પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
સરદાર વલ્લભભાઈ

નિષ્ફળ પણ પ્રયત્ન કરવાના પાપમાં શા માટે આપણે પડવું જોઈએ ? હિંદુ ધર્મનું પ્રામાણિક અને સતત પાલન કરનાર આજે કોણ છે ? જો હોય તો આજે આપણી આ દશા ન હોત. ત્યારે એવું ધાર્મિક પાલન કરનાર એક વ્યક્તિ આપણા જાણવામાં છે તે એકની પણ એણે લીધેલી પ્રતિજ્ઞા સગાસંબધીઓ કે સ્નેહીઓ આગ્રહથી છોડાવી શકે એમ માનીએ તોપણ એથી હિંદુ ધર્મને કે દેશને શો લાભ થાય ? મારી અલ્પ મતિ પ્રમાણે તો એથી ઊલટું જ પરિણામ આવે. એટલે એમને રોકવાના પ્રયાસને હું અયોગ્ય અને નિષ્ફળ સમજું છું. પ્રતિજ્ઞાના ગુણદોષ વિચારતાં પણ થોડા કરાર પછીનું હિંદુ સમાજના કેટલાક ભાગનું વર્તન જોતાં અને ખાસ કરીને સનાતનીઓ અને કેટલાક કેળવાયેલા હિંદીઓ જે પ્રકારે પ્રચાર કરી રહ્યા છે તે જોતાં વહેલો કે મોડો ઉપવાસ આવી જ પડવાનો હતો. તો પછી થોડા દિવસ ઠેલી શકાત તે ન થયું, એટલા ખાતર શોક શું કામ કરવો ? ગુરૂવાયુરની ચળવળ શરૂ થઈ ત્યારથી આજ સુધી સનાતનીઓ જે પત્રવ્યવહાર ચલાવી રહ્યા છે તે બધો મારા જોવામાં આવ્યો છે. હિંદુ ધર્મની રક્ષાને નામે જે હળાહળ જૂઠ અને પ્રપંચનો ભારે પ્રયોગ થઈ રહ્યો છે, તે પણ જોઈ રહ્યો છું. મોટામાં મોટી પદવીએ પહોંચેલા કેટલાક આપણા જ ભાઈઓ આ ચળવળને રાજદ્વારી ચાલબાજી લેખે છે, અને બાપુના ઉપર ઢોંગનું આરોપણ કરે છે. આવા સંજોગોમાં કરોડો ગરીબ અને અભણ અંત્યજોને આપેલા વચન માટે એ ક્યાં સુધી મૂંગે મોઢે જોયાં કરે ? હિંદુ ધર્મની રક્ષાને બીજો કોઈ માર્ગ આપને સૂઝે છે ખરો ? જો બીજો કોઈ માર્ગ ન હોય તો જેને ધર્મ જીવનથી વધારે વહાલો હોય તે બીજું શું કરે ?
“ બાપુની ઉંમર અને શારીરિક સંપત્તિ જોતાં એકવીસ દિવસના ઉપવાસની વાતથી મને કંપારી છૂટે છે ખરી. એમને પોતાને તો શ્રદ્ધા છે કે ઈશ્વર ઉપવાસ નિર્વિઘ્ને પૂરા કરાવશે. પણ મને ભય છે કે એ આશા વધારે પડતી છે. પણ જે અનિવાર્ય છે તેનો શોક કર્યે શું થાય ? પ્રભુ જે કરશે તે સારું જ કરશે.”

તા. ૩જી મેએ રાજાજીએ સરદારને નીચે પ્રમાણે તાર કરેલો :

આ અગ્નિપરીક્ષામાંથી બાપુ પસાર થઈ શકશે એવી આશા રાખવી એ મૂર્ખાઈ છે. તમે જ એકલા એમને રોકી શકો એમ છો. આ એક ભૂલ થાય છે અને તેમાંથી કશું સારું પરિણામ નીપજવાનું નથી. આ કરુણ ઘટના હરિજન માટે તેમ જ દેશને માટે પ્રગતિનો કાંટો પાછો ઠેલશે.”

સરદારે આનો જવાબ પોતાની વિલક્ષણ ઢબે આપ્યો :

“હમણાં જ તાર મળ્યો. અગ્નિપરીક્ષામાંથી બાપુ પસાર થઈ જઈ શકશે એવી આશા રાખવી એ મૂર્ખાઈ ગણાય એ વાત સાચી છે. પણ હું એ મૂર્ખાઓના ટોળામાંનો નથી. વળી સફળતાની જરાયે આશા રાખીને તેમનો નિશ્ચય છોડાવવા અથવા ફેરવવાનું સમજાવવા પ્રયત્ન કરવો એ એથીયે વધારે મૂર્ખાઈ છે. એટલે મેં તો એ યોગ્ય ધાર્યું છે કે તેમને નકામી તકલીફ કે ત્રાસ ન આપો અને