પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૧
ગાંધીજીથી છૂટા પડ્યા પછી યરવડા તથા નાશિક જેલમાં

લઈ શક્યાં. ડાહ્યાભાઈને હાથે શબને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. તે વખતે શ્રીમતી સરોજિનીદેવીએ બહુ હૃદયદ્રાવક ભાષણ કર્યું. વિઠ્ઠલભાઈના અવસાનથી સરદારને થયેલી લાગણીનો અને પોતાની મનઃસ્થિતિનો કંઈક ખ્યાલ તેમણે તા. ૨૧–૧૧–’૩૪ના રોજ શ્રી મથુરાદાસ ત્રિકમજીને લખેલા નીચેના કાગળ ઉપરથી આવે છે :

“તમારો કાગળ મળ્યો હતો. પછી તો ચારે તરફથી આવતા તારો અને કાગળોના જવાબો આપવામાં પડી ગયો. ચિત્ત પણ કંઈક અસ્વસ્થ થયું, હવે કંઈ નથી. થવાનું હતું તે થઈ ગયું. કોઈ કોઈ વાર સ્મરણ થઈ આવે છે. પણ એ બધું હવે વેદનાકર્તા નથી. આ કઠણ કાળમાં ઊભી આબરૂએ આ ફાની દુનિયા છોડી જવાનું ભાગ્ય પ્રાપ્ત થાય તો એમાં શોક કરવા જેવું કશું નથી, એમ ઊંડે વિચાર કરતાં લાગ્યા કરે છે. ઈશ્વરને ગમ્યું તે ખરું. જતાં જતાં કુટુંબની, કામની અને મુલકની આબરૂ વધારી ગયા છે એટલે હું હવે જરાયે ચિંતા કરતો નથી. પ્રથમ તો ખૂબ આઘાત થયો. એમના જવા કરતાં પરદેશમાં જ્યાં કોઈ પાસે નહીં કે જેની પાસે પોતાનું દિલ ખોલી શકાય એવે સ્થળે ગયા તેનો ખટકો મારા મનમાં ખૂબ થયો. પણ હવે એ વસ્તુનો શોક મિથ્યા છે. એમાંથી એક જ શીખવાનું છે કે છેલ્લી ઘડી ક્યારે આવશે તે કઈ કળી શકતું નથી. તેથી મનમાં જે કંઈ કહેવા જેવું હોય તે અગાઉથી જ કહી રાખવું અને મન હળવું કરીને મોજથી ફર્યાં કરવું. હું અત્યારે એ દશા ભોગવું છું. તેથી અતિશય આનંદ રહે છે. આજે મારે જવાનું થાય તો કોઈને કંઈ કહેવાનું રહી ગયું હોય એવું નથી. આ સ્થિતિ અતિશય સુખ કરે છે એ હું અનુભવી રહ્યો છું. મારો સાથી (ડૉ. ચંદુલાલ દેસાઈ) પણ ઈશ્વરે એવો જ આપ્યો છે. તેથી ‘આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા’ એવી અમારી સ્થિતિ છે. …”

નામદાર વિઠ્ઠલભાઈએ મરતાં અગાઉ જ વિયેનામાં પોતાનું વસિયતનામું કરેલું, એમ પાછળથી ખબર પડી. આગળ ઉપર તે મોટી ચર્ચાનો અને હાઈકોર્ટના મુકદ્દમાનો વિષય થઈ પડ્યો. સરદારે તેમાં મહત્ત્વનો અને ઉદાર ભાગ ભજવ્યો. સમયના ક્રમ પ્રમાણે તેની વિગતો આપવાનું પછી આવે પણ માનસના ક્રમને અનુસરીને તે અહીં જ આપી દેવી ઠીક છે.

એ વસિયતનામામાં પોતાનાં સગાંસંબંધીઓમાંથી પોતાની સેવાસુશ્રુષા કરનારને બક્ષિસ તરીકે કેટલીક રકમ આપી દીધા બાદ બાકીની રકમ દેશની રાષ્ટ્રીય ઉન્નતિ માટે, ખાસ કરીને પરદેશમાં પ્રચારકાર્ય કરવા માટે શ્રી સુભાષચંદ્ર બોઝને સોંપી હતી. વસિયતનામાની એ કલમના શબ્દો નીચે પ્રમાણે હતા :

“ઉપર જણાવેલી ચાર બક્ષિસો આપી દીધા પછી મારી મિલકતમાંથી જે કાંઈ બાકી રહે તે શ્રી સુભાષચંદ્ર બોઝ (જાનકીનાથ બોઝના દીકરા) ઠેકાણું ૧, વુડબર્ન પાર્ક, કલકત્તા, તેમને સોંપી દેવી. મજકૂર શ્રી સુભાષચંદ્ર બોઝે એ રકમ તે, અથવા તો પોતે એક અથવા વધારે માણસને નીમે તેમણે,