પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩
રાસ ગામે સરદારની ધરપકડ


કરવા ઇચ્છતો નથી અને ગુનો સ્વીકારું છું.’ પછી એણે ફેંસલો લખ્યો, અને તેમાંથી માત્ર સજા ફરમાવતો ભાગ મને વાંચી સંભળાવ્યો. મને એણે કહ્યું કે આ કલમ પ્રમાણે વધારેમાં વધારે સજા ત્રણ મહિનાની કેદ અને રૂ. ૫૦૦ દંડ થઈ શકે છે. એટલે હું તમને વધારે સજા કરી શકતો નથી. પછી મને મોટરમાં બેસાડ્યો અને બોરસદથી સીધો અમદાવાદની જેલમાં લાવીને મૂકી દીધો.”

પછી શ્રી. માવળંકરે થાડા સવાલો પૂછ્યા :

પ્ર∘ — ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ*[૧]ના ફેંસલામાં જણાવ્યું છે કે ડિસ્ટ્રિક્ટ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ મિ. બિલીમોરિયાએ ડિસ્ટ્રિક્ટ પોલીસ ઍક્ટની પ૪મી કલમ મુજબ તમને ભાષણ (harangue) ન કરવાની વિનંતી કરી. ડિસ્ટ્રિક્ટ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે તમને કાંઈ કહેલું ?
ઉ∘ — તેણે મને કશું કહ્યું નથી. મારે એની સાથે બિલકુલ વાત જ થઈ નથી.
પ્ર∘ — ફેંસલામાં આગળ લખ્યું છે કે તમે હુકમ માનવાની ના પાડી અને ભાષણ કર્યું. તમે કાંઈ ભાષણ કરેલું ?
ઉ∘ — મૅજિસ્ટ્રેટના સવાલના જવાબમાં હું બોલ્યો એટલું ‘ભાષણ’ કરેલું. મેં તેને કહ્યું કે હું ભાષણ કરવા ઇચ્છું છું. મારો આ ઇરાદો મેં જાહેર કર્યો એટલે મને પકડ્યો.
પ્ર∘ — ડિસ્ટ્રિકટ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ પોતાની ફરિયાદની પુષ્ટિમાં કહે છે કે તેણે તમને ચેતવણી આપી ત્યાર ૫છી તમે ભાષણ કરવાનો પ્રયત્ન કર્યો, એ વાત સાચી છે ?
ઉ∘ — તેણે મને કશી ચેતવણી આપી નથી. એ તો મૅજિસ્ટ્રેટની બાજુમાં ઊભો હતો, અને મૅજિસ્ટ્રેટ સાથે મારે જે વાત થઈ તે મેં ઉપર જણાવી છે. તે સિવાય એ લોકોને અને મારે કશી વાતચીત થઈ નથી. મેં ભાષણ કરવાનો પ્રયત્ન કર્યો નથી. મેં માત્ર મારો ઇરાદો જાહેર કર્યો હતો. જોકે મને પકડવામાં ન આવ્યો હોત તો હું જરૂર ભાષણ કરત.
પ્ર∘ — કેસનાં કાગળિયાંની સહીસિક્કાવાળી નકલો અમને મળી છે તે ઉપરથી જણાય છે કે ડિસ્ટ્રિક્ટ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને ફરિયાદપક્ષના સાક્ષી તરીકે તપાસવામાં આવ્યા હતા. એમની તપાસ તમારી હાજરીમાં અને તમે સાંભળી શકો એવી રીતે થઈ હતી ખરી?
ઉ∘ — મારી હાજરીમાં કશો જ પુરાવો લેવામાં આવ્યો નથી, અને હું કોર્ટમાં પાંચ મિનિટ રહ્યો તે દરમિયાન કોઈ સાક્ષીને તપાસવામાં આવ્યો નથી.
પ્ર∘ — તમારી સામે કશી ફરિયાદ તમને વાંચી સંભળાવવામાં આવી હતી?
ઉ∘ — ના.
પ્ર∘ — તમને એમ પૂછવામાં આવેલું ખરું કે કોઈ પણ સાક્ષીને તમારે કશા સવાલ પૂછવા છે?

  1. * આ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ મિ. માસ્ટર, તે એ જ ગૃહસ્થ જે ૧૯૧૭માં અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર હતા. અને જેમનાં પોલ સરદારે ઉઘાડાં પાડ્યાં તેથી જેમની ત્યાંથી બદલી થઈ હતી.