પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૨
સરદાર વલ્લભભાઈ
કૉંગ્રેસ આગ્રહ કરે છે, અને તેમને ખાતરી આપે છે કે કૉંગ્રેસ સત્તા ઉપર હોય કે ન હોય એવા બધા પ્રાંતોમાં રાજદ્વારી કેદીઓની મુક્તિ માટે તમામ વાજબી અને શાન્તિમય ઉપાયોથી પ્રયત્ન કરવાનું કોંગ્રેસ ચાલુ રાખશે.”

આ ઠરાવ સરદારે જ રજૂ કર્યો હતો. તેના ઉપર બોલતાં તેમણે જણાવ્યું કે,

“આપણે જ્યારે હોદ્દાનો સ્વીકાર કર્યો ત્યારે જ બ્રિટિશ સલ્તનત જાણતી હતી, વાઈસરાય જાણતા હતા અને ગવર્નરો પણ જાણતા હતા કે ચૂંટણી વખતે કરેલા જાહેરનામા પ્રમાણે બધા રાજદ્વારી કેદીઓને આપણે છોડી મૂકવાના છીએ. તે વખતે ગવર્નરો કશું બોલ્યા નહીં. એમણે થોડી ચાલાકી કરી. આપણે પણ થોડી ભૂલ કરી, કારણ કે તે વખતે આપણને અનુભવ ન હતો. ગવર્નરે કહ્યું કે કેદીઓને તમે જરૂર છોડી શકો છો. પરંતુ જેઓ અહિંસક રહીને જેલમાં ગયેલા છે તેમને તરત છોડી દો, અને જેઓ હિંસાનો ગુનો કરીને જેલમાં ગયેલા છે, તેમના દરેકના મુકદ્દમા તમે તપાસી જાઓ અને તમને ઠીક લાગે એમને છોડવાની ભલામણ કરો. આપણા પ્રધાનો મુકદ્દમા તપાસવા બેઠા અને જે કેદીઓને છોડવાનું કહ્યું એમની બાબતમાં ગવર્નરે કંઈક ને કંઈક વાંધા બતાવવા માંડ્ચા. અહીં જ આપણી ભૂલ થઈ. આપણા પ્રધાનો તો કહી દેવું જોઈતું હતું કે મુકદ્દમા તપાસવાની કશી જરૂર નથી. અમારે તો બધા રાજદ્વારી કેદીઓને છોડી દેવા છે. તેની જવાબદારી અમારે માથે રહેશે. પ્રાંતના શાસનની જવાબદારી અમારી ઉપર છે. જો એ કેદીઓ બહાર આવીને બળવો કરશે અથવા હિંસા કરશે તો અમે તેમને ફરી કેદ કરીશું. અને હવે બાકી કેટલા કેદીઓ રહ્યા છે? આવડા મોટા યુક્ત પ્રાંતમાં અત્યારે આવા ફક્ત પંદર કેદીઓ રહ્યા છે. શું આ પંદર કેદીઓને છોડવાની પણ આપણા પ્રધાનોને સત્તા નથી ? સત્તા ન હોચ તો પછી પ્રધાન શેના ? મને તો પહેલેથી જ શંકા હતી કે આ નવા બંધારણથી આપણા મુલકની સ્વતંત્રતાનો પ્રશ્ન ઉકેલાવાનો નથી. મને તો શંકા હતી કે આ નવું બંધારણ આપણને ફસાવવાની ચાલબાજી છે. આપણા પ્રધાનો ત્યાં કંઈ મુકદ્દમાની ફાઈલો વાંચવા ગયા નથી. વળી આ કેદીઓ પાસેથી આપણને ખાતરી મળી છે કે તેમના વિચારો બદલાઈ ગયા છે. કૉંગ્રેસની નીતિ ઉપર તેમને વિશ્વાસ બેઠો છે — અને છૂટ્યા પછી કૉંગ્રેસના આદેશ પ્રમાણે તેઓ કામ કરવા ઇચ્છે છે. આવી સ્થિતિમાં ગવર્નરની શી મગદૂર છે કે પ્રધાનોના કામમાં તે દખલ કરે ? એથી તો પ્રધાનોનું સ્વાભિમાન હણાય છે. એમ કહેવામાં આવે છે કે કેદીઓને છોડી મૂકવામાં આવશે તો પંજાબ અને બંગાળમાં બળવો થઈ જશે, અને એ બે પ્રાંતોની સુલેહ અને વ્યવસ્થા જોખમમાં આવી પડશે. હું તો એ વસ્તુ માની જ શકતો નથી કે પંદર માણસને છોડી મૂકવાથી બે પ્રાંતોમાં શી રીતે શાન્તિભંગ થઈ જાય ? પંજાબ અને બંગાળના પ્રધાનો જો આમ ડરતા હોય તો તેઓ તદ્દન નાલાયક હોવા જોઈએ. આપણે તો હોદ્દા સ્વીકાર્યો એટલે આપણો ધર્મ થઈ પડ્યો છે કે પ્રજાની ઇચ્છા પ્રમાણે આપણે રાજ્ય ચલાવવું. જે માણસોએ દેશની આઝાદીને માટે આટઆટલું વેઠ્યું છે તેમને આપણાથી જેલમાં રખાય જ કેમ ? તેઓ દેશની આઝાદીને માટે પોતાના પ્રાણ