પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સરદાર વલ્લભભાઈ

 ત્યાં જઈ સરદારને ભાષણ ન કરવાની નોટિસ આપી, અને પૂછ્યું: “શું કરવા ધારો છો ?” સરદારે કહ્યું: “મારે એ નોટિસનો અનાદર કરવો છે.” પેલાએ કહ્યું, “પરિણામનો વિચાર તમે કર્યો જ હશે.” સરદારે કહ્યું, “ગમે તેમ થાય, હું અનાદર કરીશ.” સરદારે ભાષણ શરૂ પણ નહોતું કર્યું, પણ આટલી વાતચીત ઉપરથી જ તેમને પકડવામાં આવ્યા. ત્યાંથી એમને બોરસદ લઈ જવામાં આવ્યા. ત્યાં મૅજિસ્ટ્રેટની અદાલતમાં એમનો કેસ ચલાવવાનું ફારસ ભજવાયું. અદાલતમાંથી વકીલોને બહાર કાઢવામાં આવ્યા. જિલ્લા મૅજિસ્ટ્રેટ, નોટિસ આપનાર મૅજિસ્ટ્રેટ અને જિલ્લા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, એ ત્રણેએ મળીને કૂંડાળાં વાળ્યાં. નોટિસ બજાવનાર મૅજિસ્ટ્રેટ અને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ તથા બીજા એક સ્થાનિક પોલીસ અમલદારની જુબાનીઓ સરદારની ગેરહાજરીમાં લીધી. તે વખતે સરદારને અદાલતના ઓરડાની પાછળની ઓરડીમાં – મૅજિસ્ટ્રેટની ચેમ્બરમાં – બેસાડેલા હતા. પછી તેમને બહાર લાવીને પૂછ્યું કે, “આ આરોપના સંબંધમાં તમારે કાંઈ કહેવું છે ?” સરદારે જવાબ આપ્યો: “મારે બચાવ નથી કરવો. ગુનાનો સ્વીકાર કરું છું.” જિલ્લા મૅજિસ્ટ્રેટે ફેંસલો આપ્યો : “તહોમતદાર બૂમબરાડા પાડીને ભાષણ (harangue) કરવા ગયા એટલે જિલ્લા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે તેમને ૫૪મી કલમ પ્રમાણે એમ ન કરવાનું કહ્યું. તેમણે ન માન્યું અને ભાષણ કર્યું, એટલે ૭૧ મી કલમ પ્રમાણે ગુનો થયો. તહોમતદાર ગુનો કબૂલ કરે છે. તેમને ત્રણ માસની સાદી કેદ અને રૂ. ૫૦૦ દંડ, અને દંડ ન ભરે તો ત્રણ અઠવાડિયાં વધારે કેદ, એટલી સજા કરવામાં આવે છે.” બોરસદથી તેમને મોટરમાં સીધા અમદાવાદ લાવવામાં આવ્યા. રસ્તામાં ડૉ. કાનૂગાને ત્યાં જમવા રોકાયા. જેમને સરદાર પોતાનાં સગાં બહેન સમાન ગણતા હતા તે નન્દુબહેન કાનૂગાએ તેમને કંકુનો ચાંલ્લો કર્યો અને ભાવભીની વિદાય આપી. આશ્રમ આગળ પણ મોટર થોભાવી અને બધાં ભાઈબહેનોને તથા બાળકોને મળી હસાવી રમાડી તેમની વિદાય લીધી. સાબરમતી જેલના દરવાજા આગળ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે તેમની આગળ સિગરેટ ધરી. સરદાર એ લેવા હાથ લાંબો કરવા જતા હતા, એટલામાં ખંચાયા અને લેવા ના પાડી. સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું. “તમે બીડી તો પીઓ છો ?” સરદારે જવાબ આપ્યો: “પણ તું જેલની અંદર ક્યાં બીડી આપવા આવવાનો છે?” તે ક્ષણેથી સરદારે બીડી છોડી તે કાયમને માટે છોડી.

સરદારના પકડાયાના સમાચારથી આખું ગુજરાત સળગી ઊઠ્યું. અમદાવાદમાં સાબરમતી નદીને કિનારે એક મોટી સભા ગાંધીજીના પ્રમુખપણા નીચે થઈ. તેમાં પ૦ થી ૭૫ હજાર માણસો હશે. તેમાં નીચેના ઠરાવ પસાર કરવામાં આવ્યો: