પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૪૯
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨

આવ્યું. એ મુલાકાતની પણ મેં માગણી કરી નહોતી, પણ મારે મુંબઈ જવાનું જ હતું એટલે પેલા દીવાને ટેલિફોન કરી શ્રી વલ્લભભાઈ સાથે મારી મુલાકાત ગોઠવી.

“ મને એવું જરા પણ સૂચવવામાં આવ્યું નહોતું કે રાજકોટ દરબાર આ મુસદ્દો સ્વીકારવાને બંધાયેલા હતા. જો ઉઠાવેલા મુદ્દા વિષે શ્રી વ૯લભભાઈ પટેલને વાંધા હશે તો એ મુદ્દાઓ હું જતા કરીશ એવી પણ વાત થઈ નહોતી.

“ મેં તો તરત જ પૂછેલું કે શ્રી વલ્લભભાઈ સૂચવે છે એવી કમિટી જો નીમવામાં આવે તો રાજાના અધિકાર કેટલા રહેશે ? એ મુલાકાત ખાનગી હોવાથી શ્રી વલ્લભભાઈએ જે શબ્દો કહ્યા તે અહીં ઉતારવાનું મને ગમતું નથી, છતાં મારે તે ઉતારવા પડે છે. તેમના શબ્દો એ હતા કે રાજા આવકના દસ ટકાનો જમીનદાર થઈ રહેશે. એટલે કે જમીનદાર તરીકે તેને આવકનો દસ ટકા ભાગ મળશે. અને રાજા તરીકે તેનું અમુક ગૌરવ જળવાશે તે ઉપરાંત તેને કશા અધિકાર રહેશે નહીં.

“ ઠાકોરસાહેબે અઠવાડિયા ૫છી પોતાની પ્રજા પ્રત્યે જે જાહેરનામું બહાર પાડ્ંયુ છે અને રાજ્યમાં અમુક સુધારા દાખલ કરવાનો પોતાનો ઈરાદો જાહેર કર્યો છે તેમાં શ્રી વલ્લભભાઈ પટેલ સાથે થયેલી ચર્ચાનો ઉલ્લેખ કર્યો નથી. કારણ તેની સાથે એને કશો સંબંધ નહોતો. શ્રી વલ્લભભાઈ પટેલ એમ કહે છે કે મારી સાથે તેમને થયેલી વાતચીતને લીધે રાજાને પોતાની પ્રજાને કશું કહેવાનો અધિકાર નથી. એ વસ્તુ માન્ય થઈ શકે એવી નથી.”

સરદારે સર પિટ્રિક કૅંડલને નીચે પ્રમાણે જવાબ આપ્યો :

"મારા નિવેદનનો સર પેટ્રિકે જે જવાબ આપ્યો છે તે હું ધ્યાનપૂર્વક વાંચી ગયો છું. તેમાંથી બે વસ્તુઓ સ્પષ્ટ તરી આવે છે. ઠાકોરસાહેબે બહાર પાડવાના જાહેરનામાને મુસદ્દો જોયાનું તે કબૂલ કરે છે. એની નકલ એમણે ન કરી લીધી તો એ એમનો દોષ હતા. તેની નોંધ કરી લીધાનું તે પોતે કબૂલ કરે છે તેમ કેટલાક મુદ્દા જેને વિષે મારી પાસેથી તેમને વિશેષ ચોખવટ કરાવવી હતી તે નોંધી લીધાનું પણ પાતે કબૂલ કરે છે. તેમના જવાબ ઉપરથી જણાય છે કે આ મુસદ્દો જે ગાંધીજીએ તૈયાર કરેલો હતો અને જે મેં માન્ય રાખ્યો હતા તે સ્વીકારી લેવાને ઠાકોરસાહેબ બંધાયેલા હતા. એમ ન હોય તો તેમણે એ મુસદ્દો જોયો, એનું ટાંચણ કરી લીધું અને મારી સાથે ચર્ચવાના મુદ્દા ઉતારી લીધા તેનો બીજો શું અર્થ થઈ શકે ? એટલો જ અર્થ થઈ શકે કે તેમણે જે મુદ્દા કાઢ્યા હતા તે બાદ રાખતાં આખો મુસદ્દો તેમને પણ માન્ય હતો. શું ઠાકોર સાહેબના શબ્દની કશી કિંમત નથી ? શું સર પેટ્રિક એક દીવાન તરીકે પોતાના રાજાની ઇચ્છાની અવજ્ઞા કરી શકે ? જે રાજકોટની પ્રજા ઠાકોરસાહેબનાં વચનોનો અમલ થાચ એ જોવાને પોતાનો ધર્મ માને છે તેઓ શું કહેશે ? મારે એ સાબિત કરવાનું પ્રસ્તુત નથી કે જે ત્રણ મુદ્દાઓ તેમણે ઊભા કર્યા હતા તે જો હું માન્ય ન રાખું તો તે ઉપર આ સમાધાન તેઓ તોડી શકે નહીંં. તેમણે જે જવાબ આપ્યો છે તે ઉપરથી જ હું તો દાવો કરું છું કે કહેવાતા સુધારાઓનું જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેમાં ઠાકોરસાહેબના તેમ જ તેમના પોતાના વચનનો ભંગ થાય છે.