પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૯
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨

મને એવા દબાણનું સૂચન માનવાને સારુ કશો પુરાવો જડ્યો નથી. ઊલટું શ્રી વલ્લભભાઈ ઉપર પાછળથી લખાયેલા કાગળમાં તેથી વિરુદ્ધનો પુરાવો સારી પેઠે મળી આવે છે.
“મને ખાતરી થઈ છે કે દબાણ થયાનું સૂચન કશા કાયદેસર અર્થમાં ટકી શકે એમ નથી. ઠાકોરસાહેબે શ્રી વલ્લભભાઈને આપેલ કાગળ દરબાર વીરાવાળાના પોતાના જ શબ્દોમાં મિત્રભાવે લખાયેલો છે. આ વાતને શ્રી વલ્લભભાઈ પટેલ ઉપર ઠાકોરસાહેબે વળતે દિવસે લખેલા બીજા કાગળ ઉપરથી ટેકો મળે છે. તેમાં તેઓ લખે છે :
“ ‘તમે રાજકોટ આવ્યા તે બદલ હું તમારો ઘણો જ આભારી છું. આ પ્રકરણનો અંત લાવવામાં તમે મને જે રીતે મદદ કરી છે તેની હું ખૂબ કદર કરું છું.’ ”.
“ તા. ૨૬–૧૨–’૩૮નો કાગળ પ્રગટ કરવામાં આવ્યો ન હતો અને તેમ કરવાનું કશું કારણ પણ ન હતું. હું તો એ કાગળને ઠાકોરસાહેબે જાતે શ્રી વલ્લભભાઈને આપેલ એક ખબરના કાગળ તરીકે જ ગણું છું કે, ગૅઝેટમાં પ્રગટ થયેલા જાહેરનામાની રૂએ જે નામો “હવે પછી જાહેર થવાનાં હતાં” તે જાહેરનામાના મુસદ્દામાં જણાવ્યા પ્રમાણે શ્રી વલ્લભભાઈ પટેલની ભલામણ મુજબ જ થવાનાં હતાં.
“ઠાકોરસાહેબ તરફથી રજૂ કરવામાં આવેલી લેખી કેફિયતમાં કરેલી દલીલનો સાર આ પ્રમાણે છે : ‘ભલામણ શબ્દ જ ચોખ્ખું બતાવે છે કે દરેક નામ વિચારમાં લેવાશે અને એ પ્રમાણે વિચારતાં ભલામણ કરવામાં આવેલ હર કોઈ શખ્સનું નામ, દાખલા તરીકે અમુક વ્યક્તિ અનુકુળ નથી, બાહોશ નથી અગર તો અનિચ્છનીચ છે એવા કોઈ કારણસર રદ કરવાનો ઠાકોરસાહેબ મુખત્યાર છે.’ એકલા ભલામણ શબ્દના આધાર ઉપર આવી કોઈ દલીલ ઊભી કરી શકાય નહીં. ભલામણ શબ્દમાં સ્વતંત્રપણે એવો કશો અર્થ સમાતો નથી. આગલા પાછલા સંદર્ભ ઉપરથી જ એનો અર્થ બેસાડી શકાય અને તે પ્રમાણે જોતાં બનેલી બીનાના બધા સંજોગો ધ્યાનમાં લેવાવા જોઈએ. … જાહેરનામાના મુસદ્દામાં જ્યાં શ્રી વલ્લભભાઈ પટેલ સભ્યોની ભલામણ નિમણૂક માટે કરે એમ કહેવામાં આવ્યું છે ત્યાં મારી નજરે તો તેનો એક જ અર્થ હોઈ શકે કે શ્રી વલ્લભભાઈ પટેલ જે સભ્યોની ભલામણ કરે તેમની નિમણુક ઠાકોરસાહેબે કરવાની છે.”

આમ ચુકાદો સંપૂર્ણપણે સરદારની તરફેણમાં આવ્યો. સૌએ એને સરદારના સંપૂર્ણ વિજય તરીકે વખાણ્યો. ત્યાર પછી તા. ૭મી એપ્રિલે વાઈસરૉય તરફથી કાગળ આવ્યો. તેમાં ચક્રવર્તી સત્તા તરફથી ચોખ્ખી બાંયધરી હતી કે ઠાકોરસાહેબ પોતાનું વચન પૂર્ણપણે પાળશે અને તેને અંગે ઘટતું બધું કરવામાં આવશે. આ બાંયધરી લઈને ગાંધીજી દિલ્હીથી રાજકોટ જવા