એ મારો ચોક્કસ અભિપ્રાય છે. આશ્રમમાં જે કંઈ ફેરફાર કરાવવા જરૂરના લાગે તે જમનાલાલજીને મોકલી કરાવી શકાય. પણ એ ખાતર અત્યારે આ ત્યાં જાઓ એ બિલકુલ ઇચ્છવાયોગ્ય નથી. ત્યાં લોકોના ટોળેટોળાં અવશે. અનેક વાતો આપની પાસે લાવશે અને આપને જરાય ચેન પડવા નહીં દે. વળી બીજાં પણ અનેક કારણો છે. એટલે આપ ત્યાં જવાનો વિચાર ન કરશે. નારણદાસ આ બધી વસ્તુઓનો વિચાર ન કરી શકે કારણ કે એમની પાસે એ ચિતાર ખડો ન થાય તેથી આપને બોલાવવા ઇચ્છે. પણ જો ખરી વસ્તુસ્થિતિ સમજે તો ન જ બોલાવે. મને કેરી શું કામ મોકલી ? તમે આજે લાડ લડાવો અને કાલે શું કરો તે કોણ જાણે ! તમારી દયામાં અને અહિંસામાં જે નિર્દયતા અને હિંસા ભરેલાં છે તે તો ‘જેને રામબાણ વાગ્યાં હોય તે જાણે.’! મારું ના માનો તો બાને પૂછજો. એ મારી વાતમાં સંમત થશે જ. પાછા જલદી સારા થઈ જજો. રામદાસની સંભાળ લેજો. એનું શરી૨ હજી વળ્યું નથી.
“છગનલાલ પ્રણામ લખાવે છે.
લિ. સેવક
વલ્લભભાઈના સા. દ. પ્રણામ ”
૫-૬-’૩૩
“પ્રિય ભાઈ મહાદેવ,
“તમારો સવારનો કાગળ મળ્યો. મેં તો સવારમાં સાત વાગ્યે લખીને કાગળ ઑફિસમાં મોકલેલો હતો, એટલે આપણા કાગળો ભટકાયા ખરા. તમારો બીજો સાંજે મળ્યો. સાથે બાપુનો પણ મળ્યો. તેનો જવાબ સાથે છે.
“મણિબહેનનું શું થાય ? મેં તો તા. ૧-૬-’૩૩ના રોજ એને કાગળ લખ્યો છે. તેમાં તમે લખો છો તે બધું લખ્યું છે. પણ એ તો એને જ્યારે મળે ત્યારે ખરો. મારો કાગળ એને જ્યારે હક્ક થાય ત્યારે આપે અને તે તો મને થોડી ખબર પડે છે. મૃદુલા ગયા પછી આ વખતે આ ઉપવાસથી એ વધારે મૂંઝાઈ લાગે છે. મારો કાગળ મળશે તો તો કંઈક શાંત પડશે.
“બાપુએ પાછા હાથે કાગળો લખવા શરૂ કરી દીધા. એ તો ઠીક પણ ગજા ઉપરાંત હાથ પાસે કામ ન લે એ સંભાળજો. છગનભાઈએ તો ઘણી વાતની નોંધ કરી રાખી છે. પાંચ વાગ્યે સવારે વહેલા ફરતી વખતે એ બધી વાતો છેડવાની છે. તે તો વખત આવશે ત્યારે કઈ ચૂકવાના થોડા છે ?
“ડૉ. પટેલના સવાલનો જવાબ શું આપી શકું ? સરકારમાંથી કંઈ નિકાલ ન થાય ત્યાં સુધી શું થાય ? એ કહે છે એ પ્રમાણે મને સગવડ મળે તો હું તો (ઑપરેશન કરાવવા) રાજી છું. પણ એ કંઈ થોડું મારા હાથમાં છે ? વળી એ બાબતમાં ડૉ. દેશમુખને પણ ખોટું ન લાગે એ જોવું જોઈએ ને?
“મારા જ હાથમાં હોય તો ડૉ. પટેલની સલાહ છે એ માન્ય રાખું એમ મને લાગે ખરું. પણ અત્યારે તે મારા હાથમાં કશું જ નથી એમ કહી શકાય. સરકારનો નિર્ણય થશે ત્યાર પછી શું કરવું એ સૂઝ પડશે. અમને ઘડિયાળની કશી જ જરૂર નથી. આ સાથે ઘડિયાળ મોકલી આપું છું. તેલની શીશી પણ મોકલી છે. બેઉ ચીજો મળ્યાની પહોંચ લખજો.