પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦
સરદાર વલ્લભભાઈ

જવાથી કૉંગ્રેસનું થયું એમ કહી શકાય. અને ગાંધીજી કૉંગ્રેસનો ત્યાગ ક્યાં કરતા હતા ? જ્યારે જ્યારે પોતાની સલાહની અને સહકારની જરૂર પડે ત્યારે તે આપવા તેઓ તૈયાર જ હતા. કૉંગ્રેસમાંથી ગાંધીજીનું નીકળી જવું કેટલું વખતસરનું હતું તે તો એ ઉપરથી સાબિત થયું કે ગાંધીજીની દરખાસ્તોને બહુ મોળી કરી નાખીને જ કૉંગ્રેસ સ્વીકારી શકી.

મુંબઈનું અધિવેશન પૂરું થતાં જ દેશની આગળ વડી ધારાસભાની ચૂંટણી આવી. કૉંગ્રેસ તેમાં પૂરા ઉત્સાહથી ઊતરી. સરકારને લાગતું હતું કે આ ત્રણ વરસના સખત દમનથી લોકોને આપણે દબાવી અને ડરાવી દીધા છે. તેઓને એટલું બધું સહન કરવું પડ્યું છે અને નુકસાન વેઠવું પડ્યું છે કે હવે તેઓ કૉંગ્રેસનું નામ લેવાની હિંમત નહીં કરે. ત્રાસવાદી પ્રવૃત્તિને અંગે દમન ચાલે ત્યારે લોકોની એવી સ્થિતિ થાય છે ખરી. પણ અહિંસક લડતની ખૂબી એ છે કે લોકો થાકી જાય ત્યારે ભલે લડતમાં ભાગ લેવાનું છોડી દે, પણ લડત ખોટી છે અથવા જેઓ લડત ચાલુ રાખે છે તે ખોટું કરે છે, એવા વિચાર લોકોને આવતા નથી. પોતે ભલે થાક્યા હોય પણ જેઓ લડત ચાલુ રાખે છે અને કષ્ટો સહન કરે છે તેમની બહાદુરી અને આપભોગ પ્રત્યે તેમના દિલમાં આદર જ રહે છે, આ વખતે તેઓ જેલ, દંડ, લાઠીમાર વગેરેથી થાકી ગયા હતા પણ તેથી કૉંગ્રેસ પ્રત્યે તથા કૉંગ્રેસી આગેવાનો પ્રત્યે તેમના દિલનો ભાવ ઓછો થયો નહોતો. તેમના હૃદયમાં તો સરકાર પ્રત્યે બેદિલી અને કૉંગ્રેસ પ્રત્યે આદરભાવ જ હતાં. આ ચૂંટણીમાં કૉંગ્રેસને ટેકો આપી લોકોએ એ વસ્તુ સાબિત કરી આપી. વળી છેલ્લાં ત્રણ વરસથી પોતાની પ્રવૃત્તિઓ ગેરકાયદે ગણાતી હોઈ રાષ્ટ્રીય કાર્યકર્તાઓ છૂટથી હરીફરી કે બોલી શકતા નહીં. આ ચૂંટણીને લીધે તેઓને જિલ્લે જિલ્લે અને તાલુકાના ગામડે ગામડે ફરવાની અને ભાષણો કરવાની તક મળી. લોકોએ તેમને સત્કાર્યા. છતાં ચૂંટણીમાં વિજય મેળવવા મહેનત તો કરવી જ પડી. બ્રિટિશ વડા પ્રધાને જે કોમી ચુકાદો આપ્યો હતો તે કૉંગ્રેસને માન્ય તો નહોતો જ. છતાં હરિજનોને અલગ મતદાર મંડળો આપનારી કલમની સામે ઉપવાસ કરી ગાંધીજીએ એટલો જ ભાગ ફેરવાવ્યો હતો. નવા થનારા આખા સુધારા ને તે અનુસાર થનારું આખું બંધારણ (જેની રૂપરેખા બ્રિટિશ સરકાર તરફથી બહાર પડી હતી અને જે શ્વેતપત્રને નામે ઓળખાતી હતી), જેમાં કોમી ચુકાદો પણ આવી જાય છે, એ આપણને માન્ય નથી. એટલે એકલા કોમી ચુકાદાનો વિરોધ કરીએ તો બાકીનું બંધારણ આપણને માન્ય હોવાનો ભાસ થાય એમ ગાંધીજીનું કહેવું હતું. છતાં લોકોની જાણ માટે કૉંગ્રેસે જાહેર કર્યું કે અમે કોમી ચુકાદાનો વિરોધ નથી કરતા તેનો અર્થ એ નથી કે અમે તેનો