પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧
વકીલાત


તેમને ખબર પડી એટલે વકીલોને તેમણે સલાહ આપી કે તમે એ મુનસફનો બહિષ્કાર કેમ નથી કરતા ? બન્ને પક્ષના વકીલો એની કોર્ટમાં હાજર નહીં થાય એટલે એ કેસો શી રીતે ચલાવવાનો છે ? વકીલોએ આ સલાહ માની અને પેલા મુનસફ સાહેબ તો બે જ દિવસમાં સમાધાન કરવા તૈયાર થયા. વકીલોએ કહેવડાવ્યું કે સમાધાન તો વલ્લભભાઈ મારફત જ થાય. સરદારે કહેવડાવ્યું કે મુનસફને સમાધાન કરવું હોય તો મારી પાસે આવે. છેવટે મુનસફે કહ્યું કે હું બધા વકીલોને મારે ત્યાં ચાપાણી માટે નોતરું અને એ રીતે આપણે સમાધાન કરીએ. તેમાં પણ પ્રથમ તો સરદારે જવાની ના પાડી પણ બધા વકીલોએ ખૂબ આગ્રહ કર્યો એટલે ગયા.

૭. જે દિવસે વિલાયત જવા માટે બોરસદથી નીકળવાના હતા તે દિવસે કલેક્ટર આગળ ચલાવેલી એક અપીલમાં ભારે રમૂજ કરેલી. એક સોનીના ઉપર એક બાઈની સાથે વ્યભિચાર કરવા માટે ગૃહપ્રવેશનો આરોપ હતો. તેને છ માસની સજા થઈ હતી અને કલેક્ટરને ત્યાં એની અપીલ હતી. કલેક્ટરનો મુકામ બોરસદ હતો. કલેક્ટર સાહેબ પીને ચકચૂર થઈને બેઠેલા હતા. એટલે શિરસ્તેદાર જ વચમાં વચમાં સવાલ પૂછવા મંડ્યો. તેને ધમકાવીને સરદારે કહ્યું: “હું શિરસ્તેદાર આગળ કેસ ચલાવવા આવ્યો નથી. મારે તો સાહેબ આગળ કેસ ચલાવવાનો છે એમ સમજી આવ્યો છું.” પછી રકઝક ચાલી તે સાંભળી કલેક્ટર ચેત્યો અને સરદારને પૂછ્યું કે, “શી હકીકત છે ?” શિરસ્તેદાર બોલવા જતો હતો, એને “Keep quiet — બકબક ન કરો,” કહીને ચૂપ કર્યો. અને સરદારને પોતાની દલીલ આગળ ચલાવવા વિનંતી કરી. થોડી વાર પછી તેણે પૂછ્યું: “Is adultery a crime ? — વ્યભિચાર એ કાયદામાં ગુનો છે ?” સરદાર કહે: “ના રે સાહેબ, સુધરેલા દેશોમાં એ ગુનો છે જ નહીં, પણ આ પછાત દેશમાં આ શિરસ્તેદાર અને નીચેની કોર્ટના મૅજિસ્ટ્રેટ જેવા જૂના રૂઢિચુસ્ત અને સાંકડા વિચારના બ્રાહ્મણો આ કામને બહુ કરડી નજરે જુએ છે !” પેલાએ પાંચ મિનિટમાં આરોપીને છોડી મૂક્યો: શિરસ્તેદાર કશું સમજ્યો નહીં પણ ગુસ્સાથી બળી રહ્યો. તે જ દિવસે મુંબઈ જઈ બીજે દિવસે વિલાયતની બોટમાં ઊપડી ગયા.