પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧
ગુજરાત સભા


મુંબઈમાં રહેતા પણ એ તો ગુજરાતના જ ગણાય એટલે તેઓ તેમાં હાજરી આપે અને આગળપડતો ભાગ લે એમાં કાંઈ વિશેષતા ન ગણાય, પણ કાયદેઆઝમ ઝીણા આ પરિષદમાં આવ્યા હતા, એ જરૂર તેની વિશેષતા હતી. હિંદુ–મુસ્લિમ એકતાના ચુસ્ત હિમાયતી તરીકે તેમને ગોધરામાં ભારે માન મળ્યું. તે ઉપરાંત તિલક મહારાજ અને એમના ખાસ મિત્ર શ્રી ખાપર્ડેએ આ પરિષદમાં હાજરી આપીને તેનું ગૌરવ વધાર્યું હતું. વિશેષ ખૂબી તો એ થઈ કે બધા જ નેતાઓ પાસે ગાંધીજીએ આગ્રહ કરીને ગુજરાતીમાં ભાષણો કરાવ્યાં. કાયદેઆઝમ ઝીણા પાસે પણ ગાંધીજીએ ગુજરાતીમાં જ ભાષણ કરાવ્યું, એ વાત જ્યારે વર્તમાનપત્રોમાં આવી ત્યારે સરોજિનીદેવીએ ગાંધીજીને કાગળ લખેલો કે અમારાં જેવાં ઉપર તો તમે હર વખત હિંદુસ્તાનીમાં ભાષણ કરાવવાનો જુલમ કરો છો અને અમે એને વશ પણ થઈ એ છીએ પણ મહાન (ગ્રેટ) ઝીણા પાસે તમે ગુજરાતીમાં ભાષણ કરાવ્યું એને હું તમારી એક ચમત્કારિક ફતેહ ગણું છું અને એ માટે તમને મુબારકબાદી આપું છું. તિલક મહારાજને ગાંધીજીએ હિંદીમાં બોલવાની વિનંતી કરેલી. પણ એમણે કહ્યું કે હું હિંદીમાં બરાબર નહીં બોલી શકું ત્યારે છેવટે એમની પાસે મરાઠીમાં ભાષણ કરાવ્યું અને ખાપર્ડેએ પોતાની વિલક્ષણ શૈલીમાં એમનું આખું ભાષણ એવી સરસ રીતે ગુજરાતીમાં સમજાવ્યું કે તેમાં શ્રોતાઓને સ્વતંત્ર ભાષણના જેટલો જ આનંદ પડ્યો. અત્યાર સુધી પ્રાંતિક તો શું પણ જિલ્લા રાજકીય પરિષદોમાં પણ એવું ચાલતું કે મહત્ત્વનાં ભાષણો ઘણી વાર અંગ્રેજીમાં થતાં. વક્તાઓને એવો મોહ રહે કે અંગ્રેજીમાં બોલીએ તો આપણું બોલ્યું સરકારને કાને પહોંચે. પણ આ પરિષદમાં એક પણ ભાષણ અંગ્રેજીમાં ન થયું.

અત્યાર સુધી ભરાતી તમામ રાજકીય પરિષદો — જિલ્લા પરિષદથી માંડીને અખિલ હિંદ કૉંગ્રેસ સુધી – નો એક શિરસ્તો એવો હતો કે પહેલો ઠરાવ બ્રિટિશ સામ્રાજ્ય અને તાજ પ્રત્યે વફાદારીનો કરવો. આ શિરસ્તો ગાંધીજીએ તોડ્યો એ આ પરિષદની બીજી વિશેષતા હતી. ઘણાનું એમ કહેવું હતું કે એવો ઠરાવ કરવામાં આપણું જાય છે શું ? અત્યાર સુધી ચાલતું આવ્યું છે માટે ભલે ચાલે. ગાંધીજીની દલીલ એ હતી કે બ્રિટિશ સામ્રાજ્ય પ્રત્યેની વફાદારીમાં તમારા કોઈના કરતાં હું ઊતરું એમ નથી પણ કશા કારણ વિના એવો ઠરાવ પસાર કરીને આપણે આપણી લઘુતા દેખાડીએ છીએ. અંગ્રેજો કાંઈ એમની પરિષદોનો આરંભ બ્રિટિશ સામ્રાજ્ય અને તાજ પ્રત્યે વફાદારીના ઠરાવથી કરતા નથી. ગાંધીજીના આ વલણથી ઘણાને એક નવું જ દર્શન થયું. જેમાં સામ્રાજ્ય કે તાજના પ્રેમી નહોતા તેમને પોતાની દૃષ્ટિએ ખૂબ આનંદ થયો.