પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૩૯
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨

હત અને વધતી જતી ચળવળને દાબી હોત તથા ઝેરી સભાઓની બંધી કરી હોત તો આ બધું ટાળી શકાત, અથવા ઘણું ઓછું થઈ શકયું હોત. અત્યારે તો એવી સ્થિતિ ઊભી થઈ છે કે રાજકોટનું રાજ્ય અને તેનો ઠાકોર જાણે હસ્તી જ ધરાવતા નથી. મારા રાજ્યને અને મારી રૈયતને આટલાં બધાં દુ:ખ વેઠવાં પડ્યાં છે, અને હજી દુ:ખ વેઠે છે, તે જોઈને મારા જેટલી દિલગીરી બીજા કોઈને ન થાય. આ સ્થિતિ જો ચાલુ રહેવા દેવામાં આવશે તો રાજ્યને અને રૈયતને કેટલું વધારે સહન કરવું પડશે તે કહી શકાતું નથી.

“ મેંં જ સર પેટ્રિકને બોલાવ્યા છે અને તેમને દીવાન બનાવ્યા છે. પણ કમનસીબે તેઓ ચળવળને દાબી દેવામાં નિષ્ફળ નીવડ્યા છે. ચળવળ તો પ્રતિદિન અને પ્રતિક્ષણ વધતી જ જાય છે અને વધારે જોર પકડતી જાય છે. પ્રતિદિન રાજ્ય અને રૈચતના હિતને તે નુકસાન કરતી જાય છે. રાજા તરીકે મારી પ્રતિષ્ઠા અને મારું ગૌરવ કંઈ રહ્યું નથી.

"આ સંજોગોમાં મને બે જ રસ્તા દેખાય છે. એક તો મારે બધું જોયાં કરવું, રાજ્યની આવકનાં સાધનો બંધ થઈ જવા દેવાં તથા રાજ્યની પાચમાલી થવા દેવી; અથવા તો દિવાળી પહેલાં આ ઘરનો કજિયો પતાવી નાખવો અને રેચતની વાજબી માગણીઓ સંતોષીને લોકોને રીઝવવા તથા શાંત પાડવા.

“ અંગત રીતે બીજો માર્ગ મને વધારે હિતકારી લાગે છે. એ જ માર્ગ મારે સ્વીકારવો જોઈએ. મારાથી રાજ્ય પાયમાલ થાચ તે જોઈ શકાય જ નહીં. એટલે લોકોના તથા રાજ્યના ભલાની ખાતર આ ઝઘડો જેટલો વહેલો પતી જાય તેટલું સારું. લોકોની વાજબી માગણીઓને સતોષીને હું મારા લોકો સાથે પતાવટ કરી નાખીશ. સર પેટ્રિકે મારી નીતિનો અમલ નથી કર્યો, માટે તેમણે દીવાનપદ છોડવું જોઈએ. અમે જેટલા વહેલા છૂટા પડીએ એટલું સારું છે. આપને જાણીને નવાઈ લાગશે કે અમારી વચ્ચે મેળ ખાવો અશક્ય છે. કારણ એણે મારા વર્તનને વખોડી કાઢ્ંયુ છે અને એટલે સુધી મને ધમકી આપી છે કે તેનાં ગંભીર પરિણામો આવશે. આ બધુ તેમણે ૧લી ઓકટોબરે મને લખેલા કાગળમાં જણાવ્યું છે.

"માસિક રૂપિયા અઢી હજારનો ભારે પગાર આપીને હું મારો દીવાન લાવું તેની સામે મારા લોકો સખત વાંધો ઉઠાવશે એ હું જાણતો હતો. હું એ પણ જાણતો હતો કે મારું આ કાર્ય મારા બીજા રાજવી બંધુઓને પસંદ નહીં પડે. આમ છતાં હું સર પેટ્રિકને લાવ્યો, એ જ આશાએ કે અત્યારની મુશ્કેલ પરિસ્થિતિમાં એ મને ઉપયોગી થઈ પડશે. પણ હું કહું તેની આપ ક્ષમા કરશો કે મારી ધારણા જરા પણ પાર પડી નથી. અને તેથી તેઓ જલદી અહીંથી જાય એ જરૂરનું છે. આવી કમનસીબ સ્થિતિ માટે મને દિલગીરી થાય છે. પણ હું લાચાર છું. આટલા વહેલા સર પેટ્રિકની સેવાઓ મારે જતી કરવી પડી છે તેનો આપ અનર્થ નહી કરો એવી હું આશા રાખું છું. એ કહેવાની જરૂર નથી કે હું તેમને છ મહિનાનો પગાર આપી દેવા ખુશી છું. મેં સર પેટ્રિકને કાગળ લખ્યો છે તેની નકલ આ સાથે બીડું છું.