પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
સરદાર વલ્લભભાઈ

standing by), whom you have fastened on this municipality. What is it that the Municipal Engineer wanted and my committee has not done? Ask him if there be any such thing? Yet, when the secretaries of the Gujarat Sabha waited on you in deputation, you had the impertinence to advise them to burn our houses. Why burn our houses? Why not burn the bungalow of that fellow where all the mischief is centred? – ઉત્તમ ઉપાય તો આ (મિ. મૅકાસે જે બાજુમાં જ ઊભેલા હતા તેના તરફ આંગળી કરીને) નાલાયક આદમીને નોકરીમાંથી ખડખડિયું આપવાનો છે. તમે એને મ્યુનિસિપાલિટીને માથે ઠોકી બેસાડ્યો છે. મ્યુનિસિપલ એન્જિનિયરે મારી કમિટીને શું કહ્યું અને અમે એ ન કર્યું? એવું કશું તો બતાવશે ને? એને જ પૂછો કે એવી એક પણ વસ્તુ છે? છતાં જ્યારે ગુજરાત સભાના સેક્રેટરીઓ તમને મળવા આવ્યા ત્યારે તેમને એવી સલાહ આપવાની તમે ધૃષ્ટતા કરી કે જઈ ને અમારાં ઘર ફૂંકી મૂકો! શા માટે અમારાં ઘર બાળવાં જોઈએ? આ બધા તોફાનના મૂળમાં તો આ આદમી છે. બાળે નહીં એનો બંગલો!”

પ્રૅટ — મિ. પટેલ, મિ. પટેલ, તમે વાત કરવાના મિજાજમાં નથી....

સર○ - શી રીતે હોઉં?

વાત અહીં જ અટકી. મિ. પ્રૅટ, મિ. મૅકાસે, મિ. ડાયર વગેરે મંડળ ઝપાટાબંધ પોતપોતાની ગાડીમાં બેસીને ત્યાંથી ભાગ્યું. શહેરમાં બધે ફરવાનો કાર્યક્રમ હવામાં ઊડી ગયો. પોતાના પાણીનું દુ:ખ દૂર કરવા આટલા બધા સાહેબો આવ્યા હતા એટલે લોકોનું મોંટું ટોળું ત્યાં ભેગું થયું હતું. સરદારે આવો ધડાકો કર્યો તે જોઈને બધાને બહુ મઝા પડી.

આ બનાવ પછી થોડા જ દિવસોમાં મૅકાસે રાજીનામું આપીને ચાલતા થયા. પ્રૅટ સાહેબે જ એને વેળા છતાં જવાની સલાહ આપી હશે.

આ મૅકાસેની નિમણૂક બાબત દીવાની કોર્ટમાં દાવો પણ થયો હતો. કર ભરનારા તરીકે ડૉ. કાનુગા અને પરસોતમદાસ ગજ્જર એ બે વાદીઓ હતા. પણ મૅકાસે ચાલ્યો ગયો એટલે દાવો આગળ ચલાવવાનું કોઈ કારણ ન રહ્યું.

પછી સરદારે એક બીજો પ્રશ્ન હાથમાં લીધો. મ્યુનિસિપાલિટીના સઘળા કરવેરા કેટલાક માણસો પાસેથી પૂરેપૂરા વસૂલ થતા નહોતા. મ્યુનિસિપાલિટીની સેવાઓનો લાભ લેવામાં પહોળા થનારા, છતાં તેના કરવેરા ભરવામાં મૂઠીઓ વાળનારા અને વાંધા ઉઠાવનારામાં કેટલાક સરકારી અમલદાર, કેટલીક સાર્વજનિક સંસ્થાઓ અને કેટલાક આગેવાન ગણાતા શહેરીઓ હતા. સરદારે જૂનાં દફતરો