પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦
સરદાર વલ્લભભાઈ


અમદાવાદ આવીને તા. ૩૧મી જુલાઈએ કાકાસાહેબે કલેક્ટરને કાગળ લખીને પુછાવ્યું કે,

“તમે મને મારે જોઈએ તે પુસ્તકો લઈ જવાની પરવાનગી તો આપેલી જ છે. હું એમ માની શકું ખરો કે વિદ્યાપીઠના મકાનમાંથી તમામ પુસ્તકો અને જે ઉપર તે રાખવામાં આવ્યાં છે તે ઘોડા વગેરે ખસેડી લઈ જવાની મને છૂટ છે ? આ પ્રશ્ન એટલા માટે ઉપસ્થિત થયો છે કે સાબરમતી આશ્રમનાં પુસ્તક જે રીતે લોકોપયોગ માટે આપી દેવામાં આવ્યાં છે તે જ રીતે વિદ્યાપીઠનો પુસ્તકસંગ્રહ પણ આપી દેવાનો ઇરાદો વિદ્યાપીઠના ટ્રસ્ટીઓનો છે.”

આ કાગળનો મુસદ્દો ગાંધીજીએ કરી આપ્યો હતો.

આના જવાબમાં કલેક્ટરે જણાવ્યું :

“વિદ્યાપીઠનાં પુસ્તકો તથા મકાન સાથે જડી દેવામાં ન આવ્યા હોય એવા ઘોડા તમે પહોંચ આપીને લઈ જાઓ એમાં કશો વાંધો નથી.”

તે જ દિવસે કાકાસાહેબ પૂના જવા નીકળવાના હતા એટલે ગાંધીજીને કહેતા ગયા કે વિદ્યાપીઠનું પુસ્તકાલય મ્યુનિસિપાલિટીને સોંપી દેવાનો કાગળ આપ જ મ્યુનિસિપાલિટીના પ્રમુખને લખશો. એ પ્રમાણે ગાંધીજીએ મ્યુનિસિપાલિટીના પ્રમુખને વિદ્યાપીઠના પુસ્તકસંગ્રહની ભેટ સ્વીકારવાનું લખ્યું. પછી વિદ્યાપીઠનો પુસ્તકસંગ્રહ વિદ્યાપીઠના મકાનમાંથી ખસેડી મ્યુનિસિપાલિટીને સોંપવામાં આવ્યો.

સરદાર અને બીજા કેટલાક જેઓ વિદ્યાપીઠમંડળના સભ્યો હતા અને એ રીતે વિદ્યાપીઠની મિલકતના ટ્રસ્ટીઓ હતા, તેઓમાંના ઘણાખરા તે વખતે જેલમાં હતા. એટલે તેમને પૂછી શકાય એમ નહોતું. પણ ગાંધીજીની સંમતિ મળેલી હોઈ જેઓ બહાર હતા તેમાંથી કેટલાકને પુસ્તકાલયનું દાન આપી દેવાની બાબતમાં કાને વાત નાખી દેવા ઉપરાંત તેમની વિધિસર સંમતિ લેવાની કાકાસાહેબે જરૂર માની નહીં. સરદારને જેલમાં વિદ્યાપીઠના પુરતકાલયના દાનની ખબર પડી ત્યારે તેમને આ વાત ગમેલી નહીં. પુસ્તકાલય એ વિદ્યાપીઠનું મહત્ત્વનું અંગ ગણાય, અને તેના વિના ભવિષ્યમાં વિદ્યાપીઠની પ્રવૃત્તિઓ ચલાવવાનું અશક્ય જેવું થઈ જાય એમ તેમને લાગતું હતું. પણ જેલમાંથી તો તેઓ કાંઈ કરી શકે એમ નહોતું. ૧૯૩૪ના જુલાઈમાં બહાર આવ્યા પછી બધી વિગતોની તેમણે તપાસ કરી. પુસ્તકાલયનું દાન અપાયું છે એ ઠીક થયું કે અઠીક થયું એ બાજુએ રાખતાં તેમને લાગ્યું કે, “આવી રીતે ટ્રસ્ટની મિલકત બીજી સંસ્થાને આપી દેવાનો શ્રી કાકાસાહેબને અધિકાર ન હતો, એટલું જ નહીં પણ આખા વિદ્યાપીઠમંડળને પણ પુસ્તકાલય અમદાવાદ મ્યુનિસિપાલિટી જેવી, સરકારના અંકુશવાળી સંસ્થાને આપી દેવાનો અધિકાર નથી. કારણ, વિદ્યાપીઠની સ્થાપના અસહકારની ચળવળમાંથી