પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭
મ્યુનિસિપાલિટીમાં સાફસૂફી


માગવો”, “એના ઉપર અધિકારીના રિપોર્ટ માગવા” એવા એવા સુધારા લાવીને વાતને ઢીલમાં નાખવાના પ્રયત્નો કેટલાક કાઉન્સિલરોએ કર્યા પણ છેવટે સરદારનો ઠરાવ બહુમતીથી પસાર થયો. પેલાની નાલાયકી વિષે કોઈના પણ મનમાં જરાયે વસવસો રહે એમ નહોતું છતાં સરદારે પુષ્કળ સવાલો પૂછી પૂછીને બોર્ડ આગળ પૂરતી વિગતો રજૂ કરાવ્યા પછી જ અને આ શાસ્ત્રીય વિષય ગણાતો હોઈ તેના ઉપર નિષ્ણાતોનું સમર્થન મેળવ્યા પછી જ પોતાનો ઠરાવ આણ્યો એ લોકશાહી ઢબે કામ કરવાની તેમની કુનેહ બતાવે છે.

મ્યુનિસિપાલિટીની સાફસૂફીમાં એક મહત્ત્વનું નોંધવા જેવું પ્રકરણ કૅમ્પ વિસ્તારને પાણી પૂરું પાડવા બાબતનું છે. ત્યાં લશ્કરી છાવણી હતી અને મોટે ભાગે તો મોટા સરકારી અમલદારો, તેમાંયે મુખ્યત્વે ગોરા અમલદારો રહેતા. એ વિસ્તારમાં મ્યુનિસિપાલિટીના વૉટરવર્ક્સમાંથી પાણી આપવામાં આવતું. પણ એ પાણીના દર શહેરના કરતાં બહુ જ ઓછા હતા. સૅનિટરી કમિટી મારફત જનરલ બોર્ડમાં સરદાર ઠરાવ લાવ્યા કે, કૅમ્પના સત્તાવાળાઓને જણાવી દેવું કે તેમની પાસેથી પ્રારંભિક ખર્ચ અને ચાલુ ખર્ચ શહેરના વરાડે લેવામાં આવશે. કૅમ્પવાળાની દલીલ એ હતી કે ઠરાવેલા દરથી અમને પાણી પૂરું પાડવાને મ્યુનિસિપાલિટી કરારથી બંધાયેલી છે. આ પ્રકરણ બહુ લાંબું ચાલ્યું અને વચમાં તો મ્યુનિસિપાલિટી સસ્પેન્ડ થયેલી રહી. એટલે આ પ્રશ્નનો નિકાલ ફરી પાછા ૧૯૨૪માં સરદાર મ્યુનિસિપાલિટીમાં દાખલ થયા ત્યારે આવ્યો. એની બધી વિગતો તે વખતના મ્યુનિસિપલ પ્રકરણમાં આપી છે.

આવું જ લંબાયેલું એક પ્રકરણ વૉટરવર્ક્સ માટેના એન્જિનની ખરીદીનું હતું. વૉટરવર્ક્સ માટે એન્જિનની જરૂર હતી એ વાત ખરી, પણ કેવા પ્રકારનું અને કેટલા હૉર્સ પાવરનું એન્જિન જોઈએ એ વિષે મ્યુનિસિપાલિટીના અમલદારોને, સૅનિટરી કમિટીને કે જનરલ બોર્ડને કશું પૂછ્યાગાછ્યા વિના સરકારે પોતાના ઈજનેરોના જ અભિપ્રાયો લઈને એન્જિનનો ઓર્ડર આપી દીધો. સરદારે જોયું કે અમદાવાદના વૉટરવર્ક્સને જોઈએ તે કરતાં એ એન્જિન ઘણું વધારે મોટું છે એટલે એમણે સરકારને લખ્યું કે તમે ઓર્ડર રદ કરાવો, નહીં તો અમે એ એન્જિન લેવાના નથી. એ સવાલનો નિકાલ પણ ૧૯૨૪ પછી સરદાર જયારે મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ત્યારે આવેલો. છેવટે એ એન્જિન તેની કિંમત અને બધું ખર્ચ આપીને સરકારને જ લેવું પડેલું.