પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭
વકીલાત


ખરા હકદાર માણસનો હક ડૂબે એવી જાતનો ખોટો પુરાવો આ ત્રણ આરોપીઓએ મળીને ઊભો કર્યો છે. તેની સાથે અરજી આપી કે બાઈને ખરેખર પ્રસુતિ થઈ છે કે કેમ તેની ખાતરી કરવા માટે તેની દાક્તરી તપાસ થવી જોઈએ અને બોરસદની મિશન હૉસ્પિટલની બાઈ દાક્તર પાસે અથવા તો અમદાવાદ કે મુંબઈથી બાઈ દાક્તર બોલાવીને બાઈને અમારે ખર્ચે તપાસવામાં આવે. મૅજિસ્ટ્રેટ પાસે આવી ફરિયાદ આ પહેલી જ અને નવા પ્રકારની હતી. તેમણે કહ્યું કે અરજી તો બહુ કાળજીપૂર્વક અને ખૂબીદાર રીતે ઘડેલી છે પણ આ બાબત ચોખ્ખી દીવાની સ્વરૂપની છે એટલે અહીં ન્યાય માગવા તમે આવી શકતા નથી. છેવટે સરદારની દલીલો સાંભળ્યા પછી ત્રણે તહોમતદારો ઉપર વારંટ કેમ ન કાઢવાં એનાં કારણો બતાવવાની એણે નોટિસ કાઢી. આ નોટિસ રદ્દ કરાવવા આરોપીઓએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી. સેશન્સ જજ આગળ તો સરદારને કશી દલીલ કરવાની પણ જરૂર ન પડી. ફરિયાદીની અરજી અને તેની સાથેની એફિડેવિટો (સોગંદ ઉપર કરેલા નિવેદનો) વાંચી તેણે તો કહ્યું કે આવા સંજોગોમાં બાઈની દાક્તરી તપાસ તુરત થવી જ જોઈએ. સરદારનો મુદ્દો એ હતો કે બાઈને ખરેખર પુત્ર પ્રસવ્યો હોય તો અમારા કુટુંબના છોકરાને ગાદી મળે એમાં અમે રાજી છીએ. પણ ભળતો જ છોકરો ગાદીએ આવી જાય તેની સામે અમારો વાંધો છે. માટે ચોક્કસ તપાસ કરાવવાનો હુકમ મેળવવા અમે આ અરજી કરી છે. સેશન્સ જજે આરોપીની અપીલ રદ્દ કરી અને બાઈની દાક્તરી તપાસ કરાવવા હુકમ કર્યો.

દરમ્યાન ફરિયાદીએ ખેડા જિલ્લાના કલેક્ટરને પણ અરજી કરેલી અને તે ઉપરથી આ બાબતની તપાસ કરી પોતાનો રિપોર્ટ મોકલવા તેણે બોરસદના મામલતદારને હુકમ કરેલ. આ હુકમ ઉપરથી મામલતદારે મુખીને બોલાવ્યો. મુખીએ મામલતદાર સાહેબને ખુશ કર્યા એટલે એણે દાયાણીનું સ્ટેટમેન્ટ લીધું અને છોકરાના જન્મની ખુશાલીમાં વસવાયાં વગેરેને કાંઈ બક્ષિસ આપેલી તેમના જવાબ લઈ બધું બરાબર છે એવો રિપોર્ટ કર્યો અને એ રિપોર્ટ રેસિડેન્ટ મેજિસ્ટ્રેટની મારફત કલેક્ટર ઉપર રવાના કર્યો.

સેશન્સ કોર્ટને હુકમ આવ્યો એટલે બાઈની દાક્તરી તપાસ કરાવવાનું રેસિડેન્ટ મૅજિસ્ટ્રેટ મામલતદારને જ સોંપવાનો હુકમ કરતા હતા તેની સામે સરદારે વાંધો લીધો કે આ બાબતમાં એક મુખી સંડોવાયેલો છે, તે મામલતદારનો જ માણસ ગણાય માટે તપાસનું કામ બીજા કોઈ સ્વતંત્ર માણસને સોંપવું જોઈએ. તે ઉપરથી મૅજિસ્ટ્રેટે એક વકીલ જેઓ પોલીસ પ્રોસીક્યુટર હતા તેમને આ કામ સોંપ્યું. તેઓ બાઈ દાક્તરને લઈ પેલા મુખીને ગામ ગયા. સાથે સરદાર તથા ફરિયાદી પણ હતા. મુખીએ કહ્યું કે, “આમાં શી તપાસ