પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૭
જેલમાંથી છૂટ્યા પછીનું દોઢ વર્ષ


આ વરસનું એક બીજું મહત્ત્વનું કાર્ય એ ગણાય કે બ્રિટિશ પ્રધાનના કોમી ચુકાદાએ જુદી જુદી કોમો વચ્ચે ઝેરવેરનાં બીજ રોપ્યાં હતાં તે નાબૂદ કરી કોમી એખલાસ સ્થાપવા માટે જનાબ ઝીણા સાથે રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્રબાબુએ લાંબી વાટાઘાટો કરી. તા. ૨૩–૧–’૩પ થી તા. ૧–૩–’૩૫ સુધી લગભગ સવા મહિનો આ વાટાઘાટો ચાલી પણ તેમાંથી કશું ફળ આવ્યું નહીં. એટલે દેશમાં નિરાશાની લાગણી વ્યાપી.

૧૯૩૪ના જાન્યુઆરીમાં બિહારમાં ધરતીકંપ થયો હતો ત્યાર પછી લગભગ સોળ મહિને એટલે ૧૯૩૫ના મેની ૩૧મી તારીખે ક્વેટામાં ભયંકર ધરતીકંપ થયો. બિહારમાં પીડિત લોકોને રાહત આપવા માટે કૉંગ્રેસે જે કામ કર્યું હતું તેની લોકો ઉપર સારી અસર પડી હતી. પણ સરકારને તો લોકો આગળ કૉંગ્રેસનું નામ આવવા દેવું નહોતું એટલે કે એ લશ્કરી મથક છે અને સોલ્જરોની મદદથી રાહતનું કામ થઈ રહ્યું છે એવું બહાનું બતાવી કોઈ પણ કૉંગ્રેસીને ત્યાં રાહત માટે જવા દેવામાં આવ્યા નહીં. રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ જેમને બિહાર ધરતીકંપના રાહતકામનો તાજો જ અનુભવ હતો તેમણે તથા ગાંધીજીએ ત્યાં જવાની માગણી કરી. તેમને પણ જવાની પરવાનગી આપવામાં આવી નહીં. કૉંગ્રેસ તરફથી ક્વેટાની રાહત માટે બહુ મોટું ફંડ કરવામાં આવ્યું હતું, પણ ત્યાંથી જે કુટુંબ પાયમાલ થવાથી સિંધ, સરહદ પ્રાંત અથવા તો પંજાબમાં આવ્યાં હતાં તેમને રાહત આપવાના કામમાં જ એ ફંડનો ઉપયોગ કરી શકાયો. ધરતીકંપમાં જે લોકો મરી ગયા હતા અને જે લોકોને ખુવાર થવાથી અહીં આવતા રહેવું પડ્યું હતું તેમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા અને ઈશ્વરને પ્રાર્થના કરવા તા. ૩૦મી જૂનનો દિવસ આખા હિંદુસ્તાનમાં 'ક્વેટાદિન' તરીકે ઊજવાયો.

આવી પરિસ્થિતિમાં હિંદુસ્તાનના રાજ્યબંધારણમાં સુધારો કરતો કાયદો બ્રિટિશ પાર્લમેન્ટમાં ગવર્નમેન્ટ ઑફ ઈન્ડિયા એક્ટ તરીકે પસાર થયો. અને ૧૯૩પના જુલાઈની ૨જી તારીખે તેના ઉપર બાદશાહની મહોર લાગી. આ કાયદો પસાર કરાવવામાં સર સેમ્યુઅલ હોરે બહુ આગળપડતો ભાગ લીધો હતો. ચર્ચિલે તેનો એ રીતે વિરોધ કર્યો હતો કે આ કાયદો પસાર કરીને તો બ્રિટિશ પ્રજા શરણાગતિ સ્વીકારે છે. આમ બ્રિટિશ પાર્લમેન્ટમાં આ કાયદા ઉપર સામસામે ભારે તકરાર ચાલેલી. એક પક્ષને લાગતું હતું કે આંપણે આપવું જોઈ એ તે કરતાં બહુ વધારે આપીએ છીએ, ત્યારે બીજા પક્ષને લાગતું હતું કે હિંદુસ્તાનની પ્રજાને રીઝવવા ખાતર, આપીએ છીએ તે કરતાં વધુ આપવાની જરૂર છે. આ બીજો પક્ષ હિંદુસ્તાનના નેતાઓને કહેતો હતો કે અમે અમારા જ પક્ષના માણસો સાથે આટલું આટલું લડીને હિંદુસ્તાનના