પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૧
’૩૪ ની મુંબઈની કૉંગ્રેસ અને ત્યાર પછી

સ્વીકાર કરીએ છીએ. ૫ં. માલવીજી અને શ્રી અણે કોમી ચુકાદાના વિરેાધનો અલગ ઠરાવ કૉંગ્રેસે કરવો જોઈએ એ મતના હતા. પોતાનો ઠરાવ કૉંગ્રેસમાં પસાર ન થયો એટલે તેમણે નવો પક્ષ રચ્યો અને ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઊભા કર્યા. માત્ર કોમી ચુકાદા સિવાય બીજી બધી બાબતમાં તેઓ કૉંગ્રેસ સાથે સંમત હતા. બીજી એક ચળવળ રૂઢિચુસ્ત હિંદુઓએ ઉપાડી હતી. કૉંગ્રેસવાળા તો હરિજનોને મંદિરમાં દાખલ કરી આપણાં મંદિર અભડાવવા માગે છે માટે એમને મત ન આપવા એવો પ્રચાર તેમણે ચલાવવા માંડ્યો હતો. જોકે હિંદુ મતદારો ઉપર તેની ઝાઝી અસર થઈ નહીં. પણ આ બધું મતદારોને સ્પષ્ટ સમજાવવાની જરૂર તો હતી જ, અને નવેમ્બરની ૧૫મીથી જુદા જુદા પ્રાંતમાં ચૂંટણી થવાની હોઈ વખત બહુ થોડો હતો. સરદારને ગુજરાતની તો ચિંતા જ નહોતી એટલે તેઓ પંજાબ, દિલ્હી, યુ.પી., બિહાર, મદ્રાસ વગેરે પ્રાંતોમાં ફરી વળ્યા. ચૂંટણીઓના ખર્ચ માટે પૈસાની વ્યવસ્થા કરવાનો પણ મુખ્ય બોજો તેમને માથે પડ્યો. એકલા પંજાબ સિવાય બીજા બધા પ્રાંતોમાં કૉંગ્રેસના ઉમેદવારો ભારે બહુમતીમાં આવ્યા. બંગાળમાં પં. માલવીજીના પક્ષના ઉમેદવારો ચૂંટાઈ આવ્યા. પણ મુંબઈ શહેર જેણે ગઈ લડતમાં સારો ફાળો આપ્યો હતો અને જે રાષ્ટ્રીય જુસ્સામાં આખા દેશમાં આગળ ગણાતું હતું ત્યાં ચૂંટણીમાં કૉંગ્રેસની હાર થઈ તેથી સૌને ભારે નવાઈ લાગી. કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી કનૈયાલાલ મુનશી હતા ને સામે શ્રી કાવસજી જહાંગીર હતા. મુંબઈ પ્રાંતિક સમિતિના પ્રમુખ શ્રી નરીમાને કૉંગ્રેસને છેહ દઈ સર કાવસજીને આડકતરી રીતે મદદ થાય એવું વલણુ અખત્યાર કર્યું તેથી આ બનવા પામ્યું હતું. આમાંથી આગળ ઉપર, મોટું પ્રકરણ ઊભું થયું અને કેટલોક વખત તો સરદાર નકામા વગોવાયા. તે બધી હકીકતને એક અલગ પ્રકરણ જ આપીશું. વડી ધારાસભામાં જે અનેક પક્ષો હતા તેમાં સૌથી મોટો પક્ષ કૉંગ્રેસનો થયો. આ ચૂંટણીઓ મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડ યેાજના મુજબના બંધારણ અનુસાર થઈ હતી. એ બંધારણ પ્રમાણે ધારાસભાની રચના જ એવી હતી કે અમુક સભ્યો સરકારને હાજી હા કરનારા હોય અને તેમની મદદથી સરકાર હંમેશાં પોતાની બહુમતી રાખી શકે. પણ હવે વાતાવરણ બદલાઈ ગયું હતું. હાજી હા કરનારો વર્ગ પણ સ્વતંત્ર વિચાર કરતો થયો હતો, એટલે જે મુદ્દા પર કૉંગ્રેસ બન્ને પક્ષોને પોતાની તરફેણમાં લઈ શકે ત્યાં એ સરકારને હરાવી શકે એવી સ્થિતિ હતી. ૧૯૩૪ના નવેમ્બરમાં ચૂંટણીઓ થઈ અને તા. ૨૧–૧–’૩૫ના રોજ વડી ધારાસભાની બેઠક શરૂ થઈ. શ્રી ભૂલાભાઈ દેસાઈ કૉંગ્રેસ પક્ષના આગેવાન ચૂંટાયા. સ્વરાજ પક્ષના આગેવાન