પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૩
ગાંધીજીથી છૂટા પડ્યા પછી યરવડા તથા નાશિક જેલમાં

હાજરીમાં લગ્નવિધિ થઈ જાય એટલે મોટામાં મોટું કામ ઊકલ્યું ગણાય. પછી તો એ બે જણ પોતે જઈને દસ્કત કરી આવે તોયે ચાલે. માત્ર એકાદ સાક્ષી જોઈએ. તે તો ગમે તે હોય.
“રમા [૧]ને ઑપરેશન કરાવવા લખી દીધું છે.
“નારણદાસને અહીંથી મોકલેલાં ચોપડીઓનાં પાંચે પારસલ સહીસલામત મળ્યાં કે કેમ તેને વિષે કાગળ લખ્યો છે. આજે જવાબ આવવો જોઈએ.
“ચાર્લી [૨] વગેરેના કાગળોનું જાણી આશ્ચર્ય થાય છે. આટલાં વર્ષ સાથે કાઢ્ચાં છતાં એાળખતા નથી એ શું ? એવી રીતે બહાર રાખીને પછી શું દર્શન અર્થે કબાટમાં પૂરી રાખવા ઇચ્છે છે ? ને એમાં એમની સલાહ કે દબાણનું કામ (ન) હતું. એ તો કબીજીરએ કહી ગયા છે ને ?
“તમારે પોતાને માટે (જેલમાં જવાનો) નિર્ણય કરવામાં હવે કશી ઉતાવળ કરવાની જરૂર નથી. બાપુ પોતે જ આશ્રમને વિષે શાંત થયા હોય તો તમારે પણ હમણાં શાંત અને સ્વસ્થ રહેવું સારું છે. પછી સમય આવ્યે વિચારી યોગ્ય કરીશું.
“ભૂલાભાઈને ખૂબ વીત્યું લાગે છે. મેં ધીરૂને ગયા મહિનામાં છેલ્લા અઠવાડિયામાં કાગળ લખેલો તેનો જવાબ આજ સુધી ન આવ્યો. પાછા ચાર પાંચ દિવસ ઉપર ભૂલાભાઈને સીધો કાગળ લખ્યો, ત્યારે એ કાગળ પહોંચ્યાનું (ધીરુ) લખતો નથી. અને આ કાગળ ત્રીજી તારીખ નાખીને લખે છે. બાકી તો કવર ઉપર પણ નાશિકની ૭ની અને અહીંની ૮મીની છાપ છે. બાપુને શક્તિ નથી એટલે એ (ભૂલાભાઈને) ન લખે પણ તમે બાપુની વતી લખો અને બાપુની સહી કરાવીને મોકલો તો સારું. નાશિક સિવિલ હૉસ્પિટલમાં જ લખજો.
“બધું ચાલી રહ્યું છે તે જોતાં બંગાલ પૂરતા પૂના પૅક્ટ અને આખો ઍવોર્ડ રીવાઈઝ કરાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. સખત પ્રયત્ન થશે. પરિણામ શું આવે તે તો રામ જાણે. પણ ત્યાંની ગંધ એવી આવે છે કે ફજેતા કરીને ગધેડે ચડી ગામ પાર ઊતરીને બધા પાછા આવશે અને છેવટે વાંક તો બીજાનો જ કાઢવાના.
“ગઈ કાલનો ‘ટાઇમ્સ’નો લીડરેટ ઉપવાસ ઉપર જોયો? એ જોજો અને સાથે પેલા મદ્રાસવાળા સનાતનીઓ વિશે જે મદ્રાસનો રિપોર્ટ છે તે જોજો. થોડું થાડું જોતા રહેજો. વખત ન મળે તો શાસ્ત્રીને કહેજો કે તમારું ધ્યાન ખેંચતા રહે.
“મુંજે સેતલવાડનું યુદ્ધ ચાલી રહ્યું છે તે પણ જોતા હશો. પેલો કાલિદાસ જીનીવા જઈ આવ્યો તે જોયું હશે. આજે ‘હિંદુ’માં India and the worldમાં ગુરુદેવે લખેલો લેખ છે. તેનું કટિંગ પણ જોજો. ભારે લેખ લખ્યો છે.
“મેં તમને ના લખ્યું હતું તોયે તમે પેલા હૉર્નિમૅન સાથે ચર્ચામાં પડ્યા ને ? તમને ઘડિયાળ અને તેલની બાટલી મોકલેલી તે તો મળી ગઈ જ હશે. આજે મણિબહેનનો કાગળ છે. સ્વસ્થ થતી જણાય છે. એ તો થઈ જશે.

લિ.
વલ્લભભાઈના વંદેમાતરમ્”

 



  1. ૧. શ્રી છગનલાલ જોષીનાં પત્ની.
  2. ૨. મિ. સી. એફ. ઍન્ડ્રૂઝ.