પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩
સાબરમતી જેલમાં


ખર્ચ અમારે ખાતે પડવું જોઈએ. અમને પ્રતિકૂળ સીધુંસામાન આપવાની ગોઠવણ કરી, અમે વાપરી ન શકીએ તે અમને આપવામાં આવે તો તે અમે કબૂલ નહીં રાખીએ. અમારે ખાતે કંઈ પણ નકામું ખર્ચ થાય તે અમે ઇચ્છતા નથી. આ સંબંધમાં સરકારમાં લખાણ કરવા તેણે કહ્યું. પછી મનસુખલાલ અને કસ્તૂરભાઈ મળવા આવ્યા. બેઉને ખાદીનાં કપડાંમાં જોયા. તેથી બહાર પ્રવૃત્તિ ઠીક ચાલતી હશે એમ ભાસ થયો. આપણા કેદીઓની સંખ્યા વધી પડી એટલે બીજો એક વૉડ ખાલી કરી કુલ ત્રણ વૉર્ડ અમારે સ્વાધીન કર્યાં.

તા. ૧૨-૪-’૩૦ શનિવાર : હંમેશ મુજબ. બપોરે સુપરિન્ટેન્ડેન્ટ સાથે વાત થઈ.

તા. ૧૩–૪–’૩૦ રવિવાર: સવારે આઈ. જી. પી. મેજર ડૉઈલ તથા કમિશનર ગૅરેટ આવ્યા. ડૉઈલે ખૂબ સભ્યતાથી વાતો કરી. જોઈતુંકરતું હોય તે પૂછ્યું. મેં જમનાલાલજીની ખબર પૂછી. થાણા જેલમાં તે મળીને આવ્યો હતો. જમનાલાલજી મોજ કરે છે એમ કહ્યું. એણે કાકાની ખબર પૂછી. કાકીના મરણ બાબત ખેદ જાહેર કર્યો. મણિલાલને તપાસ્યો અને એને બહારની દવા લાવવા દેવાની રજા આપી. પછી એણે અમારા ખોરાકની વાત કરી. હાલના ‘ફલૅટ રેઈટ’ (ઉચ્ચક રકમ) માં ફેરફાર કરવાનો વિચાર જણાવ્યો. અત્યારે ખર્ચ ૦–૯–૧૦ એ બી ક્લાસના દર કેદી દીઠ આવતું હતું તેને બદલે સાત આના કરવા વિચાર જણાવ્યો. અને મારી સંમતિ અગર સલાહ માગી. મેં સંમતિ અગર સલાહ આપવાની જવાબદારી લેવા ના પાડી અને સાફ જણાવ્યું કે તમારે જે દર મંજૂર કરવો હોય તે કરો. પરંતુ તે દરની અંદર શી શી ચીજો રોજ ખરીદવી તે અમારી મુનસફી ઉપર રાખવું જાઈએ. અમને પ્રતિકૂળ ખોરાક ગોઠવી તેમાંથી ઘણી ચીજો નકામી પડે તેમ ન થવું જોઈએ. એ વાત એણે કબૂલ કરી. પછી કેટલું ખર્ચ ઓછું થઈ શકે તે ઉપર વાત કરવા લાગ્યો, ત્યારે ફરીથી એને સાફ જણાવ્યું કે અમે ખરાબમાં ખરાબ ટ્રીટમેન્ટ માટે તૈયાર થઈને આવેલા છીએ. એટલે તમે રોજનો એક આનો નક્કી કરશો તો પણ અમે કંઈ જ ફરિયાદ કરવાના કે કોઈ જાતની મહેરબાની માગવાના નથી. માત્ર આખા ઇલાકા માટે રેઈટ નક્કી કરવામાં અમે સંમતિ આપવાના નથી. તેની સાથે અમે કોઈ જાતને વાંધો પણ ઉઠાવીશું નહીં.

પછી ગૅરેટ સાથે બારડોલીની વાત થઈ. કમિટીની છેવટની ભલામણો સંબંધી હમણાં જે જી. આર. બહાર પડ્યો છે તેમાં કેટલીક ચૂક થયેલી છે તે વિષે મેં કહ્યું. તેની એણે નોંધ કરી. મેં એને એ પણ કહ્યું કે બધા મુખ્ય કામ કરનારા જેલમાં છે ત્યાં સુધી વિશેષ તપાસ હાલ મુલતવી રાખવી જોઈએ. પણ તેણે માન્યું નહી. એટલે મેં એને દિલની વાત સંભળાવી દીધી. એણે કહ્યું કે લોકો મહેસૂલ ભરતા નથી. મેં કહ્યું કે ન જ ભરવું જોઈએ. થોડા આગેવાનોને કેદમાં પૂરી મહેસૂલ વસૂલ કરવાની ઉમેદ રાખવી, એ કેવી ભૂલ છે તેનો હવે પૂરો અનુભવ થશે તે પણ સંભળાવ્યું. સાથે સાથે કહી દીધું કે મહેસૂલ ખાતામાં તારા જેવા કઠણ અને કડક અમલદાર મેં જોયા નથી. માતર મહેમદાવાદમાં તેણે કરેલા કારરતાનની શરૂથી ઠેઠ સુધીની હકીકત તેને સંભળાવી. પછી એ ચાલ્યા ગયો.