પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૧
બારડોલી સત્યાગ્રહ


થાય એવી મોળી માગણી પણ ન સ્વીકારો એ આશ્રર્ય છે. અમારે રાજીનામું આપવું પડશે.’ ગવર્નરના ખાનગી મંત્રીએ તેમને બનાવતાં લખ્યું : ‘ભલા માણસ, સરકારી અમલદાર મારફત તપાસની પણ ના પાડવાનું તમે લખો છો એ ખોટી વાત છે.’ પેલા ભલા સભ્યોને લાગ્યું કે આ તો સમાધાનની બારી ખૂલી. એમણે તરત જવાબ આપ્યો : ‘આપ સરકારી અમલદાર મારફતે તપાસ કરાવવા ખુશી છો એ જાણીને અમને આનંદ થાય છે. જો એટલું આપ કરો તો અમે શ્રી વલ્લભભાઈ પાસે એવી તપાસ સ્વીકારાવવા પ્રયત્ન કરીએ.’ પેલા ખંધા મંત્રીએ લીલું શ્રીફળ પકડાવ્યું : ‘અરે, રામ રામ ભજો, કોણે એવી તપાસ કમિટી નીમવાનું વચન આપ્યું ? એવી સમજ તમારી થઈ હોય તો તમારી ભૂલ છે.’ ઉદ્ધતાઈની કમાલના આ નમૂના પછી ગુજરાતના નવ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં. પોતાના પત્રમાં તેમણે જણાવ્યું :

“જ્યારે સરકાર પોતાની જવાબદારીનું ભાન ભૂલી કાયદાનો ગંભીર ભંગ કરે છે, અને બારડોલીના લોકો જેવા ઉત્તમ અને નરમ લોકોને છૂંદવાનો પ્રયત્ન કરે છે, ત્યારે સરકારની મનસ્વી નીતિના વિરોધ તરીકે ધારાસભાનાં અમારાં સ્થાનનાં રાજીનામાં આપવાની અમને અમારી ફરજ લાગે છે.”

તે વખતે કૉંગ્રેસની કારોબારીની બેઠક મુંબઈમાં થઈ. સરદાર અને એમના સાથીઓને ‘લોકોના ઉપર જીવનારા, તેમને આડે રસ્તે દોરનારા, ખેડાના ચળવળિયાનાં ધાડાં’ તરીકે કમિશનરે વર્ણવ્યા હતા તે આખા દેશને માથાના ઝાટકા જેવું લાગ્યું હતું. કારોબારીએ નીચેનો ઠરાવ પસાર કરીને દેશમાં ભભૂકી ઊઠેલી લોકલાગણીનો પડઘો પાડ્યો :

“બારડોલી તાલુકામાં થયેલો મહેસૂલવધારો અન્યાયી છે અને ખોટા તથા અયોગ્ય આધાર પર સૂચવાયેલો છે. તે સંબંધમાં તપાસ કરવાને એક નિષ્પક્ષ અને સ્વતંત્ર કમિટી નીમવી એવી બારડોલીના સત્યાગ્રહીઓની માગણી ન સ્વીકારી મુંબઈની સરકાર તેમની સામે જે પગલાં લઈ રહી છે તેની સામે અડગ બહાદુરીથી ટક્કર ઝીલવાને માટે કૉંગ્રેસની આ કારોબારી સમિતિ બારડોલીના સત્યાગ્રહીઓને ધન્યવાદ આપે છે;
“અને બારડોલીના સત્યાગ્રહીઓની પડખે ખરે ટાંકણે અને મોટો ભોગ આપીને ઊભા રહેવાને માટે શ્રી વલ્લભભાઈ પટેલ અને તેમના સાથીઓનો આભાર માને છે; અને મુંબઈ સરકારની મનસ્વી નીતિની સામે વિરોધ તરીકે મુંબઈની ધારાસભાના જે સભ્યોએ પોતાના સ્થાનનાં રાજીનામાં આપ્યાં છે તેમને ધન્યવાદ આપે છે;
“વળી, મુંબઈની સરકારે સત્યાગ્રહીઓને દબાવવાને માટે જે ગેરકાયદે અને વધારે પડતાં પગલાં લીધાં છે તેની સખત નાપસંદગી જાહેર કરે છે;