તો મહેસૂલ ભરી દેવું એ તમારો ધર્મ છે. કરોડ રૂપિયાની લોન લઈએ છીએ તે દેવું તમારે જ માથે છે. વળી સરકાર દસ લાખ રૂપિયા મફત આપે છે. તે ઉપરાંત લોકોએ પંદરવીસ લાખ રૂપિયાની મદદ કરી છે. સરકારે પણ મને કે કમને થઈ શકે તેટલી મદદ કરી છે. આવા સંજોગોમાં તેની સાથે કજિયો કરવો એ આપણને શાભતું નથી. હું