પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૯
નરીમાન પ્રકરણ — ૨

આપવા એમ કહેવું. આ સૂચના પાછી ખેંચાવવા શ્રી મુનશી તરફથી કામ કરનાર તેમના એજંટોએ શ્રી નરીમાનને સમજાવવા બહુ પ્રયત્ન કર્યા પણ શ્રી નરીમાને માન્યું નહીં. શહેરમાં પણ સખત અફવા ચાલી કે ડૉ. દેશમુખને દાદરમાં બંને મત અપાવીને શ્રી મુનશીની સ્થિતિ નરીમાને બહુ બગાડી છે.

તા. રરમી નવેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થયું ત્યારે શ્રી નરીમાને આપેલી આ સુચનાથી કૉંગ્રેસને તેમણે કેટલું નુકસાન કર્યું હતું તેનો ખ્યાલ આવ્યો. પરિણામ નીચે પ્રમાણે આવ્યું :

ડૉ. દેશમુખ ૧૯,૮૭ર મત
સર કાવસજી ૧૮,૧૪૦ મત
શ્રી મુનશી ૧૭,૦૧૫ મત

આ પરિણામ ઉપરથી ચોખ્ખું દેખાય છે કે દાદર મથકે શ્રી નરીમાને આપેલી સૂચનાથી ગરબડ ન થઈ હોત તો ડૉ. દેશમુખ અને શ્રી મુનશી બંને કૉંગ્રેસ ઉમેદવાર ચૂંટાઈ જાત અને સર કાવસજી રહી જાત. કારણ મતદાનનું પૃથક્કરણ કરતાં એમ જણાયું હતું કે દાદરમાં ડૉ. દેશમુખને ૮૦૦ થી ૧૦૦૦ બેવડા મત મળ્યા હતા. છાપાંઓમાં પણ શ્રી નરીમાન ઉપર આ વિષે બહુ સખત ટીકાઓ થઈ

ડિસેમ્બર મહિનામાં એક વાર શ્રી નરીમાન શ્રીમતી લીલાવતી મુનશીને લઈને સરદાર પાસે ગયા અને ફરિયાદ કરી કે શ્રીમતી લીલાવતી તેમના ઉપર આરોપ મૂકે છે કે ગઈ ચૂંટણીમાં મેં જ શ્રી મુનશીનું બગાડ્યું છે. આ ઉપરથી સરદારે શ્રી નરીમાનને સાફ સાફ સંભળાવ્યું કે “શ્રીમતી લીલાવતી શું ખોટું કહે છે ? ચૂંટણીઓમાં તમે જે ભાગ ભજવ્યો છે તે મારી તો સમજમાં જ આવતો નથી. તમે કૉંગ્રેસને દગો દીધો છે એ નિર્ણય ઉપર આવવા સિવાય બીજો વિકલ્પ મારી પાસે નથી. તમે આવી ખરાબ રીતે ન વર્ત્યા હોત તો સર કાવસજી કદી ફાવત નહીં. માટે આ બાબતમાં હવે તમારે તો કોઈની સામે ફરિયાદ કરવાપણું છે જ નહીં.” આ બધું સરદાર એમને સંભળાવતા હતા ત્યારે આ બાબતની તપાસ થવી જોઈએ એવો એક હરફ પણ તેમણે ઉચ્ચાર્યો નહીં.

પછી ૧૯૩પના માર્ચમાં મુંબઈ કૉર્પોરેશનના મેયરની ચૂંટણી વખતે પ્રો. કે. ટી. શાહે શ્રી નરીમાનને મત આપવાની ના પાડી, એમ કહીને કે, વડી ધારાસભાની ગઈ ચૂંટણી વખતે તમે સીધી રીતે વર્ત્યા નથી. તમારા વર્તન બાબત જાહેર તપાસ ન થાય ત્યાં સુધી હું તો તમને મત આપું જ નહીં. શ્રી નરીમાને મેયરની ચૂંટણી પૂરી થઈ ગયા પછી આવી તપાસ