પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૨
સરદાર વલ્લભભાઈ

“તા. ૨૬મી ડિસેમ્બરના આપના જાહેરનામામાં કમિટીએ રિપોર્ટ પૂરો કરવાની ને આપની આગળ રજૂ કરવાની મુદત એક માસ અને ચાર દિવસની રાખી હતી. તેથી વધારે મુદત હવે પણ ન હોઈ શકે, એ વાત ઉપર આપનું ધ્યાન ખેંચું છું. બીજી લડત દરમ્યાન જપ્તીઓ અને દંડ થયા, બીજી દમનનીતિ ચાલી, એ બધી રદ કરવાની આવશ્યકતા છે, એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય.
મોહનદાસના આશીર્વાદ”
 
આ કાગળ મારી સંમતિથી લખાયેલો છે અને આમાં આપેલાં નામો મેં આપેલાં છે.
વલ્લભભાઈ પટેલ”
 

આ કાગળની વાત બહાર પડતાં જ મુસલમાનો તથા ભાયાતોએ ગાંધીજી ઉપર વચનભંગનો આક્ષેપ જાહેરમાં મૂક્યો અને તેમની સામે સત્યાગ્રહ કરવાની ધમકી આપી, તા. ૧૬મીએ ગાંધીજી પાસે એવી ખબર આવી કે સાંજની પ્રાર્થના વખતે રાજકોટના ભાયાતો અને મુસલમાનો કાળા વાવટા બતાવવાના છે તથા ગાંધીજી માટે ખાસડાંનો હાર પણ તૈયાર કરી રાખવામાં આવ્યો છે. ગાંધીજીએ આ વાતને હસી કાઢી, પણ ન કરે નારાયણ અને પેલી સાંભળેલી વાત ખરી ઠરે તો તેઓ તેને વધાવી લેવાને તૈયાર હતા. એટલે તેમણે પોતાના માણસોને સ્પષ્ટ સૂચના આપી રાખી કે મારી પાસે કોઈ પણ માણસ ગમે તે ઈરાદાથી આવવા માગે તો તેને છૂટથી આવવા દેવો ને કોઈએ વચમાં એને રોકવો નહીં. રોજની પેઠે તે દિવસે ગાંધીજી મોટરમાં બેસીને રાષ્ટ્રીય શાળાએ પ્રાર્થના માટે પહોંચ્યા. લગભગ એ જ વખતે એક વિરોધ કરનારાઓનું ટોળું ત્યાં સરઘસના આકારમાં પહોંચ્યું.

પ્રાર્થના ચાલી એટલે બધો વખત આ દેખાવ કરનારાઓએ બૂમો ને કિકિયારીઓ પાડ્યાં કરી. પ્રાર્થના પૂરી થયા પછી ગાંધીજી ઉતારે જવા ઊઠ્યા ત્યારે પેલા દેખાવો કરનારાઓ ધક્કામુક્કી કરીને, પ્રાર્થનાભૂમિ ઉપર ધસ્યા. ધૂળના ગોટા ને બુમરાણથી કશું દેખાવું કે સંભળાવું મુશ્કેલ થઈ ૫ડ્યું, કેટલાક મિત્રોએ ગાંધીજીની આસપાસ સાંકળ રચવા પ્રયત્ન કર્યો. ગાંધીજીએ એમને રોક્યા અને કહ્યું : “હું કાં તો અહીં બેસીશ અથવા ટોળાંમાં થઈને એકલો જઈશ. મને એકલાને છોડો. તમે કોઈ વચમાં ન આવો.” એમ કહી તેઓ ટોળાંમાં ઘૂસ્યા. થોડી વારમાં એમને તમ્મર આવ્યાં, એમણે આંખો મીંચી દીધી અને પ્રાર્થના કરતા જણાયા. એક મિનિટમાં એમને કળ વળી એટલે ટટાર થઈ આંખ ઉઘાડી બધાને આજ્ઞા કરી કે, “તમે કોઈ મારી સાથે ન આવો, એ લોકોને મારું રક્ષણ કરવું હશે તો કરશે. તમે બધાં ખસી જાઓ. શત્રુના ખોળામાં નિર્ભયપણે માથું મૂકી દેવું એ સત્યાગ્રહનો માર્ગ છે.” પછી એક વિરોધ કરનારા ભાયાત જે સામે ઊભા હતા તેમને ગાંધીજીએ કહ્યું : “મારે મારા સાથીઓનું નહીં પણ