પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૮
સરદાર વલ્લભભાઈ


આ બધો વખત રાજકોટમાં અને ગામડાંમાં લડત બહુ જોશમાં ચાલતી હતી. ધરપકડો અને ત્રાસજનક મારપીટ છતાં પ્રજાપરિષદના કાર્યક્રમો ચાલુ જ હતા.

હલેન્ડા નામના એક ગામે બહુ સખત લાઠીમાર કરવામાં આવેલો. ઘણાં માણસો સખત ઘાયલ થયાં હતાં. રાજ્ય તરફથી તેમની સારવારની કશી વ્યવસ્થા કરવામાં ન આવી એટલું જ નહીં, પણ રાજકોટથી રેડક્રૉસના દાક્તરો અને સારવાર કરનારી ટુકડીઓ ત્યાં જવા નીકળી તેમને હલેન્ડા જતાં રોકવામાં આવ્યા. તા. ૭–૨–’૩૯ના રોજ ભાઈ શ્રી જાદવજી મોદી સરદાર ઉપરના એક કાગળમાં લખે છે :

“પહેલાં સૈનિકોને લાઠીથી મારતા તે દેખી શકાતું, પણ હવે તેઓએ બીજી રીત અખત્યાર કરી છે. બધા ભેગા થઈ ખૂબ ગડદાપાટુ મારે છે. બેત્રણ કિસ્સા એવા બન્યા છે કે જ્યાં સૈનિકોના પગ તેની ગરદન ઉપર ચડાવી, એ પગ વચ્ચેથી તેના હાથ કઢાવી તેનો આકાર દડા જેવો બનાવે છે. પછી એક પોલીસ એવી સ્થિતિવાળા સૈનિક ઉપર ચડી બેસે છે અને હાથની રગ દબાવે છે. આવી હાલતમાં તેમની બીજી નસો પણ ખેંચાય છે અને એને ભારે ત્રાસ અને તીવ્ર વેદના થાય છે.”

આગળ સરધાર જેલની વાત આવશે. ત્યાં પણ આ જાતનો ત્રાસ ત્રણેક કેદીઓ ઉપર ગુજારવામાં આવેલ. આવા જુલમ અને ત્રાસ છતાં લોકોનો જુસ્સો દાબી શકાયો નહીં. આઠ દિવસમાં પ્રજાને દબાવી દેવાની દરબાર વીરાવાળાએ આશા રાખેલી પણ તેની મુરાદ બર આવી નહીં, એટલે એણે બીજો પેંતરો રચ્યું. રાજકોટની જેલમાં લગભગ સો કેદી હતા, તેમાંથી ત્રીસેક જણને રાતોરાત સરધાર ઉપાડ્યા. સરધારમાં એક જૂનો રાણીવાસ હતો તેની જેલ બનાવી. તેમાં ભોંયરા જેવા કેટલાક એારડા હતા. તે ઓરડાની પહોળાઈ અને ઊંચાઈ આશરે છ ફૂટ અને લંબાઈ વીસેક ફૂટ હતી. કેટલાંયે વરસથી અવડ એટલે ચામાચીડિયાંનો પાર નહોતો. તેની અઘારની ભારે દુર્ગધ મારતી. આ ભંડકિયા જેવા એારડાઓને નાના દરવાજા અને બહુ જ નાની બારીઓ હતી. એ મકાનની અડોઅડ એક તળાવ હતું. તેનું પાણી બહુ ગંદુ અને બંધિયાર હોઈ મચ્છરનાં ટોળેટોળાં ત્યાં ઊભરાતાં હતાં. આવા એક એક ભંડકિયામાં વીસ વીસ કેદીઓને પૂર્યા. દરેક સૈનિક પાસેથી પહેરેલ કપડાં સિવાયનાં કપડાં, ઓઢવાનાં વગેરે લઈ લીધું. એક ભંડકમાં પાણી તથા પેશાબ માટે એક એક માટલું આપ્યું અને બધા વચ્ચે પાથરવા માટે જૂનું ફાટેલું બૂંગણ આપ્યું. અડધું પાથરે અને અડધું ઓઢે. આટલી સગવડ પણ એક જ ભંડકિયામાં, બાકીનાં ત્રણમાં તો બૂંગણ પણ નહીં અને પાણી-પેશાબનાં માટલાં પણ નહીં. જેમનાથી