પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨
સરદાર વલ્લભભાઈ

તરીકે વડી ધારાસભામાં પંડિત મોતીલાલ નેહરએ જે રુઆબ અને છાપ પાડી હતી તેવી જ શ્રી ભૂલાભાઈ એ પણ પાડી. બીજા પક્ષોનો સહકાર મેળવીને ઘણા મુદ્દા જેવા કે શરદચંદ્ર બોઝની અટકાયત, ખુદાઈ ખિદમતગારો ઉપરનો પ્રતિબંધ, હિંદુસ્તાન અને બ્રિટન વચ્ચેના વેપારી કરાર, વગેરે ઉપર કૉંગ્રેસે સરકારને હાર ખવડાવી. જોકે ગવર્નર જનરલે પ્રમાણપત્ર આપીને ધારાસભાના બહુમતી ઠરાવોના અમલ ન થવા દીધા. જે વખતે હિંદુસ્તાનને રાજ્યબંધારણમાં સુધારા કરી લોકોને જવાબદાર રાજતંત્ર આપવાની વાતો થતી હતી તે વખતે જ લોકમતને આમ ઠોકરે મારવામાં આવ્યો, તેથી આવનારા સુધારાના પોકળપણાનો લોકોને ખ્યાલ આવ્યો અને આપણું સ્વરાજ્ય આપણા જ પુરુષાર્થથી સ્થાપી શકાશે એની લોકોને પ્રતીતિ થઈ.

સરકારની બદદાનતનો એક બીજો પુરાવો પણ સરદારે આ વખતે મેળવ્યો. મુંબઈની કૉંગ્રેસ પૂરી થયા પછી અને વડી ધારાસભાની ચૂંટણીઓનું કામ ચાલતું હતું તે વખતે હિંદી સરકારના ગૃહખાતા તરફથી તેના સેક્રેટરી મિ. હેલેટે બધી પ્રાંતિક સરકારોને એક છુપો સરક્યુલર મોકલ્યો હતો. તે સરદારે પોતાની ખાનગી વ્યવસ્થાથી મેળવ્યો. એક તરફથી હિંદુસ્તાનના રાજ્યબંધારણમાં કરવા ધારેલા સુધારાની વિગતો આપતા જૉઈન્ટ પાર્લામેન્ટરી કમિટીનો રિપોર્ટ બહાર પડ્યો હતો અથવા બહાર પડવાની તૈયારીમાં હતો તે જ વખતે ગાંધીજી અને બીજા કૉંગ્રેસ નેતાઓ તરફ ભારે વહેમની નજરે જોતો અને લોકોમાં તેમની લાગવગ ભુસાઈ જાય એવી સૂચના કરતો આ સરક્યુલર જોઈને આપણને આશ્ચર્ય થયા વિના રહેતું નથી. બ્રિટનના તમામ મુત્સદ્દીઓ, પછી તે કન્ઝર્વેટિવ પક્ષના હોય, લિબરલ પક્ષના હોય કે મજૂર પક્ષના હોય, તેમને હિંદુસ્તાનને જવાબદાર રાજ્યતંત્ર આપવાનો માત્ર દેખાવ કરવો હતો. હિંદુસ્તાનની ધારાસભાઓ ઉપર જવાબદારી નાખવી હતી પણ તમામ સત્તા પોતાના હાથમાં રાખવી હતી. હિંદુસ્તાન સાથેના પોતાનો વેપાર સુરક્ષિત રહે અને દેશ ઉપર પોતાની પકડ મજબૂત રહે એવું સઘળા બ્રિટિશ મુત્સદ્દીઓ ઈચ્છતા હતા. અને તેમાં હિંદુસ્તાનના બ્રિટિશ સનંદી અમલદારોનો પૂરો સાથ હતો. ગમે તેટલા રાજકીય સુધારા કરવામાં આવે પણ સનંદી અમલદારોના લોખંડી ચોકઠામાં કોઈ પણ જગ્યાએ જરા સરખી પણ તડ પડે એ તેઓ ઈરછતા ન હતા. મુંબઈની કૉંગ્રેસમાં ગ્રામઉદ્યોગ સંઘની સ્થાપના કરવામાં આવી, કૉંગ્રેસના બંધારણમાં સુધારા કરવામાં આવ્યા અને ગાંધીજી કૉંગ્રેસમાંથી નીકળી ગયા, તેમાં પેલા મિ. હેલેટે ગાંધીજીની ઊંડી ચાલબાજી જોઈ. આ બધું તેઓએ મોટા અમલદારો પ્રત્યેના પોતાના તદ્દન ખાનગી પરિપત્રમાં બહુ વિકૃત રૂપમાં રજૂ